ભૂમાફિયાઓ સામેના કેસ "વિશેષ અદાલત” ચાલશે; 14 વર્ષ સજાની જોગવાઇ

28 October 2020 11:26 AM
Rajkot Crime Saurashtra
  • 
ભૂમાફિયાઓ સામેના કેસ "વિશેષ અદાલત” ચાલશે; 14 વર્ષ સજાની જોગવાઇ

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં પારકી મિલ્કત હડપ કરવાના વધતા બનાવ સામે સરકાર હરકતમાં:જમીનના માલિકે પોતાની મિલ્કત છે તેવા તમામ આધારો-પુરાવાઓ પ્રથમ જિલ્લા કલેકટરને આપી માલિકી હકક પુરવાર કરવો પડશે; બાદમાં કેસની મંજૂરી:આસામીએ પોલીસ ફરિયાદ કરતા પૂર્વે જિલ્લા કલેકટરની પૂર્વ મંજૂરી લેવી પડે તેવી જોગવાઇ; ભૂમાફિયાઓને સજા-દંડ ઉપરાંત ગુનો સાબિત થયે મિલ્કત પરત - વળતર આપવું પડશે

રાજકોટ, તા.28
રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં પારકી જમીન હડપ કરી જવાના વધતા જતા બનાવો સામે રાજ્ય સરકારે લાલઆંખ કરી કેટલીક મહત્વની જોગવાઇ કરી છે. ભુમાફિયાઓ બાવડાના બળે આમ સામાન્ય વ્યકિતની મરણમુડી જેવી કિંમતી જમીન-મકાન-પ્લોટ-દુકાનો હડપ કરી લેતા હોય છે. બાહુબલીઓના ભ્રમથી ગભરૂ લોકો આંખ ઉંચી કરી શકતા નથી પરંતુ સરકારે આવા ભૂમાફિયાઓને ઢેર કરવા ખાસ જમીન અધિનિયમન બનાવી જમીન હડપ કરી જતા તત્વો સામેના કેસો ચલાવવા ખાસ કોર્ટની રચના કરવાનું નકકી કરી ગુનો પુરવાર થયે આરોપીને 14 વર્ષ સુધીની કોર્ટ જેલની સજાનો એક વિસ્તૃત ગાઇડલાઇન સાથેનો નિયમ બનાવ્યો છે. જો કે જમીન હડપ કરી જવાના કેસમાં જે આસામી ભાગ બન્યો છે તેને પ્રથમ તમામ પુરાવા સાથે જિલ્લા કલેકટરને રજાુઆત કરવાની રહેશે. મહેસુલી નિયમો મુજબ તમામ ચકાસણી બાદ ખરેખર જમીન માલિકીની જમીન હડપ થઇ છે તે પુરવાર થયે કલેકટરની મંજાુરી બાદ આસામી પોલીસ ફરિયાદ કરી શકશે જેનો ખટલો ખાસ અદાલતમાં સમાવાશે તેવું નકકી થયું છે.


ગુજરાતના મહેસુલ મંત્રી કૌશિક પટેલ દ્વારા જમીન હડપ કરી જતા ભૂમિફીયાઓ સામે નવી જાહેર કરતી જોગવાઇઓમાં એવું જણાવાયું છે.કોઇપણ સ્વરૂપમાં જમીન પચાવી પાડવી એ પ્રતિબંધિત રહેશે અને ગેરકાયદેસર જાહેર થશે અને જમીન પચાવી પાડવા સાથે સંકળાયેલી અથવા તેના કારણે થતી કોઇપણ પ્રવૃત્તિ, આ અધિનિયમ હેઠળ શિક્ષાને પાત્ર ગુનો રહેશે. કોઇપણ વ્યકિતએ પોતે અથવા બીજી કોઇ વ્યકિત મારફત જમીન પચાવી પાડવી અથવા પચાવી પડાવવી જોઇએ નહીં.


