સૌરાષ્ટ્રમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી મોકૂફ: સોમવારથી ફરી જણસની ખરીદી કરાશે

21 October 2020 06:23 PM
Rajkot Saurashtra
  • સૌરાષ્ટ્રમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી મોકૂફ: સોમવારથી ફરી જણસની ખરીદી કરાશે

ચોમાસુ વાતાવરણ હોય કિસાનોનો માલ બગડે નહી તેવા હેતુથી ખરીદી મોકૂફ રખાઇ

રાજકોટ તા.21
રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં આજથી ટેકાના ભાવની મગફળીની ખરીદી શરૂ કરવાની હતી પરંતુ રાજય સરકારે હાલમાં વરસાદી વાતાવરણ હોય કિસાનોનો જથ્થો બગડે નહી તેવા હેતુથી સોમવાર સુધી ટેકાની મગફળી ખરીદીની કામગીરી મોકુફ રાખી હોવાનું એક પરિપત્ર દ્વારા જણાવાયું છે.
રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં જિલ્લા કલેકટરોને રાજય સરકારે કરેલા એક પરિપત્રમાં જણાવ્યું હતું કે લઘુતમ ટેકાના ભાવે તા.21/10/2020થી મગફળીની ખરીદીનું આયોજન કરવામાં આવેલ હતું. આ અંગે આપની કક્ષાએથી ખેડૂતોને એપીએમસી ખાતે મગફળીનો જથ્થો લઇ આવવા બાબતે એસએમએસ કરવામાં આવેલ હતો. હાલમાં થયેલ પાછોતરા વરસાદના કારણે રાજય સરકાર દ્વારા તા.25/10/2020ને રવિવાર સુધી મગફળીની ખરીદી પ્રક્રિયા મોકુફ રાખવામાં આવેલ છે.
આથી તા.21/10/2020 થી તા.23/10/2020 સુધી ખરીદીના ક્રમ મુજબ ખેડૂતોને કરાયેલ એસ.એમ.એસ. સંદર્ભે તેઓને તા.26/10/2020થી એપીએમસી ખાતે મગફળીનો જથ્થો લઇને આવવાનો રહેશે. તે બાબતની જાણ ખેડૂતોને એસએમએસથી તેમજ ફોન કોલ્સથી આજે જ કરી તેની અત્રે જાણ કરવા જણાવવામાં આવે છે.
તદઉપરાંત ખરીદ કેન્દ્રો ખાતે એપીએમસીના સહકારથી તા.21/10/2020થી શરૂ થનાર ખરીદ પ્રક્રિયા તા.26/10/2020થી શરૂ થશે તે અંગેની વિગતો બોર્ડ ઉપર દર્શાવવામાં આવે તે સુનિશ્ર્ચિત કરવા જણાવાયું છે.
ભાવનગર
ભાવનગર માં વરસાદી આગાહીને ધ્યાને લઈ લધુતમ ટેકાના ભાવે મગફળીની ખરીદી આગામી તા.26/10/2020 થી શરૂ કરાશે. ખરીફ સીઝન-2020 અંતર્ગત લઘુતમ ટેકાના ભાવે મગફળીની ખરીદી પ્રકિયા તા.21/10/2020 થી શરૂ થનાર હતી. પંરતુ હાલ કમોસમી વરસાદની તથા વાતાવરણમાં આવેલ બદલાવ અને હવામાન વિભાગની વરસાદની આગાહીને ધ્યાને લેતા સદર ખરીદી પ્રકિયા તા.21/10/2020 થી સરકાર દ્વારા મુલવતી રાખવાનો નિર્ણય કરવામાં આવેલ છે. લધુતમ ટેકાના ભાવે મગફળી ખરીદી આગામી તા.26/10/2020 થી શરૂ કરવામાં આવશે. જેની તમામ ખેડુત મિત્રોએ ખાસ નોધ લેવા જિલ્લા પંચાયત કચેરી, ખેતીવાડી શાખા, ભાવનગર દ્વારા જણાવવામા આવ્યુ છે.
અમરેલી
અમરેલી જિલ્લા સહિત રાજયભરના ખેડૂતો મગફળીનું ટેકાના ભાવે વેચાણ કરવાની તારીખની કાગડોળે રાહ જોતા હતા અને ખરીદી શરૂ થવાની હતી. પરંતુ હવે આગામી સોમવારથી ખરીદી કરવાની જાહેરાત પુરવઠા વિભાગના જનરલ મેનેજર સંજય મોદીએ કરેલ છે. તેઓએ જિલ્લા પુરવઠા અધિકારીને પાઠવેલ પત્રમાં જણાવેલ છે કે લઘુત્તમ ટેકાના ભાવે તા.21/10થી મગફળીની ખરીદીનું આયોજન કરવામાં આવેલ હતું. હાલમાં થયેલ પાછોતરા વરસાદના કારણે રાજય સરકાર દ્વારા રવિવાર સુધી મગફળીની ખરીદી પ્રક્રિયા મોકુફ રાખવામાં આવેલ છે. આથી તા.21 થી તા.23 સુધી ખરીદીના ક્રમ મુજબ ખેડૂતોને કરાયેલ એસ.એમ.એસ. સંદર્ભે તેઓને તા.26થી એપીએમસી ખાતે મગફળીનો જથ્થો લઇને આવવાનો રહેશે.


Related News

Loading...
Advertisement