પોરબંદરના બગવદર નજીક છકડો રીક્ષા પલ્ટી મારતા ઘવાયેલા આદિત્યાણાના પ્રૌઢનું મોત

19 October 2020 10:54 AM
Porbandar
  • પોરબંદરના બગવદર નજીક છકડો રીક્ષા પલ્ટી
મારતા ઘવાયેલા આદિત્યાણાના પ્રૌઢનું મોત

પશુ પાલનનો વ્યવસાય કરતાં ખીમાભાઇ રબારી ગાયો માટે નિરણ લેવા જતા’તા ત્યારે અકસ્માત સર્જાયો: રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં દમ તોડ્યો

રાજકોટ, તા.19
પોરબંદરના બગવદર નજીક ગત ગુરૂવારે છકડો રીક્ષા પલ્ટી મારી જતા આદિત્યાણાના પ્રૌઢને ગંભીર ઇજાઓ પહોંચી હતી જેથી તેઓને તુરંત રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા, આજે વહેલી સવારે ઘવાયેલા પ્રૌઢે સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો.
અકસ્માત અંગે મળેલી વિગતો મુજબ ગત તા.15ના રોજ આદિત્યાણા ગામે રહેતા અને પશુ પાલનનો વ્યવસાય કરતા રબારી ખીમાભાઇ દાનાભાઇ મોરી (ઉ.વ. 55) ગાયોની નિરણ માટે મગનો ભુક્કો લેવા માટે સાંજે છએક વાગ્યે છકડો રીક્ષામાં બેસી જઇ રહ્યા હતા ત્યારે બગવદર નજીક એક વળાંક પર રીક્ષા ચાલકે કાબુ ગુમાવતા છકડો પલ્ટી મારી ગયો હતો જેમાં ખીમાભાઇને ગંભીર ઇજા પહોંચી હતી, પ્રથમ સ્થાનિક હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેઓને વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં આજે વહેલી સવારે પાંચેક વાગ્યા આસપાસ તેમણે દમ તોડી દેતા પરિવારમાં કલ્પાંત છવાયો હતો.
મૃતક બે ભાઇ, ચાર બહેનમાં મોટા હતા તેઓને સંતાનમાં બે દિકરા અને 3 દિકરીઓ છે, પ્રદ્યુમનનગર પોલીસને જાણ કરાતા હોસ્પિટલે પહોંચી સ્ટાફ દ્વારા મરણ નોંધ લેવાઇ હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવા તજવીજ કરાઇ હતી.


Loading...
Advertisement