પેટાચૂંટણીમાં પણ કોવિડ પ્રોટોકોલના ભંગ બદલ કાર્યવાહી કરવા ચૂંટણીપંચનો હુકમ

22 October 2020 12:05 PM
India Politics
  • પેટાચૂંટણીમાં પણ કોવિડ પ્રોટોકોલના ભંગ બદલ કાર્યવાહી કરવા ચૂંટણીપંચનો હુકમ

મધ્યપ્રદેશના પુર્વ મુખ્યપ્રધાન કમલનાથ, કેન્દ્રીય મંત્રી તોમર સામે એફઆઈઆર દર્જ કરવા હાઈકોર્ટનો આદેશ :સોશ્યલ ડીસ્ટન્સીંગના અમલ વિના યોજાતી સભાઓ અને માસ્ક પહેર્યા વગર નેતાઓ આવતા હોવાથી ચૂંટણી પંચ ખફા

નવી દિલ્હી તા.22
બિહારની ચૂંટણીઓ અને અન્ય પેટાચૂંટણીઓમાં પ્રચાર વખતે કોવિડ 19ના સલામતી નિયમોના પાલનમાં રાજકીય પક્ષો અને ઉમેદવારોની ઢીલાશની ગંભીર નોંધ લઈ 9 ઓકટોબરની માર્ગદર્શિકાનો પુનરોચ્ચાર કરી પક્ષો અને ઉમેદવારોને મેદનીમાં શિસ્ત જાળવી રાખવા તાકીદ કરી છે.
પંચે જણાવ્યું છે કે રાજયોના ચૂંટણી અધિકારીઓ અને જીલ્લા વહીવટીતંત્ર કોવિડ સેફટી પ્રોટોકોલના ભંગ સામે આયોજકો અને ઉમેદવારો સામે કાર્યવાહી કરે તો અપેક્ષિત છે.
સોશ્યલ ડિસ્ટેન્સીંગના છડેચોક ભંગ સાથે મોટી સભાઓ અને માસ્ક પહેર્યા વગર નેતાઓ, પ્રચારકો દ્વારા સભાને સંબોધનના દાખલાઓ ટાંકી ચૂંટણીપંચે ચેતવણી આપી છે કે આવી વર્તણુંક તેની માર્ગદર્શિકાનો ખુલ્લેઆમ ભંગ હોવા ઉપરાંત એમાંથી પ્રચારકો અને પ્રજાને મહામારી વચ્ચે સંક્રમણનું જોખમ ઉભું થાય છે.
પંચે જણાવ્યું છે કે ચૂંટણીઓમાં રાજકીય પક્ષો, ઉમેદવારો ચૂંટણી પ્રક્રિયામાં મહત્વના અંગ છે અને પ્રચાર માટે પંચે નકકી કરેલા ધારાધોરણોનું પાલન કરવા ફરજબદ્ધ છે. કોવિડ 19 સંબંધીત તમામ સૂચનાઓનું દરેક તબકકે પાલન ન થાય તે માટે તેણે તમામ રાજકીય પક્ષોનો સહકાર માંગ્યો હતો.
દરમિયાન, મધ્યપ્રદેશ હાઈકોર્ટે ગ્વાલીયર અને દાતિયાના જિલ્લા સમાહર્તાઓને કેન્દ્રીય પ્રધાન નરેન્દ્રસિંહ તોમર અને પુર્વ મુખ્યપ્રધાન કમલનાથ સામે કોવિડ 19ના પ્રોટોકોલ ભંગ સબબ એફઆઈઆર નોંધવા આદેશ આપ્યો છે. અદાલતે નવ જિલ્લાના કલેકટરોને વર્ચ્યુલ કેમ્પેઈન શકય ન હોય તે સિવાય સભા યોજવા ઉમેદવારો અને પક્ષોને પરવાનગી નહીં આપવા જણાવ્યું છે.
દરમિયાન ભવિષ્યની લોકસભા અને ધારાસભાની ચૂંટણીઓમાં ઉમેદવારો માટે ખર્ચમર્યાદાની સમીક્ષા કરવા ચૂંટણીપંચે ત્રણ સભ્યોની સમીતીની રચના કરી છે. 2014 અને 2020 વચ્ચે મતદારોની સંખ્યા 1.1 ગણી અને ખર્ચ ફુગાવો સૂચકાંક 1.37 ગણો વધ્યો હોઈ, પંચે ખર્ચમર્યાદાની સમીક્ષા કરવા નિર્ણય લીધો છે.


Related News

Loading...
Advertisement