જેતપુરમાં ગંજેરી દોસ્તોએ મોજ શોખ પુરા કરવા 42 લાખની લૂંટ કરી’તી

24 October 2020 11:34 AM
Dhoraji Crime Saurashtra
  • જેતપુરમાં ગંજેરી દોસ્તોએ મોજ શોખ પુરા કરવા 42 લાખની લૂંટ કરી’તી

લૂંટના બન્ને મુખ્ય સૂત્રધાર સાકીર અને સમીર પોલીસ સકંજામાં, પૂછપરછમાં પોપટની જેમ લૂંટ પ્લાનની વિગતો ઓકી: રાઉન્ડઅપ કરાયેલા એક જેતપુર અને રાજકોટના ત્રણ શખ્સો પાસેથી ગઈકાલે 29.95 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો’તો

રાજકોટ, તા.24
જેતપુરમાં થયેલી 42 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, ગંજેરી દોસ્તોએ મોજ શોખ પુરા કરવા પરિવારના અન્ય સાગરીતો સાથે મળી લૂંટ કરી હતી. આ અંગે રાજકોટ જિલ્લા પોલીસ વડા બલરામ મીણા આજે બપોરે ગુનાનો ભેદ ઉકેલવા અંગે માહિતી આપશે.
સુત્રોમાંથી જાણવા મળ્યું છે કે, લૂંટના બન્ને મુખ્ય સૂત્રધાર રાજકોટના સાકીર અને સમીરને પોલીસે સકંજામાં લીધા છે. આ સાથે અન્ય 2 લોકો પણ ઝડપાયા છે. રાઉન્ડઅપ કરાયેલા રાજકોટના ચાર શખ્સો પાસેથી ગઈકાલે લૂંટમાં ગયેલો અને અન્ય મુદ્દામાલ મળી 29.95 લાખની મતા કબ્જે કરી હતી. પૂછપરછમાં આ લૂંટરાઓએ પોપટની જેમ લૂંટના પ્લાનની વિગતો ઓકી દીધી હતી.


મળતી વિગત મુજબ જેતપુર શહેરમાં સોની વેપારી પાસેથી સોનાના દાગીના તથા રોકડ રકમ મળી કુલ 42 લાખની ચકચારી લુંટ કરી છરીથી ઇજા કરવાના બનાવના આરોપીઓ તથા મુદ્દામાલ સાથે ગુન્હો શોધીમાં રાજકોટ રૂરલ લોકલ ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે. લૂંટની ઘટના બનતા જ રાજકોટ રેન્જના આઈ.જી. સંદિપ સિંહ તથા રાજકોટ જીલ્લાના પોલીસ અધિક્ષક બલરામ મીણાએ તત્કાલ ગુનેગરોને પકડી ભેદ ઉકેલવા સૂચના આપી હતી. જેમાં જેતપુર ખાતે ગઇ તા. 21 ના સવારના 10 વાગ્યાના સમયે ચીમનભાઇ કાળાભાઇ વેકરીયા (રહે . ધોરાજી) જેતપુરમાં સોનાના દાગીના ખરીદી કરી કમીશનથી વેપાર કરતા હોય અને પોતે થેલામાં આશરે વજન 710 ગ્રામ સોનાના દાગીના કિંમત રૂ. 28,40,000 તથા રોકડા રૂપિયા 2 લાખ એક થેલામાં ભરીને પગે ચાલીને જેતપુરના નાના ચોકથી મતવા શેરી તરફ જતા હોય તે દરમ્યાન બે અજાણ્યા ઇસમો મોટર સાયકલ પર આવી આંખમાં મરચાનો પાઉડર છાંટી પગમાં છરીથી ઇજા કરી હાથમાં રહેલ થેલો લૂંટી નાશી ગયેલ હતા જે ગુનો શોધી કાઢવા પોલીસ અધિક્ષક રાજકોટ ગ્રામ્યના બલરામ મીણા તથા જેતપુર વિભાગના એ.એસ.પી. સાગર બાગમરના સીધા માર્ગદર્શન હેઠળ એલ.સી.બી., એસ.ઓ.જી. તથા જેતપુર સીટી પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. જેતપુર ના આઇ - વે પ્રોજેકટ અંર્તગત સી.સી.ટી.વી. કેમેરાઓ ચેક કરી આરોપીઓની સાચી ઓળખ મેળવી તેઓને ઝડપી પાડવા માટે ટેકનીકલ સર્વેલન્સ અને મોબાઇલ કોલ ડીટેઇલ આધારે એલ.સી.બી. તથા એસ.ઓ.જી.ની ટીમોને અમદાવાદ, જામનગર, વડોદરા, ચોટીલા તથા રાજકોટ શહેરમાં મોકલી એલ.સી.બી. રાજકોટ ગ્રામ્યના પીઆઇ. એ.આર.ગોહીલ તથા પીએસઆઇ એચ.એમ. રાણા નાની બાતમી આધારે મુખ્ય આરોપી સાકીર મુસાભાઇ ખેડારા (રહે . જેતપુર ગોંડલ દરવાજા ટાવર) અને સમીર ઉર્ફે ભડાકો હનીફભાઇ વડાભાઇ કુરેશી (રહે. રાજકોટ કોઠારીયા સોલ્વટ મસ્જિદ પાસે)ને તથા કોન્સ્ટેબલ નારણભાઇ પંપાણીયા, દીવ્યેશભાઇ સુવાની બાતમીના આધારે આરોપી તુફેલ ઉર્ફે બબો મુસાભાઇ ખેડારા (રાજકોટ કોઠારીયા સોલ્વટ મહમદીબાગ મસ્જિદની બાજુમાં) ઝડપી લીધા હતા અને એસ.ઓ.જી. કોન્સ્ટેબલ સાહીલભાઇ ખોખરની બાતમી આધારે આરોપી અકબરભાઇ જુસબભાઇ રીબડીયા (રહે.રાજકોટ કોઠારીયા સોલ્વટ બરકતીનગર, મુળ પારડી તા.લોધીકા)ને સકંજામાં લીધો હતો.

