ખેડૂત ખાતેદારોનું વેરીફીકેશન શરૂ : હવે કુંડળી નિકળશે!

22 October 2020 02:48 PM
Rajkot Gujarat
  • ખેડૂત ખાતેદારોનું વેરીફીકેશન શરૂ : હવે કુંડળી નિકળશે!

રાજકોટ સહિત રાજયભરમાં બની બેઠેલા બોગસ ખેડૂત ખાતેદારો સામે સરકારની લાલ આંખ : ખેતીની જમીન ખરીદતા સમયે રજુ કરવાનું થતું ખેડૂત પ્રમાણપત્ર સાચુ છે કે કેમ? ખાતેદાર કયાંથી-કેવી રીતે થયા? ક્રોસ તપાસની કામગીરી શરૂ

રાજકોટ તા.22
રાજકોટ સહિત રાજયભરમાં બોગસ ખેડૂત ખાતેદારોને ઝડપી લેવા રાજય સરકારે ખેતીની જમીનના ખરીદ કરતા આસામીઓ દ્વારા રજુ કરવામાં આવતા ખેડૂત ખાતેદારના પ્રમાણપત્રની ખરાઇ શરૂ કરતા અનેક બોગસ ખેડૂત ખાતેદારોના પગ નીચે રેલો આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. રાજકોટ શહેર-જિલ્લામાં સોળ લાખ જેટલા કિસાનોના ઓનલાઇન 7/12ના ઉતારામાં પણ તે ખેડૂતો કઇ રીતે ખાતેદાર થયા તે સહિતની વિગતો પણ બીજા તબક્કામાં ચકાસવામાં આવશે તેવુ મહેસુલી સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

ગુજરાત રાજય સરકારના મહેસુલ વિભાગે રાજકોટ સહિત રાજયભરમાં બોગસ ખેડૂત ખાતેદારો સામે કાનૂની ધોકો પછાડયો છે. ખેતીની જમીનના દસ્તાવેજ સમયે આસામીઓ દ્વારા ખેડૂત ખાતેદારનું પ્રમાણપત્ર જોડવાનું ફરજીયાત છે. આ પ્રમાણપત્રમાં ખેતીની જમીન ખરીદનાર આસામી કયાં વિસ્તારનો ખેડૂત છે. તેની કેટલી જમીન છે? કેટલા સમયથી છે? સહિતની વિગતો ચકાસવાનું હવે શરૂ કરવામાં આવ્યું છે. રાજકોટ સહિત રાજયભરમાં બોગસ ખેડુત ખાતેદારો કેટલા બની ગયા છે? અને રજુ થયેલ ખેડૂત પ્રમાણપત્ર સાચુ છે કે બનાવટી? તે મામલે રાજય સરકારના મહેસુલ વિભાગે તમામ નાયબ કલેકટરોને કામે લગાડયા છે.

રાજકોટ સહિત રાજયભરની તમામ સબરજીસ્ટ્રાર કચેરીઓમાં નોંધાતા ખેતીની જમીનના દસ્તાવેજો ઓનલાઇન મંગાવવામાં આવ્યા છે. દસ્તાવેજની સાથે ખેતીની જમીન ખરીદનાર આસામીએ દસ્તાવેજ સાથે જોડેલા ખેડૂત પ્રમાણપત્રની ચકાસણી તમાામ પ્રાંત અધિકારીઓને કરવાની સૂચના આપી તેનો રિપોર્ટ મંગાવવામા: આવ્યો છે. રાજકોટ સહિત રાજયભરમાં ખેતીની જમીનના દસ્તાવેજ સમયે આસામીઓ દ્વારા રજૂ કરવામાં આવેલા ખેડૂત પ્રમાણપત્રની ચકાસણીમાં કયા જિલ્લો? કયા તાલુકા? કયા ગામે આસામી ખેતીની જમીન ધરાવે છે. આ ખેતીની જમીન કયાંથી તેના ખાતે આવી? વારસાઇથી આવી હોય તો તેની પણ જે તે ગામ, તાલુકા, જિલ્લાઓમાંથી વિગતો ચકાસવામાં આવી રહી છે.

ખેડૂત ખાતેદારોેને વારસાઇથી મળેલી જમીનમાં વારસદારો સાથે સીધી લીટીના સંબંધો છે કે કેમ? વીલના આધારે ખેડૂત ખાતેદાર બની ગયા હોય તો તે ગેરકાનૂની છે અને તેના આધારે અન્ય કોઇ જિલ્લામાં જમીન ખરીદી છે? તેમા રેવન્યુ રેકર્ડમાં તેનું નામ કઇ રીતે દાખલ કરાયું? મામલતદાર દ્વારા નોંધ પ્રમાણિત કરવામાં આવી ત્યારે આવી કોઇ ખેડૂત ખાતેદારોની ચકાસણી થઇ હતી કે કેમ? તે સહિતના અનેક મુદાઓની ઉંડી તપાસ તમામ નાયબ કલેકટરો દ્વારા શરૂ કરવામાં આવી છે. દરમ્યાન ગુજરાત રાજય સરકારના મહેસુલ ખાતામાં રાજયમાં ચાર અલગ-અલગ મહેસુલ કાયદા અમલી છે. સૌરાષ્ટ્રમાં ઘરખેડ-54ની અમલવારી છે તો ગુજરાતમાં ગણોતધારા ચાલે છે. ગણોતિયાને ખેડૂત ખાતેદારના હક્ક મળે છે. ગુજરાત વિસ્તારમાં બોગસ ગણતિયા તરીકે ગણાવી અનેક ગણોતિયા ખેડૂત ખાતેદાર બની ગયા છે.

પરંતુ તેની સાથે અન્ય કોઇ આસામીઓ બોગસ ગણોતિયા બની ખાતેદાર થયા છે કે કેમ? ઉપરાં તમામ 7/12માં પણ વારસાઇ નોંધ જયારે પ્રમાણિત થઇ ત્યારે ખેતીની જમીન ખરીદનાર આસામી ખેડૂત ખાતેદાર હતો? તે સહિતની તપાસ પણ હવે બીજા તબક્કામાં શરૂ થનાર છે. રાજકોટ સહિત રાજયભરમાં ખેડૂત ખાતેદારોના દાખલા, જમીન ખરીદી સહિતની તમામ વિગતોની ક્રોસ તપાસ શરૂ થતા ભારે ચકચાર જાગી છે.


Related News

Loading...
Advertisement