મુંબઈ-બેંગ્લોર વચ્ચે કાંટે કી ટક્કર: આજે એક ટીમ થશે પ્લેઓફ માટે ક્વોલિફાય

28 October 2020 10:35 AM
Sports
  • મુંબઈ-બેંગ્લોર વચ્ચે કાંટે કી ટક્કર: આજે એક ટીમ થશે પ્લેઓફ માટે ક્વોલિફાય

બન્નેના 14-14 પોઈન્ટ, જીતનારી ટીમ 16 પોઈન્ટ સાથે નોકઆઉટ રાઉન્ડમાં પહોંચી જશે: બન્નેએ પોતાની છેલ્લી મેચમાં મેળવ્યો છે પરાજય

અબુધાબી, તા.28
આઈપીએલ-13ના 48મા મુકાબલામાં આજે સૌથી સફળ ટીમ મુંબઈ ઈન્ડિયન્સ અને પોતાના પહેલાં ખિતાબની તલાશ કરી રહેલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે સાંજે 7:30 વાગ્યાથી અબુધાબી સ્ટેડિયમમાં ટક્કર થશે. મુંબઈના કેપ્ટન રોહિત શર્મા ઈજાગ્રસ્ત થવાને કારણે સતત ત્રીજો મેચ ગુમાવી શકે છે. બન્ને ટીમની કોશિશ જીત મેળવીને પ્લેઓફ માટે ક્વોલિફાય થવા ઉપર રહેશે. મુંબઈને પાછલા મેચમાં રાજસ્થાન સામે તો બેંગ્લોરને ચેન્નાઈ સામે પરાજયનો સ્વાદ ચાખવો પડ્યો હતો. આજે જે ટીમ જીતશે તે પ્લેઓફમાં પહોંચી જશે.
રોહિતની ફિટનેસ આ મેચ પહેલાં જ ચર્ચાનો વિષય બની ગઈ છે. તે હેમસ્ટ્રીંગની ઈજાને કારણે પાછલા બે મેચમાં રમી શક્યો નહોતો. જો કે રોહિત ગઈકાલે નેટ પર અભ્યાસ કરતો જોવા મળતાં આજની મેચમાં તે કદાચ રમવા ઉતરે તેવી સંભાવના પણ છે.
રોહિતની ગેરહાજરીમાં મુંબઈ સૌરભ તિવારી અને ઈશાન કિશન ઉપર ભરોસો રાખી રહ્યું છે. ક્વિન્ટન ડિકોન રાજસ્થાન વિરુદ્ધ નિષ્ફળ રહ્યો હતો. જ્યારે કિશન અને સૂર્યકુમાર યાદવે નામ પ્રમાણે જ પ્રદર્શન કરી બતાવ્યું હતું. હાર્દિક પંડ્યાએ રાજસ્થાન વિરુદ્ધ સાત છગ્ગા ફટકારીને પોતાનામાં કેટલી તાકાત છે તે બતાવી દીધું હતું. હાર્દિક ઉપરાંત કાર્યકારી કેપ્ટન કાયરન પોલાર્ડ અને કૃણાલ પંડ્યા ટીમમાં એવા ખેલાડી છે જે લાંબા શોટ રમવામાં માહેર છે.
મુંબઈના બોલરો પાછલા મેચને ભૂલીને નવી શરૂઆત કરવા માગશે. પાછલા મેચમાં રાજસ્થાનના બેન સ્ટોક્સ અને સંજૂ સેમસન સામે તેની કારી ફાવી નહોતી. ટ્રેન્ટ બોલ્ટ અને જસપ્રિત બુમરાહે અત્યાર સુધી બોલિંગનો મોરચો બરાબરનો સંભાળીને રાખ્યો છે.
બીજી બાજુ બેંગ્લોરનો કેપ્ટન વિરાટ કોહલી શાનદાર ફોર્મમાં રમી રહ્યો છે. જો કે એરોન ફિન્ચ અને દેવદત્ત પડ્ડીકલે નિરંતરતાનું બતાવવી જ પડશે. જો બેંગ્લોરના ટોચના તમામ બેટસમેનો યોગદાન આપે છે તો પછી વિરોધી ટીમ પરેશાનીમાં મુકાઈ શકે છે. ક્રિસ મોરિસ, મોઈન અલી અને ગુરકીરત માન પણ મીડલ ઓર્ડરની જવાબદારી નીભાવી શકે છે પરંતુ બેંગ્લોરની ટીમ નવદીપ સૈની ઈજાગ્રસ્ત થવાને કારણે ચિંતામાં મુકાઈ ગઈ છે. સૈની આજના મેચમાં રમે છે કે કેમ તે અંગે હજુ સસ્પેન્સ છે.


Related News

Loading...
Advertisement