જામનગરના લાલપુર, પોરબંદર અને દુધઈમાં 6 કલાકમાં ભૂકંપના 10 આંચકા: ભયનું લખલખું

22 October 2020 02:46 PM
Jamnagar Gujarat Rajkot
  • જામનગરના લાલપુર, પોરબંદર અને દુધઈમાં 6 કલાકમાં ભૂકંપના 10 આંચકા: ભયનું લખલખું

રાત્રે 12.19થી લઈ સવારે 6:21 સુધી 2.0થી લઈ 2.9ની તીવ્રતાના આંચકા આવતાં લોકો ભયના માર્યા ઘરની બહાર દોડી આવ્યા: નુકસાની-જાનહાની નથી

રાજકોટ, તા.22
છેલ્લા ઘણા સમયથી ભૂકંપના આંચકાઓનો સામનો કરી રહેલા સૌરાષ્ટ્રને ભૂકંપ હજુ પણ ધ્રુજાવી રહ્યો છે. દરમિયાન છેલ્લા 6 કલાકમાં જામનગરના લાલપુર, પોરબંદર અને દુધઈમાં ભૂકંપના 10 આંચકા અનુભવાતાં ભયનું લખલખું વ્યાપી જવા પામ્યું છે. રાત્રે 12:19 વાગ્યાથી લઈ સવારે 6:21 વાગ્યા સુધીમાં 2.0થી લઈ 2.9ની તીવ્રતાના 10 જેટલા આંચકા આવતાં લોકો ઘર બહાર દોડી આવ્યા હતા. દરમિયાન ભૂકંપને કારણે નુકસાની કે જાનહાનીના અહેવાલો નથી.

ભૂકંપનો સૌથી પહેલો આંચકો ગતરાત્રે 12:19 વાગ્યે પોરબંદરમાં અનુભવાયો હતો જેની તીવ્રતા 2.1ની રહેવા પામી હતી. આ પછી 12:34 વાગ્યે 2.6ની તીવ્રતાનો બીજો, 1:26 વાગ્યે 2.4ની તીવ્રતાનો ત્રીજો, 2:07 વાગ્યે 2.0ની તીવ્રતાનો ચોથો આંચકો આવ્યો હતો. અચાનક ભૂકંપના આંચકા અનુભવાવાને કારણે મીઠી નિદ્રા માણી રહેલા લોકો ભયના માર્યા ઘર બહાર દોડી આવ્યા હતા. પોરબંદર ઉપરાંત રાત્રે 2:12 વાગ્યે જામનગરના લાલપુરમાં 1.9ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો.

જ્યારે રાત્રે 2:13 વાગ્યે પોરબંદરમાં ફરી 1.6ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો. પોરબંદર અને જામનગરના લાલપુર ઉપરાંત કચ્છના દુધઈમાં પણ રાત્રે 2:26 વાગ્યે 2.0ની તીવ્રતાનો આંચકો આવતાં ભયનું લખલખું પ્રસરી જવા પામ્યું હતું. ત્યારબાદ 2:54 વાગ્યે સૌથી વધુ તીવ્રતા ધરાવતો 2.9નો આંચકો પોરબંદરમાં આવ્યો હતો. જ્યારે 2:59 વાગ્યે ફરી લાલપુરમાં 2.1 અને પોરબંદરમાં વહેલી સવારે 6:21 વાગ્યે 2.4ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો.

એકંદરે પોરંબરદરમાં 6 કલાકની અંદર આઠ, લાલપુરમાં બે અને દુધઈમાં ભૂકંપનો એક આંચકો અનુભવાયો હતો. ખાસ કરીને પોરબંદરમાં થોડી થોડી કલાકે ભૂકંપના આંચકા આવી રહ્યા હોવાથી લોકો કશું સમજી શક્યા નહોતા. આ આંચકા આવવા પાછળનું કારણ ભારે વરસાદને કારણે જમીનમાં ભરાઈ ગયેલા પાણીને નિષ્ણાતો ગણાવી રહ્યા છે.


Related News

Loading...
Advertisement