કાલે બે કેન્દ્રીયમંત્રી સ્મૃતિ ઈરાની તથા પુરુષોતમ રૂપાલા સૌરાષ્ટ્રમાં ભાજપના પ્રચારાર્થે

22 October 2020 05:36 PM
Ahmedabad Gujarat Rajkot
  • કાલે બે કેન્દ્રીયમંત્રી સ્મૃતિ ઈરાની તથા પુરુષોતમ રૂપાલા સૌરાષ્ટ્રમાં ભાજપના પ્રચારાર્થે
  • કાલે બે કેન્દ્રીયમંત્રી સ્મૃતિ ઈરાની તથા પુરુષોતમ રૂપાલા સૌરાષ્ટ્રમાં ભાજપના પ્રચારાર્થે

પ્રચારમાં રંગ જામ્યો: મોરબી-ધારી-અબડાસામાં મંત્રીઓની સભા-સંમેલન

રાજકોટ તા.22
ગુજરાતમાં વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણીઓ યોજાઈ રહી છે તે સમયે તા.3ના મતદાન પુર્વે આક્રમક બની રહેલા પ્રચારમાં આજે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ અબડાસામાં પક્ષના ઉમેદવારના પ્રચારમાં જાહેર સભા સંબોધી હતી તે બાદ આવતીકાલે બે કેન્દ્રીય મંત્રીઓ સૌરાષ્ટ્રમાં ભાજપના ઉમેદવારના પ્રચારમાં જોડાશે. જેમાં કેન્દ્રીય કાપડ મંત્રી સ્મૃતિ ઈરાની અને રાજયકક્ષાના કૃષિ મંત્રી શ્રી પુરુષોતમ રૂપાલા પ્રચારમાં આવી રહ્યા છે.

ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે વિધાનસભાની આઠ બેઠકોની આગામી પેટા ચૂંટણી અન્વયે આવતીકાલે 23 ઓક્ટોબરના રોજ કેન્દ્રીય મંત્રી શ્રીમતી સ્મૃતિ ઈરાનીનો મોરબી, લીંબડી, ગઢડા અને કરજણ વિધાનસભામાં તથા શ્રી પરસોત્તમભાઈ રૂપાલાનો ધારી વિધાનસભા અંતર્ગત ચૂંટણી પ્રવાસ યોજાશે.

કેન્દ્રીય મંત્રી શ્રીમતી સ્મૃતિ ઈરાનીજી આવતીકાલે 23 ઓક્ટોબરના રોજ મોરબી વિધાનસભા સીટના ભાજપા ઉમેદવાર બ્રિજેશભાઈ મેરજાના સમર્થનમાં સવારે 10:00 કલાકે ગુજરાત હાઉસિંગ બોર્ડ ,મોરબી ખાતે અને ત્યારબાદ લીંબડી વિધાનસભા બેઠકના ભાજપા ઉમેદવાર કિરીટસિંહ રાણાના સમર્થનમાં બપોરે 1:15 કલાકે ભરતભાઈ પટેલના જીન, લીંબડી ખાતે જાહેરસભાઓને સંબોધશે.

આ ઉપરાંત શ્રીમતી ઈરાનીજી ગઢડા વિધાનસભા સીટના ભાજપા ઉમેદવાર શ્રી આત્મારામભાઇ પરમારના સમર્થનમાં સાંજે 4:30 કલાકે પીટીસી કોલેજ, ગઢડા ખાતે અને રાત્રે 8:00 કલાકે કરજણ વિધાનસભા સીટના ભાજપા ઉમેદવાર શ્રી અક્ષયભાઈ પટેલના સમર્થનમાં મિયાગામ કરજણ ખાતે જાહેરસભાઓ સંબોધશે. જ્યારે કેન્દ્રીય મંત્રી પરસોત્તમભાઈ રૂપાલા આવતીકાલે 23 ઓક્ટોબરના રોજ ધારી વિધાનસભા સીટના ભાજપા ઉમેદવાર શ્રી જે.વી. કાકડિયાના સમર્થનમાં સવારે 10:00 કલાકે બગસરા ખાતે અને બપોરે 3:00 કલાકે ધારી ખાતે સહકારી ક્ષેત્રના આગેવાનો, સામાજિક અગ્રણીઓ, વેપારી મંડળના આગેવાનો, જુદી જુદી સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાના શ્રેષ્ઠીઓ સાથે બેઠક કરશે. ત્યારબાદ સાંજે 6:00 કલાકે મોટા સમઢિયાળા અને રાત્રે 8:00 કલાકે ચલાલા ખાતે જાહેરસભા સંબોધશે.


Related News

Loading...
Advertisement