1 જાન્યુઆરીથી ભારતમાં ડોમેસ્ટિક ક્રિકેટ શરૂ થશે : BCCI અધ્યક્ષ ગાંગુલી

18 October 2020 12:56 AM
Rajkot Sports Top News
  •  1 જાન્યુઆરીથી ભારતમાં ડોમેસ્ટિક ક્રિકેટ શરૂ થશે : BCCI અધ્યક્ષ ગાંગુલી

શનિવારે સાંજે બીસીસીઆઈની ટોચના કાઉન્સિલની બેઠક મળી, જેમાં મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થઈ

દિલ્હીઃ
ભારતમાં કોરોના હળવો પડી રહ્યો છે. ત્યારે ક્રિકેટ રસિયાઓ માટે સારા સમાચાર મળી રહ્યા છે. દેશમાં આગામી 1 જાન્યુઆરીથી ક્રિકેટ મેચોનો પ્રારંભ થઇ શકે છે. આજે શનિવારે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડના (BCCI) ના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ કહ્યું હતું કે, ડોમેસ્ટિક ક્રિકેટ સીઝન 1 જાન્યુઆરીથી શરૂ થશે. શનિવારે સાંજે બીસીસીઆઈની ટોચના કાઉન્સિલની બેઠક મળી હતી. જેમાં ડોમેસ્ટિક કેલેન્ડર પર લાંબા સમય સુધી ચર્ચા થઈ હતી.

ગાંગુલીએ કહ્યું કે, અમે લાંબા સમય સુધી ડોમેસ્ટિક ક્રિકેટ અંગે ચર્ચા કરી હતી અને અમે સંભવત: 1 જાન્યુઆરીથી ટૂર્નામેન્ટ શરૂ કરવાનું નક્કી કર્યું છે. દરમિયાન, સત્ર ટૂંકું કરવામાં આવશે કે કેમ તેવું પૂછવામાં આવતા ગાંગુલીએ કહ્યું હતું કે, બોર્ડ વ્યવહારિક હેતુથી તમામ ડોમેસ્ટિક ટૂર્નામેન્ટોનું આયોજન કરી શકશે નહીં.

બીસીસીઆઈ અધ્યક્ષે સંકેત આપ્યો કે બીસીસીઆઈ રણજી ટ્રોફી માટે જાન્યુઆરીથી માર્ચની વિંડો પર નજર રાખે છે. તેમણે કહ્યું, 'આપણી પાસે રણજી ટ્રોફીની સંપૂર્ણ સિઝન હશે. પરંતુ બધી ટૂર્નામેન્ટ્સનું આયોજન કરવું શક્ય નહીં હોય.

ઉલ્લેખનીય છે કે છેલ્લે ગત તા. 13 માર્ચના રોજ રાજકોટ ખાતે રણજી ટ્રોફીની ફાઈનલ મેચ રમાઈ હતી. જેમાં સૌરાષ્ટ્રનો શાનદાર વિજય થયો હતો. કોરોના કાળ પહેલાની આ દેશની અંતિમ ક્રિકેટ મેચ હતી. ત્યારબાદ લોકડાઉનથી હજુ સુધી દેશ ભરમાં એક પણ ક્રિકેટ મેચ યોજાયો નથી. આઈપીએલ ટુર્નામેન્ટ પણ કોરોના મહામારીના પગલે 19 સપ્ટેમ્બરથી યુએઈ ખાતે રમાઈ રહી છે.

માર્ચ અને એપ્રિલની વચ્ચે અન્ય ટૂર્નામેન્ટ્સ યોજાશે

બીસીસીઆઈ અધ્યક્ષે પણ ખાતરી આપી હતી કે જુનિયર ક્રિકેટ અને મહિલા ટૂર્નામેન્ટ માર્ચથી એપ્રિલની વચ્ચે યોજાશે. તેમણે કહ્યું, 'અમારી પાસે વય જૂથ અને મહિલા ક્રિકેટ માટેની વિગતવાર યોજનાઓ છે. અમે રણજી ટ્રોફીથી શરૂઆત કરીશું અને ત્યારબાદ માર્ચ અને એપ્રિલની વચ્ચે અમારી અન્ય ટૂર્નામેન્ટ્સ યોજાશે. તેમણે એ પણ માહિતી આપી કે ભારતીય ટીમને અગલા તબક્કા દરમિયાન ઓસ્ટ્રેલિયામાં તાલીમ લેવાની મંજૂરી આપવામાં આવશે. બીસીસીઆઈ પ્રમુખે કહ્યું, 'ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ અમને પ્રોગ્રામ મોકલ્યો છે અને અમે તે કાર્યક્રમની વિધિ અંગે ચર્ચા કરી હતી. અમે ચાર ટેસ્ટ રમીશું અને તે જાન્યુઆરીના ત્રીજા અઠવાડિયામાં સમાપ્ત થશે.

ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ત્રણ વનડે, ત્રણ ટી -20 આંતરરાષ્ટ્રીય અને ચાર ટેસ્ટ મેચ રમવાની સંભાવના છે. ઇંગ્લેન્ડ સામેની ડોમેસ્ટિક શ્રેણી અંગે ગાંગુલીએ કહ્યું કે, બીસીસીઆઇ પરિસ્થિતિનું મૂલ્યાંકન કરી રહ્યું છે અને અંતિમ સમયપત્રક યોગ્ય સમયે તૈયાર કરવામાં આવશે.
તેણે કહ્યું, 'ઇંગ્લેંડ શ્રેણીને હજુ સાડા ત્રણથી ચાર મહિના બાકી છે. અમારી પાસે હજુ સમય છે. અમે કોવિડ -19 પરિસ્થિતિનું મૂલ્યાંકન કરી રહ્યા છીએ અને તે મુજબ નિર્ણય લઈશું. ભારતમાં સિરીઝનું આયોજન કરવા માટે અમદાવાદ, કોલકાતા અને ધર્મશાળા જેવા કેટલાક સ્થળો અગ્રતાની સૂચિમાં હશે અને યુએઈ બીજો વિકલ્પ છે.


Related News

Loading...
Advertisement