સતત ચોથા દિવસે મેઘમહેર : સૌરાષ્ટ્ર-કચ્છમાં એકથી ત્રણ ઇંચ વરસાદ

21 October 2020 06:33 PM
Rajkot Saurashtra
  • સતત ચોથા દિવસે મેઘમહેર : સૌરાષ્ટ્ર-કચ્છમાં એકથી ત્રણ ઇંચ વરસાદ

બંગાળની ખાડીમાં સક્રિય થયેલી નવી સીસ્ટમની અસરથી તોફાની વરસાદ : કૃષિ પાકોને નુકશાન : નદી-નાળા ફરી વહેવા લાગ્યા : ગીર ગઢડામાં અનરાધાર વરસાદ ખેતરો પાણી-પાણી : પાલીતાણા પંથકમાં વિજળી પડતા યુવાનનું મોત

રાજકોટ તા.21
બંગાળની ખાડીમાં સક્રિય થયેલી નવી સીસ્ટમની અસર હેઠળ સૌરાષ્ટ્ર-કચ્છ સતત ચોથા દિવસે અમુક જિલ્લાઓમાં તોફાની વરસાદ તો અમુક સ્થળોએ હળવો વરસાદ વરસ્યો હતો.

હવામાન વિભાગના પૂર્વાનુમાન મુજબ સૌરાષ્ટ્ર-કચ્છમાં નવરાત્રીમાં પાંચ દિવસ હળવા ભારે વરસાદની આગાહી મુજબ છેલ્લા ચાર દિવસથી ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે. ગઇકાલે સૌરાષ્ટ્રના જૂનાગઢ-અમરેલી, ગીર-સોમનાથ અને કચ્છમાં ધોધમાર 1 થી 3 ઇંચ વરસાદ વરસતા ખેતી પાકોને નુકશાન થયું છે. ઉનાના અંજાર ગામે નાળીયેરીના ઝાડ પર વીજળી પડી હતી.

ગઇકાલે ગીર-ગઢડા પંથકમાં અઢી ઇંચ, જૂનાગઢ જિલ્લામાં અડધાથી બે ઇંચ, અમરેલી જિલ્લામાં અઢી ઇંચ, ભાવનગર જિલ્લામાં ઝાપટા, ભુજ, અંજાર, રાપર, નખત્રાણા, લખપત વિસ્તારમાં 1 થી 3 ઇંચ વરસાદ વરસ્યો હતો. ગીરગઢડા તાલુકાના ધોકડવા, જરગલી, દ્રોણ, કાંધી, પડા બેડીયા, નગડીયા, મહોબતપરા, થાણાવાકીયા, હરમડીયા, ફાટસર, ઇંટવાળા, ખીલાધડ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે એકથી અઢી ઇંચ વરસાદ વરસતા પાણી વહ્યા હતા.

અમરેલી જિલ્લામાં સતત ચોથા દિવસે વરસાદ વરસતા ખેતરોમાં મગફળી અને કપાસના પાકને નુકશાન થયું છે. સાવરકુંડલાના આંબડી ગામ અને સીમ વિસ્તારમાં અડધાથી બે ઇંચ વરસાદ વરસતા મગફળીના તૈયાર પાથરા પાણીમાં તરતા થયા હતા. જૂનાગઢ જિલ્લામાં ચોથા નોરતે કડાકા-ભડાકા સાથે વરસાદ નોંધાયો હતો. માળીયા હાટીના પંથકમાં અમરાપુર, માતર, વાણીયા, ગળોદર, પાણીધ્રા, સરકડીયા, રામવાવ, ધોધમાર વરસાદ વરસ્યો હતો.

અડધાથી પોણો ઇંચ વરસાદ વરસતા ખેતી પાકોને નુકશાન થયું છે. ભાવનગર જિલ્લાના પાલીતાણા પંથકમાં વીજળી પડતા એક યુવાનનું મોત થયું છે. જયારે એક યુવાનને ઇજા થવા પામી છે. પાલીતાણા તાલુકાના આદપુર ગામે વીજળી પડતા પ્રકાશભાઇ મકવાણા (ઉ.વ.23)નું મોત થયું હતું. સૌરાષ્ટ્ર-કચ્છ સતત ચોથા દિવસે વરસાદી માહોલ છવાયો હતો. આજે પણ અમરેલી જિલ્લાના બાબરા પંથકમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.


Related News

Loading...
Advertisement