કોંગ્રેસે વર્ષો સુધી દેશને લૂંટયો છે હવે કોંગ્રેસની કુનીતિનો સંહાર કરવાનો સમય પાકી ગયો : મોરબીમાં સ્મૃતિ ઇરાનીનું આહવાન

24 October 2020 01:53 PM
Morbi Saurashtra
  • કોંગ્રેસે વર્ષો સુધી દેશને લૂંટયો છે હવે કોંગ્રેસની કુનીતિનો સંહાર કરવાનો સમય પાકી ગયો : મોરબીમાં સ્મૃતિ ઇરાનીનું આહવાન

(જીજ્ઞેશ ભટ્ટ) મોરબી તા.24
મોરબી-માળીયા વિધાનસભા બેઠકની ચૂંટણી માટે ભાજપે સ્ટાર પ્રચારકોને ચુંટણીના જંગમાં પ્રચાર માટે ઉતાર્યા છે ગઇકાલે શુક્રવારે હાઉસીંગ બોર્ડમાં સવાર સવારમાં ચૂંટણી સભા રાખી હતી જેમા વિશાળ જનમેદનીને સંબોધન કરતા સ્મૃતી ઈરાનીએ કોંગ્રેસ પાર્ટી તેના કાર્યકારી પ્રમુખ, કોંગ્રેસની વિચારધારા અને રાહુલ ગાંધી ઉપર ચોટદાર પ્રહારો કર્યા હતા અને કહ્યુ હતુ કે હું સાંસદ ભલે અમેઠીની છું પણ દીકરી અને વહું તો ગુજરાતની જ છું એમ કહી સ્મૃતિ ઈરાનીએ વિશાળ વર્ગમાં ઉપસ્થિત મહિલાઓને આકર્ષી હતી.
કેન્દ્રના કપડાં અને બાલ વિકાસમંત્રી સ્મૃતિ ઈરાની ગઇકાલે મોરબી આવ્યા હતા. ત્યારે શનાળા રોડ ગુજતાર હાઉસિંગ બોર્ડ ખાતે સ્મૃતી ઈરાનીએ વિશાળ સભામાં પ્રવેશ કરતા જ મહિલાઓ સહિત ભાજપ કાર્યકર્તાઓ અને મતદારોમાં ઉત્સાહ છવાઈ ગયો હતો. સિરિયલથી સંસદ સુધીની સફળતાપૂર્વક સફર કરનાર સ્મૃતિ ઈરાનીએ પોતાના ચીત-પરિચિત અંદાજમાં ગુજરાતીમાં વક્તવ્ય આપવાની શરૂઆત કરી હતી. જો કે રાષ્ટ્રીય મુદ્દાઓ અને મોદી સરકારની વિકાસગાથા વર્ણવામાં ઈરાનીએ છૂટથી હિન્દી ભાષાનો પ્રયોગ કર્યો હતો. ગઇકાલે સાતમે નોરતે કાલરાત્રી માતાના સ્વરૂપને યાદ કરીને સ્મૃતી ઈરાનીએ તેમના વક્તવ્યની શરૂઆત કરી હતી. કોંગ્રેસે વર્ષો સુધી ભારતને લૂંટયું છે કોંગ્રેસની કુનીતિનો સંહાર કરવાનો સંદેશ મોરબીની જનતાને આપવા આવી છું એમ કહીને સ્મૃતિ ઈરાનીએ પોતાના વકત્વની શરૂઆતમાં જ કોંગ્રેસને આડે હાથે લેવાનું ચાલુ કર્યું હતું. સ્મૃતિ ઈરાનીએ કોરોના સામેની લડાઈમાં આત્મનિર્ભર ભારત યોજના અને તેના પેકેજ વિશે કોંગ્રેસ દ્વારા ફેલાવવામાં આવી રહેલા ભ્રમનો પર્દાફાશ કર્યો હતો.
આત્મનિર્ભર ભારત લઘુ ઉધોગોમાં ક્રાંતિ લાવશે એમ કહેતા ઈરાનીએ ઉમેર્યું હતું કે, રૂપિયા 20 લાખ કરોડના આત્મનિર્ભર ભારત પેકેજની યોજના દ્વારા ગરીબો, મહિલાઓ અને નાના વ્યવસાયકારોની મદદ સરકાર કરી રહી છે. ત્યારે કોંગ્રેસે આ યોજના અંગે દુષ્પ્રચાર શરૂ કર્યો છે. વિજય રૂપાણીની સરકારે બે લાખ નાગરિકોને માત્ર બે ટકાના વ્યાજે 1-1 લાખ રૂપિયાની લોન આપવાની શરૂ કરેલી યોજનાથી કોંગ્રેસના પેટમાં તેલ રેડાયું છે.
ગુજરાતની શાન અને ભારતની આન માટે કોંગ્રેસે ક્યારેય એક શબ્દ પણ ઉચ્ચર્યો નથી. કોરોના મહામારી સામેની લડાઈમાં ભાજપના તમામ નેતાઓથી લઈને નાનામાં નાનો કાર્યકર જ્યારે દિવસ-રાત મહેનત કરી રહ્યા હતા, ભુખ્યાને ભોજન કરાવી રહ્યા હતા ત્યારે કોંગ્રેસનો એક પણ નેતા અને કાર્યકર શોધ્યો પણ જડતો ન હતો. ખેડૂતોના હિત માટેના બીલની ચર્ચા સંસદમાં થઈ રહી હતી ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ વિદેશમાં જતા રહ્યા હતા. એમ કહી સ્મૃતિ ઈરાનીએ ભાજપની વિકાસ ગાથાની તુલના કોંગ્રેસની સંકુચિત માનસિકતા સાથે કરી હતી.
રામ મંદિર ઉપરાંત ઇરાનીના ભાષણમાં 370 કલમની નાબુદી અને કોંગ્રેસનો એ અંગેનો વિરોધ, સર્જીકલ સ્ટ્રાઈક મામલે ભારતીય સેના પર કોંગ્રેસ દ્વારા ઉભી કરાયેલી શંકા અને પાકિસ્તાનને કોંગ્રેસનું આડકતરું સમર્થન જેવા મુદ્દાઓ છવાયેલા રહ્યા હતા. અંતમાં મોરબી સીરામીક ઉધોગને સસ્તા ભાવે ગેસ આપવાની ઉપલબ્દ્ધિ અને ચાઇના સામેની ઔધોગિક લડાઈમાં મોરબીમાં શરૂ થયેલો રમકડાં બનાવવાના ઉધોગનો તેમણે ઉલ્લેખ કરી આત્મનિર્ભર ભારતની પરિકલ્પનામાં મોરબીના સિંહફાળાને આવકર્યો હતો અને આશા વ્યક્ત કરી હતી કે મોરબીના ઉધોગો આત્મનિર્ભર ભારતની પરિકલ્પનામાં અગ્રેસર રહેશે.70 વર્ષથી ભારત દેશને વિદેશોમાં બદનામ કરવાનું અને છેવાડાના નાગરિકોને વિકાસથી વંચિત રાખવાનું કામ કોંગ્રેસે કર્યુ છે ત્યારે તેને ઉખાડી ફેંકવાનો સમય આવી ચૂક્યો છે તેમ જણાવીને વિકાસયાત્રામાં નરેન્દ્ર મોદીના સહભાગી બનવાનો આ મત આપીને અવસર મળ્યો છે તે મતનો ’યોગ્ય’ ઉપયોગ કરવાની સ્મૃતી ઇરાનીએ હાકલ કરી હતી.


Related News

Loading...
Advertisement