બિહારમાં ચૂંટણીના પ્રથમ તબકકે જ રોકડ-શરાબનો રેકોર્ડ જથ્થો ઝડપાયો

21 October 2020 10:53 AM
India Politics
  • બિહારમાં ચૂંટણીના પ્રથમ તબકકે જ રોકડ-શરાબનો રેકોર્ડ જથ્થો ઝડપાયો

ગુજરાતની જેમ શરાબબંધીના અમલ છતા 25 દિવસમાં રૂા.8.09 કરોડનો શરાબ જપ્ત: રૂા.13.9 કરોડની રોકડ મળી

પટણા:
બિહારમાં હાલ ચાલી રહેલી ધારાસભા ચૂંટણીના પ્રારંભે જ રાજયમાં શરાબ અને રોકડની છોળ ઉડવા લાગી હોવાના સંકેત છે અને ચૂંટણી પંચની ફલાઈંગ સ્કવોડ મારફત પ્રથમ પખવાડીયામાં જ રૂા.8.09 કરોડના શરાબ સહિત તથા રોકડ સહિત રૂા.35.3 કરોડની પ્રતિબંધાત્મક આઈટમ ઝડપી પાડી છે. રાજયમાં 25 સપ્ટેમ્બરના ચૂંટણી કાર્યક્રમ જાહેર થયા બાદ આચાર સંહિતા અમલી બની છે અને તે સામે ચૂંટણી પંચે આવકવેરાના અધિકારીઓ સહિતની ફલાઈંગ સ્કવોડ આ પ્રકારની હેરાફેરી રોકવા માટે તૈનાત કરી છે. બિહારમાં શરાબબંધી છે તેમ છતા અહી તા.19 ઓકટો. સુધીમાં 2019ની સમગ્ર લોકસભા ચૂંટણીના સમય કરતા સાડા ચાર ગણો વધી 1.2 લાખ લીટર શરાબ ઝડપાયો છે. ઉપરાંત ચૂંટણી પંચના રીપોર્ટ મુજબ રૂા.79.7 લાખની નેપાળ કરન્સી સહિત રૂા.13.9 કરોડની રોકડ ઝડપાઈ છે. આ ઉપરાંત રૂા.1.3 કરોડના માદક દ્રવ્યો પણ ઝડપી લેવાયા છે અને રૂા.10.2 કરોડના 19.6 કિલો સોનુ ને 79 કિલો ચાંદી ઉપરાંત રૂા.93 લાખની ‘મફત-ભેટ’ પણ ઝડપાઈ છે. બિહારમાં હજુ પ્રથમ તબકકાનું મતદાન પુરુ થયું નથી ત્યાં રાજયમાં સમગ્ર લોકસભા ચૂંટણીમાં ઝડપાયેલ શરાબ તથા નશીલા પદાર્થના ઝડપાયેલા કુલ જથ્થા કરતા હાલનો ઝડપાયેલો જથ્થો વધી ગયો છે.


Related News

Loading...
Advertisement