ટેલિગ્રામ બન્યું સટ્ટાનું ‘ધામ’: મેચ પર દરરોજ કરોડોની હાર-જીત

17 October 2020 07:23 PM
Rajkot
  • ટેલિગ્રામ બન્યું સટ્ટાનું ‘ધામ’: મેચ પર દરરોજ કરોડોની હાર-જીત
  • ટેલિગ્રામ બન્યું સટ્ટાનું ‘ધામ’: મેચ પર દરરોજ કરોડોની હાર-જીત
  • ટેલિગ્રામ બન્યું સટ્ટાનું ‘ધામ’: મેચ પર દરરોજ કરોડોની હાર-જીત

મેસેજિંગ એપ ઉપર મેસેજ તો આવે છે પણ કેટલી ઓવરમાં કેટલા રન થશે, કોણ જીતશે તેના જ ! : કઈ ટીમ વિજેતા બનશે તેનો મેસેજ કલાકો પહેલાં જ આવી જાય છે !: 6, 10, 15 અને 20 ઓવરમાં પંટરે કઈ રીતે રમવું તેની પણ આપી દેવાય છે ટીપ્સ : 100થી વધુ ગ્રુપ માત્ર સટ્ટા માટે જ ચાલે છે, એક ગ્રુપમાં 10,000થી વધુ લોકોનું જોડાણ : રાજકોટના પંટરો પણ ટીપના સહારે ખેલી લેવામાં નથી કરતાં બિલકુલ પાછીપાની : મોટાભાગની ટીપ સાચી પણ પડે છે ! શું સમજવું ?

રાજકોટ, તા.17
જ્યારથી સોશ્યલ મીડિયાએ લોકમાનસમાં એક અલગ જ જગ્યા ઉભી કરી લીધી છે ત્યારથી તેના અનેક ફાયદા પણ થઈ રહ્યા છે તો સાથે સાથે ગેરફાયદા પણ અનેક જોવા મળી રહ્યા છે. ખાસ કરીને મેસેજિંગ એપ ટેલિગ્રામ અત્યારે ક્રિકેટ સટ્ટાનું ‘ધામ’ બની ગયું હોય તેવો ઘાટ ઘડાઈ રહ્યો છે.

આ એપ્લીકેશનની ઓળખ મેસેજિંગ એપ તરીકેની છે પરંતુ અત્યારે તેના ઉપર સટ્ટા સિવાય બીજી કશી પ્રવૃત્તિ જ થઈ રહી નથી, અહીં મેસેજ તો આવે છે પરંતુ કઈ ટીમ જીતવાની છે, કેટલી ઓવરમાં કેટલા રન બનવાના છે તેના સિવાયના બીજા કોઈ મેસેજ આવી રહ્યા જ નથી ! અહીં આઈપીએલની દરરોજની મેચ ઉપર કરોડો રૂપિયાની હાર-જીત થઈ રહી છે છતાં કોઈને તેની જાણ થઈ રહી નથી. આ એપ્લીકેશન ઉપર દરરોજ મેચ શરૂ થયાની કલાકો પહેલાં જ કઈ ટીમ વિજેતા બનવાની છે તેનો મેસેજ આવી જાય છે અને તે મેસેજના આધારે જ મેચ પર સટ્ટો રમતાં પંટરો દાવ લગાવી વિજેતા બની રહ્યા છે.

આશ્ર્ચર્યની વાત એ છે કે અત્યાર સુધીની રમાયેલી મેચ પૈકીના મોટાભાગની ટીપ સાચી પણ પડી રહી છે ! અહીં ‘કહેવાતા’ ટીપર્સ દ્વારા હાર-જીત, 6,10,15,20 ઓવરના ‘સેશન’ દરમિયાન પંટરે કેવી રીતે રમવું તે સહિતની ટીપ આપી દેવામાં આવે છે. મેચની પ્રથમ ઓવર ફેંકાઈ જાય એટલે આ ટીપર્સ ‘એક્ટિવ’ થઈ જાય છે અને 6 ઓવરના સેશન માટે બુકી દ્વારા આપવામાં આવતાં રન લક્ષ્યાંકમાં ‘હા’ પાડવી કે ‘ના’ પાડવી તેની ટીપ આપી દેવામાં આવે છે.

