જામનગરની ભાગોળે નિર્માણ સ્મશાનગૃહ રવિવારથી શરૂ

22 October 2020 03:35 PM
Jamnagar
  • જામનગરની ભાગોળે નિર્માણ સ્મશાનગૃહ રવિવારથી શરૂ

કબીર આશ્રમના મેનેજીંગ ટ્રસ્ટી વસ્તાભાઇ કેશવાલાએ કરી જાહેરાત: પ્રથમ યુનિટમાં 3 ખાટલા જેથી એક સાથે ત્રણ મૃતદેહને અગ્નિદાહ આપી શકાય: બીજા યુનિટનું કામ પણ પૂર ઝડપે શરૂ કરાયું: શહેરના બે સ્મશાનગૃહનું ભારણ ઘટાડી લોકોની સેવાનો ઉમદા પ્રયાસ: અંતિમવિધિ માટે કોઇ ચાર્જ વસુલાશે નહી: મહાનગરપાલિકા અને સરકારે ન કર્યુ તે ધાર્મિક સંસ્થાએ કરી બતાવ્યું

જામનગર તા.22:
જામનગર શહેરમાં ત્રીજા સ્મશાનની જરૂરીયાત છે અને તેથી આ માટે વિરોધપક્ષ આંદોલન પણ ચલાવી રહ્યું છે ત્યારે સરકાર કે મહાનગરપાલિકાએ જે કામ કરવું જોઇએ તે ન થતું હોય લોકોની સગવડતા માટે શહેરની બહાર નાઘેડી ગામે ચાલી રહેલ સત્યલોક પ્રસ્થાન ધામ નામના હિન્દુ સ્મશાનગૃહનું કામ પૂર્ણતાને આરે હોવાથી આગામી રવિવારે તેનું લોકાર્પણ થશે. અંહી મૃતકના અંતિમ સંસ્કારની સેવા માટે કોઇ ચાર્જ લેવાશે નહીં.

જામનગરમાં ત્રીજા સ્મશાનની જરૂરીયાત ઘણા સમયથી છે પરંતુ તંત્ર આ મામલે કંઇ પણ કરવાના મૂડમાં નથી. લોકોની મુશ્કેલી ઓછી કરવાના આશયથી આ માટે સ્વૈચ્છિક રીતે દાતા આગળ આવ્યા છે. જામનગરની ધાર્મિક અને સેવાભાવી સંસ્થા શ્રીકબીર આશ્રમ દ્વારા દર્દીની સેવા માટે જામનગરથી 11 કિ.મી. દૂર આવેલ નાઘેડી ગામ પાસે આવેલ સ્મશાનગૃહનો સંર્પૂણ પણે જીણૌધ્ધાર કરવાની જાહેરાત કરી હતી અને જોરશોરથી કામ શરૂ કરાયું હતું.

ટ્રસ્ટી વસ્તાભાઇ કેશવાલા દરરોજ સાઇટ ઉપર જઇ માર્ગદર્શન આપી કામ કરાવતા હતા. તેમને કોરોનાનું સંક્રમણ થતા આ પ્રોજેકટ ધીમો પડયો અને દશેક દિવસ મોડો પુરો થયો છે. સત્યલોક પ્રસ્થાન ધામ નામથી આ સ્મશાનગૃહનું પુન:નિર્માણ કાર્ય પૂર્ણતાને આરે છે. અહીં ત્રણ મૃતદેહના એકસાથે અગ્નિ સંસ્કાર થઇ શકે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

આ અંગે વસ્તાભાઇ કેશવાલાએ જણાવ્યું છે કે, અહીં કોઇ પણ જાતનું મુલ્ય (ચાર્જ) વસુલ કર્યા વગર સેવાની ભાવનાથી દરેક મૃતદેહની અંતિમવિધિ કરવામાં આવશે.
આ સ્મશાનગૃહ તા.25 ઓકટોબર રવિવારથી કાર્યરત થઇ જશે. જામનગર શહેર તથા નાઘેડી આસપાસના 10 થી 12 ગામના લોકો તેનો લાભ લઇ શકશે. પરિણામે ખાસ કરીને શહેરના બે સ્મશાનગૃહોનું ભારણ ઘટશે. અહીં કોઇ પણ જાતનો નાત-જાતનો ભેદભાવ રાખવામાં આવશે નહીં. આ સ્મશાનગૃહ ખંભાળિયા રોડ ઉપર શ્રી કબીર લહેર તળાવ પાસે ઉભુ કરાયું છે.

આઠ ખાટલાના બીજા યુનિટનું કામ પણ શરૂ
કબીર આશ્રમ અને સમર્પણ જનરલ હોસ્પિટલના મેનેજીંગ ટ્રસ્ટી વસ્તાભાઇ કેશવાલાએ વધુમાં જણાવેલ છે કે, આ ઉપરાંત બીજા આઠ ખાટલાનું સત્યલોક પ્રસ્થાન ધામ પણ ઉભુ કરાશે. આ યુનિટનું બાંધકામ પણ શરૂ થઇ ગયું છે અને આગામી સમયમાં તે પણ લોકસેવા માટે ખુલ્લુ મુકાશે.

વિપક્ષના આંદોલન પછી પણ મ.ન.પા. નિષ્ક્રિય
જામનગરમાં કોરોના શરૂ થયો છે ત્યારથી તેના મૃતકની અંતિમવિધિ માટે અલગ વ્યવસ્થા જરૂરી હોવાથી કોરોના સિવાયના મૃતકોના અંતિમ સંસ્કાર માટે પણ સ્મશાનગૃહે રાહજોવી પડતી હોવાથી લોકો પરેશાન થાય છે. આ મુદે વિપક્ષના કોર્પોરેટર દેવશીભાઇ આહીર 2 માસથી આંદોલન ચલાવી રહ્યા છે તેમણે આ માટે પદયાત્રા કરી લેખિત રજૂઆતો કરી, આવેદન પત્ર આપ્યા, ધરણ કર્યા અને છેલ્લે જનરલ બોર્ડમાં પણ રજૂઆત કરી હતી. આમ છતા મહાનગરપાલિકા તેની કાનૂની અને નૈતિક જવાબદારીનો સ્વિકાર કરવા ઇન્કાર કરી નિંભરતાની હદ વટાવી રહ્યું છે. સરકાર પણ આ મામલે કંઇ કરતી નથી.


Loading...
Advertisement