41 વર્ષીય ગેઈલે કહ્યું, હું નિવૃત્ત થવાનો જ નથી !

28 October 2020 10:36 AM
Sports
  • 41 વર્ષીય ગેઈલે કહ્યું, હું નિવૃત્ત થવાનો જ નથી !

નવીદિલ્હી, તા.28
ટી-20 ક્રિકેટના લગભગ દરેક મોટા રેકોર્ડ ઉપર અત્યારે ક્રિસ ગેઈલનો કબજો છે. ગેઈલ વન-ડે અને ટેસ્ટનો પણ ખતરનાક બેટસમે છે. તે 41 વર્ષનો થઈ ગયો છે પરંતુ હજુ પણ બેટિંગમાં ઉતરે એટલે ભલભલા બોલરોના પગ ધ્રુજવા લાગે છે તેથી જ ચાહકોને ગેઈલની બેટિંગ જોવાનો આતૂરતાથી ઈન્તેજાર રહે છે. સોમવારે કોલકત્તા નાઈટ રાઈડર્સ વિરુદ્ધ ગેઈલે માત્ર 29 બોલમાં 51 રનની તોફાની બેટિંગ કરીને કિંગ્સ ઈલેવન પંજાબને સતત પાંચમી જીત અપાવી છે. મેચ બાદ ગેઈલે પોતાના નિવૃત્તિ પ્લાન વિશે પણ વાત કરી હતી. તેણે કહ્યું કે હું ક્રિકેટમાંથી નિવૃત્ત થવાનો જ નથી.
કલકત્તા વિરુદ્ધ ક્રિસ ગેઈલ અને મંદીપસિંહે બીજી વિકેટ માટે 100 રનની ભાગીદારી કરી હતી. મેચ બાદ ક્રિસ ગેઈલે મંદીપસિંહનો ઈન્ટરવ્યુ કર્યો હતો જેમાં મંદીપે ગેઈલને કહ્યું કે તે ક્યારેય ક્રિકેટમાંથી નિવૃત્ત ન થાય. આ પછી ગેઈલે હસતાં હસતાં કહ્યું કે શું તમે સાંભળ્યું કે મંદીપે શું કહ્યું ? ચાલો, નિવૃત્તિને કેન્સલ કરો. હું હવે નિવૃત્ત નથી થવાનો અને યુવાઓ સાથે રમતો જ રહીશ.
ઉલ્લેખનીય છે કે ક્રિસ ગેઈલ 21 વર્ષથી સતત ક્રિકેટ રમી રહ્યો છે. 1999માં તેણે ભારત વિરુદ્ધ જ ટોરેન્ટોના મેદાન પર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુ કર્યું હતું. પાછલા વર્ષે ઓગસ્ટમાં ભારત વિરુદ્ધ વન-ડે શ્રેણી દરમિયાન પોર્ટ ઓફ સ્પેનના મેદાન પર લાગ્યું હતું કે ગેઈલ નિવૃત્ત થઈ રહ્યો છે. તેણે 301 નંબરની જર્સી આપી દેવામાં આવી હતી પરંતુ બાદમાં ગેઈલે જ કહ્યું હતું કે તે નિવૃત્ત થઈ રહ્યો નથી. ગેઈલ દુનિયાભરની ટી-20 લીગમાં રમે છે. તેણે 103 ટેસ્ટમાં સાત હજારથી વધુ રન બનાવ્યા છે જેમાં 15 સદી સમાવિષ્ટ છે. 301 વન-ડેમાં ગેઈલના નામે 10480 રન છે અને તેણે વન-ડેમાં 25 સદી બનાવી છે. જ્યારે ટી-20માં ગેઈલના નામે 13475 રન છે. તે આ ફોર્મેટમાં સૌથી વધુ 22 સદી લગાવી ચૂક્યો છે.


Related News

Loading...
Advertisement