સુરત : કોરોનાના કારણે ટ્યુશન કલાસ બંધ રહેતા શિક્ષકે કલાસીસમાં જ જુગાર કલબ ખોલી, પોલીસે 7 ને દબોચ્યા

24 October 2020 01:15 PM
Surat Gujarat
  • સુરત : કોરોનાના કારણે ટ્યુશન કલાસ બંધ રહેતા શિક્ષકે કલાસીસમાં જ જુગાર કલબ ખોલી, પોલીસે 7 ને દબોચ્યા

કતારગામ પોલીસે બાતમીના આધારે દરોડો પાડી મોબાઈલ ફોન અને રોકડ સહિત 64 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો

સુરત, તા.24
સુરતના કતારગામ વિસ્તારમાં ટ્યુશન ક્લાસીસમાં દરોડો પાડી પોલીસે જુગાર કલબ ઝડપી પાડી છે. જ્યાં કલાસીસ સંચાલક શિક્ષક સહિત 7 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે મોબાઈલ ફોન અને રોકડ મળી 64,000 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.


મળતી વિગતો મુજબ સુરતના કતારગામ વિસ્તારમાં વી.એન. ગોધાણી સ્કૂલ સામે સ્વસ્તિક આર્કેડ નામના બિલ્ડીંગમાં આવેલા સોનાણી સાયન્સ કલાસીસમાં જુગાર કલબ ચાલતી હોવાની બાતમી માળતા કતારગામ પોલીસ મથકના સ્ટાફે દરોડો પાડ્યો હતો. જ્યાં જુગાર રમતા 7 શખ્સોને દબોચી પોલીસે મોબાઈલ ફોન, રોકડ રકમ મળી 64,000થી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.


આ અંગે સુરતના એસીપી ડી.જે. ચાવડાએ જણાવ્યું હતું કે, તમામ 7 આરોપીને ઝડપી લઈ જુગાર ધારાની કલમ 4 અને 12 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. અને 64 હજારથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. આરોપીઓમાં કલાસીસ સંચાલક શિક્ષક ધર્મેશ સોનાણીનો પણ સમાવેશ થાય છે. તપાસમાં સામે આવેલી વિગત મુજબ ધર્મેશ વિદ્યાર્થીઓને ટ્યુશન કરાવે છે. જોકે કોરોનાના કારણે થયેલા લોકડાઉન અને ત્યારબાદ અનલોકમાં પણ કલાસીસ શરૂ કરવાની મંજૂરી ન મળતા તેમણે બહારથી વ્યક્તિઓને બોલાવી ટ્યુશન કલાસીસમાં જ જુગાર રમાડવાનું શરૂ કરી દીધું હતું.
શાળા અને ટ્યુશન કલાસીસમાં જ્યાં વિદ્યાર્થીઓને જ્ઞાન અને અભ્યાસ કરાવામાં આવે છે. તેને સરસ્વતીનું મંદિર ગણવામાં આવે છે ત્યાંથી જુગાર કલબ ઝડપાતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.


Related News

Loading...
Advertisement