આરોપીઓની મોડસ ઓપરેન્ડી


પોલીસ તપાસમાં જાણવા મળેલ કે, આરોપીઓ મોજ શોખ કરવાની ટેવ વાળા છે. પોતાના મોજ શોખ પુરા કરવા માટે લૂંટનો પ્લાન બનાવ્યો હતો. એકાદ મહિના સુધી રેકી કરી હતી. સાકીર અને સમીરે બનાવ પહેલા સેલ્સમેન જે જે રસ્તેથી ચાલીને સોનાના દાગીના લઇને વેપાર માટે જતા હોય તે રસ્તાની રેકી કરી હતી લૂંટના દિવસે જેતપુરના નાનાચોક અને મતવા શેરી વિસ્તારમાં સમીરે ભોગ બનનારની આંખમાં મરચાનો પાઉડર છાંટ્યો હતો અને સાકીરે છરી વડે સેલ્સમેનના પગમાં ઇજા કરી સોનાના દાગીના તથા રોકડા રૂપિયાનો થેલો લુંટી આરોપી અન્ય આરોપીએ નાઓએ મદદગારી કરી લૂંટ કરેલ સોનાના દાગીના રોકડ ને તેઓની પાસે છુપાવી રાખ્યો હતો.

કોઠારીયા સોલ્વન્ટમાં ભાગ બટાઈ માટે આરોપીઓ એકઠા થયાને પોલીસે દબોચી લીધા


તમામ આરોપીઓ રાજકોટના કોઠારીયા સોલ્વન્ટઢોલરા રોડ બરકતીનગર મેઇન રોડ ઉપરથી આરોપી અકબર રીંગડીયાના રહેણાક મકાને લૂંટના સોનાના દાગીના તથા રોકડ રકમની ભાગ બટાઇ માટે ભેગા થવાના હોય તેવી સચોટ બાતમી મળતા તે જગ્યાએ વોચ રાખી ચારેય આરોપીઓને લૂંટમાં ગયેલ તમામ અસલ મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી લીધા હતા. મુદ્દામાલમાં રૂ. 28,40,000 ના સોનાના દાગીના, રોકડા રૂપિયા 1,43,000, રૂ. 12,000ની કિંમતના 5 મોબાઈલ ફોન, રૂ. 50 ની કિંમતની છરી, મળી કુલ મુદામાલ રૂ. 29,95,050 ની મતા પોલીસે કબ્જે કરી હતી.

 


Related News

Loading...
Advertisement