કોરોના સામે જંગ હાર્યા ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર નરેશ કનોડિયા

27 October 2020 10:45 AM
Entertainment Gujarat
  • કોરોના સામે જંગ હાર્યા ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર નરેશ કનોડિયા

યુ.એન.મહેતા હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ: ગુજરાતી ફિલ્મ ક્ષેત્રએ બે દિવસમાં બબ્બે દિગ્ગજ કલાકારો ગુમાવતાં ઘેરો શોક

2020નું વર્ષ હિન્દી ફિલ્મોની સાથે ગુજરાતી ફિલ્મો માટે પણ અપશુકનિયાળ સાબિત થઈ રહ્યું છે. હજુ રવિવારે જ ગુજરાતી ફિલ્મોના લેજન્ડ સંગીતકાર-ગાયક મહેશ કનોડિયાનું નિધન થતાં તેના શોકમાંથી હજુ ચાહકો બહાર આવે તે પહેલાં જ આજે મહેશ કનોડિયાના ભાઈ નરેશ કનોડિયા કોરોના સામે જંગ હારી જતાં 77 વર્ષની વયે તેમનું નિધન થયું છે. નરેશ કનોડિયા છેલ્લા કેટલાક સમયથી કોરોનાને કારણે અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. જો કે આજે સવારે તેમણે અંતિમ શ્ર્વાસ લીધા હોવાનું હોસ્પિટલના તબીબોએ જાહેર કર્યું છે.

માત્ર બે દિવસના સમયગાળામાં જ ગુજરાતી ફિલ્મ ક્ષેત્રએ બબ્બે દિગ્ગજ કલાકારો મહેશ કનોડિયા અને નરેશ કનોડિયાને ગુમાવી દેતાં ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને તેમના ચાહકોમાં ઘેરો શોક વ્યાપી જવા પામ્યો છે. નરેશ કનોડિયા 1943માં મહેસાણાના કનોડા ગામે જન્મ્યા હતા અને તેમણે 1970થી ગુજરાતી ફિલ્મોમાં ડેબ્યુ કર્યું હતું. ફિલ્મી કારકીર્દિ દરમિયાન તેમણે એક-એકથી ચડિયાતી ગુજરાતી ફિલ્મો આપી હતી જે ફિલ્મરસિકોને હજુ પણ કંઠસ્થ હશે. ખાસ કરીને તેમની ફિલ્મો ‘ઢોલા મારુ’, ‘જોગ સંજોગ’, ‘કંકુની કિંમત’, ‘ઉંચી મેડીના ઉંચા મોલ’, ‘રાજ રાજવણ’, ‘મન સાયબાની મેડીએ’, ‘મેરુ માલણ’, ‘મા-બાપને ભૂલશો નહીં’, ‘રાજવીર’ સહિતની ફિલ્મો હજુ પણ ચાહકોને કંઠસ્થ છે. આ ફિલ્મોમાં નરેશ કનોડિયા દ્વારા પહાડી અવાજમાં લલકારવામાં આવેલા ડાયલોગ પણ તેમના ચાહકો ક્યારેય ભૂલી શકશે નહીં.

ગુજરાતી ફિલ્મોને એક નવો જ આયામ સુધી પહોંચાડવામાં સિંહફાળો આપનાર નરેશ કનોડિયા સાંસદ તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે. તેમનું નામ ગુજરાતના મિલેનિયમ મેગા સ્ટાર તરીકે લેવામાં આવે છે. કારકિર્દીના પ્રારંભે અનેક પ્રકારના સંઘર્ષનો સામનો કરનાર નરેશ કનોડિયા અને મહેશ કનોડિયાની જોડીને તેમના ચાહકોએ બે દિવસના અંતરાલમાં જ ગુમાવી દેતાં ગમગીની વ્યાપી જવા પામી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે નરેશ કનોડિયાને થોડા દિવસ પહેલાં કોરોના થયો હોવાનું નિદાન થતાં તેમને અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ત્યાં તેમને વેન્ટીલેટર ઉપર રખાયા હતા. ડોક્ટરોએ તેમની સઘન સારવાર કરી હતી પરંતુ અંતે આજે તેઓ કોરોના સામેનો જંગ હારી ગયા હતા. નરેશ કનોડિયાનું નિધન થયું હોવાનું જાહેર થતાં હોસ્પિટલ ઉપર તેમના ચાહકો ઉમટી પડ્યા હતા. નરેશ કનોડિયાનું નિધન થતાં ચાહકોએ સોશ્યલ મીડિયા ઉપર તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. અત્યારે નરેશ કનોડિયાના પુત્ર હિતુ કનોડિયા ભાજપના ધારાસભ્ય છે.40 વર્ષની કારકીર્દિમાં 72 અભિનેત્રીઓ સાથે કામ કરવાનો રેકોર્ડ

ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર નરેશ કનોડિયાનું આજે કોરોનાને કારણે હોસ્પિટલમાં નિધન થયું છે. 1970થી ફિલ્મ કારકીર્દિનો પ્રારંભ કરનાર નરેશ કનોડિયાએ 40 વર્ષની સફર દરમિયાન 72 અભિનેત્રીઓ સાથે કામ કરવાનો રેકોર્ડ નોંધાવ્યો છે જેને અત્યાર સુધી કોઈ તોડી શક્યું નથી. નરેશ કનોડિયાએ સ્નેહ લતા, અરુણા ઈરાની, રોમા માણેક સહિતની લેજન્ડ હિરોઈનો સાથે અનેક ફિલ્મોમાં કામ કર્યું છે અને આ ફિલ્મો સુપરહિટ પણ નિવડી છે ત્યારે નરેશના સાથી કલાકારોએ પણ તેમના નિધનથી જબરો આંચકો લાગ્યો છે.‘વેલીને આવ્યા ફૂલ’થી લઈ ‘હિરલ હમીર’ સહિતની અનેક ફિલ્મો ચાહકો ક્યારેય નહીં ભૂલી શકે

ગુજરાતી ફિલ્મોના લેજન્ડ કલાકાર નરેશ કનોડિયાએ 1970થી કારકીર્દિનો પ્રારંભ કર્યો હતો અને તેમણે ફિલ્મ ‘વેલીને આવ્યા ફૂલ’થી ફિલ્મી સફર શરૂ કરી ‘હિરલ હમીર’ (હિન્દી ડબિંગ વર્ઝન) સુધીની 125 ફિલ્મોમાં કાબીલેદાદ અભિનય કર્યો હતો જે તેમના ચાહકો ક્યારેય ભૂલી શકશે નહીં. ફિલ્મોમાં કામ કરવા ઉપરાંત મહેશ-નરેશની બેલડીએ 150 જેટલી ફિલ્મોમાં સુમધુર સંગીત પણ આપ્યું હતું જેને જોટો ક્યારેય મળે તેવી સંભાવના બહુ ઓછી છે. આમ બે દિવસના ગાળામાં ગુજરાતી ફિલ્મ ક્ષેત્રએ મહેશ-નરેશની જોડીને ગુમાવી દીધી છે ત્યારે ગુજરાતી ફિલ્મોને ક્યારેય ન પૂરી શકાય તેવી ખોટ પડશે.


નરેશ કનોડિયા ગુજરાતી ફિલ્મોના ‘રજનીકાંત’ કહેવાતા


પોતાના અભિનયથી ચાહકોને અભિભૂત કરી દેનારા નરેશ કનોડિયા ગુજરાતી ફિલ્મોના રજનીકાંત તરીકેની ઓળખ પામી ગયા હતા. તેમણે કરેલા અભિનય અને ડાયલોગ ડિલિવરીને જોઈને ચાહકો તેમને રજનીકાંત કહેવા લાગ્યા હતા અને તેમના મીમ્સ પણ સોશ્યલ મીડિયા ઉપર ધૂમ મચાવી રહ્યા હતા. આ ઉપરાંત ફાઈટિંગના દ્રશ્યો પણ તેમના ચાહકો ક્યારેય ભૂલી શકે તેમ નથી. જો કે હવે નરેશ કનોડિયાની યાદો જ ફિલ્મ ક્ષેત્રે શેષ રહી હોવાથી ચાહકો ગમ સાથે નરેશ કનોડિયાને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે.


નરેશ કનોડિયા દાદાસાહેબ ફાળકે સહિતના અનેક એવોર્ડથી સન્માનિત


સુપરસ્ટાર નરેશ કનોડિયાને દાદાસાહેબ ફાળકે સહિતના અનેક એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. 2012માં ભારતીય સિનેમા જગતને સો વર્ષ પૂર્ણ થવાની ખુશાલીમાં મુંબઈ ખાતે યોજાયેલ એક સમારંભમાં દિલીપકુમાર, અમિતાભ બચ્ચન, સાયરાબાનુ અને વિનોદ ખન્ના જેવા ભારતીય સિને જગતના લેજન્ડ કલાકારોની હાજરીમાં નરેશ કનોડિયાને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો જેને જોઈને ગુજરાતીઓની છાતી ગજ ગજ ફૂલી ઉઠી હતી.
Related News

Loading...
Advertisement