મિર્ઝાપુર-2 :રાજગાદીનો ખૂની ખેલ

24 October 2020 02:18 PM
Entertainment
  • મિર્ઝાપુર-2 :રાજગાદીનો ખૂની ખેલ

સીરિઝની વાત આવે ત્યારે સામાન્યત: મોટાભાગના મેકર્સ એવો આગ્રહ રાખતાં હોય છે કે દર વર્ષે એક ભાગ રીલિઝ કરવામાં આવે. એક વર્ષથી વધારે લેવામાં આવતો સમયગાળો પ્રેક્ષકને સીરિઝથી દૂર કરી શકે છે. 2018ની સાલના નવેમ્બર મહિનામાં મિર્ઝાપુરનો પહેલો ભાગ રીલિઝ થયો એ પછી તો પ્રેક્ષકોએ તેને ખોબલે-ખોબલે વધાવી. પરંતુ મેકર્સ 2019ની સાલમાં તેનો બીજો ભાગ લાવી ન શક્યા. એમેઝોન પ્રાઇમ તરફથી આ વર્ષે એમના પર યેનકેન પ્રકારેણ બીજો ભાગ રીલિઝ કરવાનું દબાણ કરવામાં આવ્યું. છેવટે 23 ઑક્ટોબરની તારીખ નક્કી થઈ. જો તમે પહેલો ભાગ ન જોયો તો અહીંથી જ અટકી જજો. (સ્પોઇલર્સ વોર્નિંગ.)


મિર્ઝાપુરની રાજગાદી મેળવવા માટેના ખૂની ખેલમાં બબલૂ (વિક્રાંત મેસ્સી) અને સ્વીટી (શ્રિયા પિલગાંવકર)ની મુન્ના ત્રિપાઠી (દિવ્યેન્દુ શર્મા)એ હત્યા કરી છે. ગુડ્ડુ (અલી ફૈઝલ) અને ગોલુ ગુપ્તા (શ્ર્વેતા ત્રિપાઠી) પોતાના સ્વજનોના મોતનો બદલો મેળવવા માટે અધીરા બન્યા છે. બીજી સિઝનમાં ઘણા નવા પાત્રો ઉમેરાયા છે. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી પદ પર બેઠેલા યાદવ, એમની દીકરી માધુરી યાદવ, બિહારનો ત્યાગી પરિવાર, રોબિન, શબનમ વગેરે.


સેક્સ, વાયોલન્સ અને ખૂનામરકી. આ ત્રણ શબ્દોથી ભરપૂર ’મિર્ઝાપુર-2’ ઑડિયન્સની બે વર્ષ જૂની ભૂખ શાંત કરવા માટે સક્ષમ છે. મિર્ઝાપુર-2 વધુ પડતા હિંસાત્મક દ્રશ્યો અને લોહીના લાલ રંગથી રંગાયેલી છે. બીજી સિઝનની ખાસિયત એ છે કે પહેલીની તુલનામાં વધુ સારી, પ્રવાહી શૈલીમાં લખાઈ છે. સંબંધોની આંટીઘૂંટી અને રાજકીય કાવાદાવા અપગ્રેડ થયા છે. ચાર પરિવારો ત્રિપાઠી, પંડિત, શુક્લા અને ત્યાગી વચ્ચેની અથડામણને નવું સ્વરૂપ આપવામાં આવ્યું છે. માધુરી યાદવ (ઇશા તલવાર), ભરત-શત્રુધ્ન ત્યાગી (ટવીન ભાઇઓ-વિજય વર્મા), દદ્દા ત્યાગી (લિલીપુટ), રોબિન (પ્રિયાંશુ પેન્યુલી), ડોક્ટર (દિબ્યેન્દુ ભટ્ટાચાર્ય), શકુંતલા શુક્લા (મેઘના મલિક), શરદ શુક્લા (અંજુમ શર્મા) સહિતની સ્ટાર-કાસ્ટ ઉમેરાઈ છે. કાલીન ભૈયા (પંકજ ત્રિપાઠી)ની પત્ની બીના ત્રિપાઠી ઉર્ફે રસિકા દુગ્ગલના પાત્રમાં ઉમેરવામાં આવેલા મજબૂત પરિવર્તનો આવકારદાયક છે. વાસ્તવમાં બીજી સિઝન સ્ત્રી સશક્તિકરણ અને નારી-શક્તિને પણ વ્યાખ્યાયિત કરવાનું કામ કરે છે. પહેલી સિઝનમાં દબાઈ ગયેલા પાત્રો જેમકે મકબૂલ (શાજી ચૌધરી) તેમજ ત્રિપાઠી પરિવારના બે નોકર રાધિયા અને રાજાને ખાસ બનાવાયા છે. દરેક પાત્રો ઇવોલ્વ થયા છે.

વચ્ચેના એક એપિસોડમાં ભારતના પ્રખ્યાત વોઇસ ઑવર આર્ટિસ્ટ વિજય વિક્રમ સિંઘ (એ જ શખ્સ, જેઓ છેલ્લી કેટલીય સિઝનથી બિગ-બોસ રિયાલિટી શોનો અવાજ છે) પણ ખ્યાતનામ બિઝનેસના પાત્રમાં આંટો મારી જાય છે. રાજેશ ટેલંગ અને શીબા ચઢ્ઢા પતિ-પત્ની અને માતા-પિતાના કિરદારમાં હવે ટાઇપ-કાસ્ટ થઈ ગયા છે. એમની આ જોડીને આપણે છેલ્લે બંદિશ-બેન્ડિટ્સમાં પણ પતિ-પત્ની તરીકે જોઈ ચૂક્યા છીએ. પણ ખેર, એમને જોવાની એક અલગ જ મજા છે!


સિનેમેટોગ્રાફીથી શરૂ કરીને ડિરેક્શન તેમજ પોસ્ટ-પ્રોડક્શન સુધીના તમામ પરિબળોમાં બીજી સિઝન બાજી મારી જાય છે. અને હા, ત્રીજી સિઝનમાં સાવ નવા પ્લોટ અને કિરદારો સાથે પરત ફરવાની હિન્ટ સાથે આ સિઝન પૂરી થઈ છે. દસે-દસ એપિસોડ એકીસાથે બિન્જ-વોચ કરી શકાય એટલી સદ્ધર તો છે, પરંતુ વચ્ચે-વચ્ચે ક્યાંક કંટાળાજનક અને ખેંચાતી હોય એવું પણ લાગી શકે. જોકે, મિર્ઝાપુરના ચાહકો માટે તો આ બધી ગૌણ બાબતો ગણી શકાય.bhattparakh@yahoo.com


Related News

Loading...
Advertisement