સુરતના પિતા - પુત્રનો રિયાઝ કરતો વીડિયો અમિતાભ બચ્ચને સોશ્યલ મીડિયા પર શેર કર્યો

21 October 2020 04:25 PM
Surat Entertainment
  • સુરતના પિતા - પુત્રનો રિયાઝ કરતો વીડિયો અમિતાભ બચ્ચને સોશ્યલ મીડિયા પર શેર કર્યો

અનેક લોકોના શુભેચ્છા માટે ફોન આવતા સંગીત શિક્ષકના પરિવારમાં ખુશી છવાઈ, બીગબીનો આભાર માન્યો

રાજકોટ, તા.21
સુરતના પિતા - પુત્રનો રિયાઝ કરતો વીડિયો હાલ ચર્ચાનો વિષય બન્યો છે. અમિતાભ બચ્ચને સોશ્યલ મીડિયા પર આ વીડિયો શેર કરતા લાઈક અને કોમેન્ટની વર્ષા થઈ રહી છે.સદીના મહાનાયક અમિતાભ બચ્ચનને શેર કર્યા બાદ વિડીયોની પ્રસિદ્ધિ આકાશને આંબી ગઈ છે. આ વિડીયોમાં એક બાળક સંગીત સાધના કરી રહ્યો છે, તેની સાથે બેઠેલા વ્યક્તિ જે તેના પિતા હોય તેવું લાગી રહ્યું છે, તેમના સુર સાથે બાળક પણ પોતાના અંદાજમાં સૂર લગાવી રહ્યો છે. આ વિડીયો સુરતમાં રહેતા તાનાજી જાધવ અને તેમના પરિવારનો હોવાનું સામે આવ્યું છે. તેઓ સુરતની એક ખાનગી સ્કુલમાં સંગીતના શિક્ષક છે અને સ્ટેજ શો કરે છે. તેમના સંતાનો પણ પિતાના રસ્તે ચાલી સંગીત શીખી રહ્યા છે. તેમની દીકરી શ્રેયા વાયોલીન વાદક છે. શ્રેયા અનેક કાર્યક્રમોમાં ઇનામ જીતી ચુકી છે. વીડિયોમાં જે બાળક દેખાય છે તે તાનાજીનો પુત્ર શ્રી છે. શ્રી જ્યારે ગીત ગાતો હતો ત્યારે શ્રેયાએ મોબાઈલથી શૂટિંગ કર્યું હતું અને પિતા તાનાજીએ આ વિડીયો યુટ્યુબ પર અપલોડ કર્યો હતો.
ધીરેધીરે વીડિયો સોશિયલ મીડિયામાં શેર થવા લાગ્યો, મરાઠી અને તમિલના કેટલાક સંગીતકારોએ પણ આ વીડિયો જોઈ પોતાના સોશિયલ મીડીયાના પ્લેટફોર્મ પર શેર કર્યો હતો. જાધવ પરિવાર ત્યારે અચંભિત થઇ ગયો જ્યારે તેમને ખબર પડી કે મહાનાયક અમિતાભ બચ્ચને આ વીડિયોને શેર કર્યો છે. અનેક લોકોના શુભેચ્છા માટે ફોન આવી રહ્યા હોવાથી આખો પરિવાર ખૂબ ખુશ છે. અને બીગબીનો આભાર માની રહ્યો છે.


Related News

Loading...
Advertisement