...જ્યારે નરેશ કનોડિયાએ શાસ્ત્રી મેદાનમાં હકડેઠઠ મેદની વચ્ચે ‘અરે અરે શું વાત કરો છો’ ડાયલોગ લલકાર્યો !

27 October 2020 05:13 PM
Rajkot Entertainment Gujarat
  • ...જ્યારે નરેશ કનોડિયાએ શાસ્ત્રી મેદાનમાં હકડેઠઠ મેદની વચ્ચે ‘અરે અરે શું વાત કરો છો’ ડાયલોગ લલકાર્યો !

લાખોની મેદનીને મહેશ-નરેશની જોડીએ ‘ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય’ પર ડોલાવી હતી : કંડલામાં વાવાઝોડાના હતભાગીઓને મદદરૂપ થવા માટે યોજાયો હતો લોકડાયરો

રાજકોટ, તા.27
ગુજરાતી ફિલ્મોના ‘રજનીકાંત’ અને ગુજરાતના મિલેનિયમ મેગાસ્ટાર નરેશ કનોડિયા ચાહકોને રડાવતાં છોડી ગયા છે ત્યારે રાજકોટ સાથેના પણ તેમના સંભારણા લોકો ક્યારેય ભૂલી શકશે નહીં. એક નહીં બલ્કે અનેક વખત રાજકોટના મહેમાન બની ચૂકેલા નરેશ-મહેશ કનોડિયાની જોડીએ અહીં મચાવેલી ધમાલ લોકોના જનમાનસમાં કાયમી કેદ થઈ ગઈ છે.

વર્ષો પહેલાં કંડલામાં વાવાઝોડું આવ્યું હતું અને તેમાં ભારે નુકસાન પણ થયું હતું. આ કુદરતી આફતના હતભાગીઓને મદદરૂપ થવા માટે મહેશ-નરેશની જોડી દ્વારા રાજકોટના શાસ્ત્રી મેદાનમાં એક લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં લાખો લોકોની મેદની એકઠી થઈ હતી. આ મેદની વચ્ચે મહેશ-નરેશની જોડીએ ‘ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય’ ગીત ઉપર સૌને મન મુકીને નાચવા માટે મજબૂર કરી દીધા હતા.

આ પછી અચાનક જ નરેશ કનોડિયાએ તેમના વજનદાર ડાયલોગ ‘અરે અરે શું વાત કરો છો’ લલકારતાં ઉપસ્થિત લોકો ગાંડા થયા હતા અને ઉભા થઈને તેમના ડાયલોગને વધાવી લીધો હતો. એક તબક્કે એટલી હદે મેદની એકત્રીત થઈ ગઈ હતી કે તેમને કાબૂમાં રાખવી ભારે પડી ગઈ હતી. આવું એક નહીં પરંતુ અનેક વખત બન્યું છે કે જ્યારે નરેશ કનોડિયા કોઈ કાર્યક્રમમાં ભાગ લેવાના હોય એટલે લોકોને ‘બોલાવવા’ નહીં નહોતા પડતા પરંતુ તેઓ સામેથી જ ‘આવી’ જતાં હતા.

રાજકોટમાં યોજાયેલા આ કાર્યક્રમને નરેશ કનોડિયાના ચાહકો ક્યારેય ભૂલી શકશે નહીં.


Related News

Loading...
Advertisement