ષષ્ઠમ મહાવિદ્યા : ત્રિપુર ભૈરવી

22 October 2020 06:51 PM
Rajkot
  • ષષ્ઠમ મહાવિદ્યા : ત્રિપુર ભૈરવી

વિશ્વના અધિષ્ઠાતા દક્ષિણામૂર્તિ કાલ ભૈરવ છે, અને કાલ ભૈરવની પૂર્ણ શકિત જ ત્રિપુર ભૈરવી છે

દશ મહાવિદ્યાના સત્સંગમાં આજે છઠી મહાવિદ્યા માતા ત્રિપુર ભૈરવી વિશે સંક્ષિપ્તમાં સત્સંગ કરીશુ. તંત્રમાં ભૈરવ સાથે ભૈરવીનું અતિ મહત્વ છે. મોટાભાગના સાધકો માત્ર ભૈરવ સાધના જ કરતાં હોય છે. પરંતુ સાધક (ભૈરવ સ્વરૂપ) અને ભૈરવી (સાધક) મળે તે અતિ મહત્વ ધરાવે છે. એજ રીતે દરેક સાધક સાથે યોગિની નું મહત્વ છે. હવે આપણે ભગવતી ત્રિપુર ભૈરવી વિશે આગળ જાણીએ.

વિશ્વના અધિષ્ઠાતા દક્ષિણામૂર્તિ કાલભૈરવ છે. અને કાલ ભૈરવની પૂર્ણ શકિત જ ત્રિપુર ભૈરવી છે. જે મહાત્રિપુર સુંદરીની રથ વાહિની છે. બ્રહ્માંડ પુરાણમાં ગુપ્ત યોગિનીયોની અધિષ્ઠાત્રી દેવીના રૂપમાં ઓળખ આપવામાં આવી છે. જયારે મત્સ્યપુરાણમાં ત્રિપુર ભૈરવી, કોલેશ ભૈરવી, રૂદ્ર ભૈરવી, ચૈતન્ય ભૈરવી, તથા નિત્યા ભૈરવી આમ અલગ અલગ રૂપોના વર્ણન મળે છે. માતા ત્રિપુરભૈરવીનો મુખ્ય ઉપયોગ ઘોર કર્મમાં થાય છે.

ધ્યાન : કમલાસન પર વિરાજમાન લાલ સ્વરૂપા, લાલ વસ્ત્ર ધારણ કરે છે. ગળામાં મુંડ માળા અને સ્તન ઉપર ચંદનનો લેપ કરે છે. ચતુર્ભુજા માં જપમાળા, પુસ્તક, વર અને અભય મુદ્રા ધારણ કરેલ છે. સંકટોમાંથી મુકત થવા રૂદ્રયામલ તંત્રમાં અને ભૈરવી કુલ સર્વસ્વમાં કવચ અને ઉપાસના કરવાનું વિધાન છે. તત્વ દ્રષ્ટિએ : આગમ ગ્રંથો અનુસાર એકાક્ષર રૂપ (પ્રણલ) છે.

આપણે સૌ પ્રણવ વિશે જાણીએ છીએ (અહીં સંક્ષિપ્ત લખુ છુ) કે સંપૂર્ણ બ્રહ્માંડ પ્રણવથી પ્રકાશિત છે અને અંતે લય ફણ પ્રણવમાં જ થાય છે. અ થી લઇ સોળ વર્ણ ભૈરવ કહેવાય છે અને ક થી ક્ષ સુધીના વર્ણ ભૈરવી કહેવાય છે. સ્વચ્છન્દોઘોતકના પ્રથમ ભાગમાં ત્રિપુરભૈરવીને યોગેશ્ર્વરી રૂપે ઉમા ઓળખાવે છે તથા તેના યોગ સ્વરૂપની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે.સ ત્રિપુરભૈરવીની સ્તુતિમાં કહયું છે કે ભૈરવી સુક્ષ્મ વાક તથા જગતના મૂળ કારણની અધિષ્ઠાત્રી છે.

દશેય મહાવિદ્યાની ભૈરવી સ્વરૂપા ત્રિપુર ભૈરવી, સિદ્ધ ભૈરવી, ચૈતન્ય ભૈરવી, ભુવનેશ્ર્વરી ભૈરવી, કમલેશ્વરી ભૈરવી, કામેશ્વરી ભૈરવી, ષટકૂટા ભૈરવી, નિત્યા ભૈરવી, કોલેશી ભૈરવી, રૂદ્ર ભૈરવી છે. એજ રીતે સિદ્ધ ભૈરવી ઉતરાયન પીઠની દેવી તથા નિત્યા ભૈરવી પશ્ચીમાયન પીઠની દેવી માનવામાં આવે છે જેના ઉપાસક સ્વયં ભગવાન શિવ છે તેમજ રૂદ્ર ભૈરવી દક્ષિણમાય પીઠની દેવી છે જેના ઉપાસક ભગવાન વિષ્ણુ છે.

મુંડમાલા તંત્રાનુસાર માતા ત્રિપુર ભૈરવીને ભગવાન નૃસિંહની અભિન્ન શકિત પણ બતાવેલ છે. વૈદિક દ્રષ્ટિએ : સૃષ્ટિમાં થતાં પરિવર્તન નું મૂળ કારણ આકર્ષણ અને વિકર્ષણ છે. સૃષ્ટિના પરિવર્તનમાં ક્ષણે ક્ષણે થવાની ભાવી ક્રિયાની અધિષ્ઠાત્રી શકિત એજ માતા ત્રિપુર ભૈરવી. જેની રાત્રિ એટલે કાલરાત્રિ.


Related News

Loading...
Advertisement