આ અધિનિયમના આરંભની તારીખે અથવા તે પછી સરકારની, સ્થાનિક સત્તા મંડળની, ધાર્મિક અથવા સખાવતી સંસ્થાની અથવા દેણગીની અથવા અન્ય ખાનગી વ્યકિતની પચાવી પાડેલી જમીનનાકાયદેસર ભાડૂત તરીકે હોય તે સિવાય તેનો ભોગવટો ચાલુ રાખે તેવી કોઇ વ્યકિત આ અધિનિયમ હેઠળ ગુના માટે દોષિત ગણાશે.જોગવાઇઓનું ઉલ્લંઘન કરે તેવી કોઇપણ વ્યકિતને દોષિત ઠર્યેથી દસ વર્ષ કરતાં ઓછી નહીં પણ ચૌદ વર્ષની મુદત સુધીની કેદની અને એવી મિલકતોની જંત્રીની કિંમત સુધીના દંડની શિક્ષા થશે. જોગવાઇઓનું ઉલ્લંઘન કરીને જમીન પચાવી પાડવાના ઇરાદાથી અથવા તેવી કોઇ જમીન પચાવી પાડવાના સંબંધમાં જે કોઇપણ વ્યકિત પાડેલી કોઇ જમીનનું વેચાણ કરે અથવા ફાળવે અથવા તેનું વેચાણ અથવા ફાળવણી કરવા માટે આપવાની તૈયારી બતાવે અથવા જાહેરાત કરે અથવા વેચાણ અથવા ફાળવણીના હેતુ માટે તેનો કબજો ધરાવે, જમીન પચાવી પાડવા માટે કોઇ વ્યકિતને ઉત્તેજન આપે અથવા ઉશ્કરણી કરે, પચાવી પાડેલ જમીનનો ઉપયોગ કરે અથવા વેચાણ અથવા ફાળવણી સાથે સંકળાયેલા હેતુઓ માટે ઇરાદાપૂર્વક (જાણીબુજી)ને ઉપયોગ કરાવે અથવા ઉપયોગ કરવાની પરવાનગી આપે અથવા તેવી જમીન પર કોઇ માળખા અથવા મકાનના બાંધકામ માટેનો કરાર કરે, કોઇ વ્યકિત પાસે ઉપર જણાવેલ કૃત્યો પૈકી કોઇપણ કૃત્યો કરાવડાવે અથવા કરાવે અથવા કરાવવાનો પ્રયત્ન કરે.તેને દોષિત કર્યેથી દસ વર્ષ કરતા ઓછી નહીં પણ ચૌદ વર્ષની મુદત સુધીની કેદની અને એવી મિલકતોની જંત્રીની કિંમત સુધીના દંડની શિક્ષા થશે.


જમીન પચાવી પાડનાર અથવા તેના વતી કોઇ વ્યકિત, કોઇપણ સમયે જેનું સંતોષપૂર્વક કારણ ન દર્શાવી શકે તેવી જંગમ અથવા સ્થાવર મિલકતનો કબજો ધરાવે છે અથવા કબજો ધરાવ્યો હતો અથવા તેની આવકના જાણીતા સ્ત્રોતોથી તેના નાણાંકીય સંસાધનો અપ્રમાણસર હોય, ત્યારે કોર્ટ, વિરુધ્ધનું પુરવાર ન થાય ત્યાં સુધી એવું માનશે કે આવી મિલકત અથવા નાણાંકીય સંશોધનો, જમીન પચાવી પાડનાર તરીકેની તેની પ્રવૃત્તિઓથી પ્રાપ્ત કરવામાં અથવા મેળવવામાં આવ્યા છે.


ગુનો થયા વિષેની કોઇપણ માહિતી, સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી સમિતિ સાથે વિચાર-વિનિમય કરીને જિલ્લા કલેકટરની પૂર્વ-મંજુરી વગર પોલીસ અધિકારી દ્વારા નોંધવી જોઇએ નહીં.
આ અધિનિયમ જોગવાઇ હેઠળ ગુનાની કોઇપણ તપાસ, નાયબ પોલીસ અધિક્ષકના દરજાથી ઉતરતા દરજાના ન હોય તેવા પોલીસ અધિકારી અથવા રાજ્ય સરકાર દ્વારા પોલીસ કમિશનરની નિમણૂંક કરવામાં આવી હોય તેવા વિસ્તારો માટે, મદદનીશ પોલીસ કમિશનરના દરજાથી ઉતરતા દરજાના ન હોય તેવા પોલીસ અધિકારી દ્વારા કરવી જોઇશે નહીં.


Related News

Loading...
Advertisement