વ્યાજખોરોની હવે ખેર નથી : DGP આશિષ ભાટીયાએ મનીલેન્ડર્સ એક્ટ હેઠળ કડક કાર્યવાહી કરવા આપ્યો આદેશ

17 October 2020 08:24 PM
Rajkot Crime Gujarat
  • વ્યાજખોરોની હવે ખેર નથી : DGP આશિષ ભાટીયાએ મનીલેન્ડર્સ એક્ટ હેઠળ કડક કાર્યવાહી કરવા આપ્યો આદેશ

રાજ્ય પોલીસ વડાએ પરિપત્ર પાઠવી તમામ રેન્જ આઈજી, પોલીસ કમિશનરો અને અધિક્ષકોને પઠાણી ઉધરાણી કરનારાઓ સામે તાત્કાલીક ફરિયાદ દાખલ કરવા અને પાસા સહિતની જોગવાઇનો ઉપયોગ કરવા સૂચના આપી

રાજકોટઃ
રાજ્યમાં વ્યાજંકવાદનું દુષણ ડામવા પોલીસ પ્રયત્નશીલ છે. ત્યારે આજે ડીજીપી આશિષ ભાટીયાએ તમામ રેન્જ આજી, તમામ પોલીસ કમિશ્નર અને તમામ જિલ્લાના એસપીને બેફામ બનેલા વ્યાજખોરો પર તૂટી પડવા આદેશ કર્યો છે. ડીજીપીએ એક પરિપત્ર પાઠવ્યો છે જેમાં મનીલેન્ડર્સ એક્ટ હેઠળ કડક કાર્યવાહી કરવા હુકમ કર્યો છે.

વ્યાજખોરીનું દૂષણ દૂર કરવા અને વ્યાજની વસૂલીના નામે લોકોને પાયમાલ કરવામાં ન આવે તે માટે હાલમાં જ રાજ્ય સરકારે કાયદામાં સુધારા કરીને ગુંડા એક્ટ અને પાસા એક્ટમાં વ્યાજખોરીના ગુનાને પણ આવરી લેતા હવે વ્યાજખોરીની ગેરકાયદેસરની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા લોકોને પણ પાસા હેઠળ જેલ હવાલે કરી શકાય છે. જે અંતર્ગત વ્યાજંકવાદીઓ દ્વારા વ્યાજના પૈસા માટે લોકોને કરાતી હેરાનગતિ સામે કડક કાર્યવાહી કરવા રાજ્ય પોલીસ વડા દ્વારા આદેશ બહાર પાડવામાં આવ્યો છે. જરૂરીયાતમંદ લોકોને ગેરકાયદેસર રીતે ઉંચા વ્યાજે નાણાંનુ ધીરાણ કરીને, બાદમાં ધીરવામાં આવેલ નાણાનું ગેરકાયદેસર રીતે અનેક ગણું વ્યાજ વસૂલી, ધાક –ધમકી આપી પઠાણી ઉઘરાણી કરી બળજબરી રૂપિયા લેવાયાની અનેક ઘટનાઓ સામે આવતી રહી છે. વ્યાજખોરોના ત્રાસથી પીડિત દેણદારોએ આત્મહત્યા કરી લીધાના બનાવો પણ બનતા રહે છે. આ બદીને ડામવા માટે એક ખાસ આદેશ કરીને રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયા દ્વારા તમામ જીલ્લા અને શહેરની પોલીસને આવા બનાવોમાં તાત્કાલીક ફરિયાદ દાખલ કરી કાયદેસરના પગલાં લેવા હુકમ કરાયો છે. તેમજ સત્વરે આરોપીઓની પુરાવાના આધારે ધરપકડ કરવા સૂચન કરાયું છે જેથી આરોપીના આગોતરા જમીન મેળવવાની શકયતાને નકારી શકાય.

પરિપત્રમાં જણાવ્યા મુજબ, ઘણી વખત વ્યાજખોરો દ્વારા વ્યાજના નાણાની અવેજમાં દેણદારોની મિલકત પણ પડાવી લેવામાં આવતી હોય છે. આવા કિસ્સામાં મનીલોન્ડર્સ એક્ટ હેઠળ રજીસ્ટ્રાર દ્વારા આવી મિલકત વ્યાજખોરો પાસેથી કબ્જે કરીને મૂળ માલીકને પરત અપાવવાની જોગવાઇ છે. જે સંદર્ભે પણ રજીસ્ટ્રાર મારફતે કાર્યવાહી કરાવવા તમામ પોલીસ અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત આવા આરોપીઓ સામે પાસા અને ધી પ્રિવેન્શન મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) હેઠળ કાર્યવાહી કરી ઇડી અને સીઆઇડી ક્રાઇમ મારફત દરખાસ્ત કરવા પણ જણાવાયું છે. જેથી આવા આરોપીઓ દ્વારા ગુનાહિત પ્રવૃત્તિથી વસાવેલી સંપત્તિને પણ ટાંચમાં લઇ શકાય. તેમજ વ્યાજખોરોનું લીસ્ટ બનાવીને તેમની ગતિવિધી ઉપર વોચ રાખવા માટે પણ કડક સૂચના અપાઈ છે.


Related News

Loading...
Advertisement