આઈપીએલની એક મેચના પ્રથમ દાવમાં 6,10,15 અને 20 ઓવરના એમ ચાર તેમજ બીજી ઈનિંગમાં પ્રથમ 6 ઓવરનું એક સેશન મળી કુલ પાંચ સેશન આપવામાં આવે છે. આ ઉપરાંત આખોય મેચ દરમિયાન બુકીઓ ‘ભાવ’ એટલે કે હાર-જીત ઉપર સટ્ટો લેવાનું યથાવત રાખે છે. એકંદરે રાજકોટ એકલામાંથી જ આ ટીપ દ્વારા પંટરો કરોડો રૂપિયાનો સટ્ટો ખેલી નાખે છે. ટેલિગ્રામ ઉપર અત્યારે આ પ્રકારના 100થી વધુ ગ્રુપ ધમધમી રહ્યા છે અને પ્રત્યેક ગ્રુપમાં અંદાજે 10,000થી વધુ પંટરો જોડાયેલા હોવાનું જાણવા મળી રહ્યું છે અને આ પંટરો ટીપર્સે આપેલી ટીપના આધારે સટ્ટો ખેલી લેવામાં બિલકુલ પાછીપાની કરી રહ્યા નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે આઈપીએલ-13માં સોમવારથી શુક્રવાર સુધી દરરોજ એક અને શનિ-રવિ બબ્બે મુકાબલા રમાઈ રહ્યા છે. યુએઈમાં રમાઈ રહેલી આ ટૂર્નામેન્ટમાં રમાતી મેચમાં કોણ વિજેતા બનશે તેની કલાકો પહેલાં કોઈ આગાહી કરી શકે ? બન્ને ટીમના ખેલાડીઓને પણ નથી ખબર હોતી કે મેચમાં શું થવાનું છે સટોડિયાને ખબર પડી જાય છે કે કઈ ટીમ જીતવાની છે ! આ પાછળ કોઈ સિન્ડીકેટ કામ કરી રહી છે કે પછી ટીપર્સ દ્વારા હવામાં ગોળીબાર કરીને પંટરોને ભરમાવવામાં આવી રહ્યા છે તે તપાસનો વિષય છે.

પોલીસ કશું જ ન કરી શકે ?
સામાન્ય રીતે દરેક શહેરમાં અત્યારે સાયબર સેલ કાર્યરત છે અને તેનું કામ આ પ્રકારની ગેરરીતિ આચરતી એપ્લીકેશન ઉપર નજર રાખવાનું હોય છે ત્યારે ટેલિગ્રામ ઉપર છેલ્લા ઘણા સમયથી શરૂ થયેલા ટીપ્સના ગોરખધંધા પોલીસના ધ્યાને શા માટે આવી રહ્યા નથી તે પણ વિચારવા જેવી વાત છે. સવાલ તો એ પણ ઉભો થાય છે કે આટઆટલા ગ્રુપ ધમધમી રહ્યા છે છતાં પોલીસ કશું જ કરી શકે તેમ નથી ?

ટીપર્સ બહારનો, પંટરો રાજકોટના, કોઈ જાતની રોકટોક નહીં !
ટેલિગ્રામ ઉપર જેટલા પણ ગ્રુપ ચાલી રહ્યા છે તે પૈકીના મોટાભાગના ગ્રુપના એડમીન અન્ય રાજ્યોના છે પરંતુ રાજકોટના પંટરો આ તમામ ગ્રુપમાં આંગળીના એક ટેરવે જોડાઈ શકે છે. આશ્ર્ચર્યની વાત એ છે કે દરેક ટીપર્સ તેના મોબાઈલ નંબર પણ બિન્દાસ્ત રીતે આપી રહ્યા છે આમ છતાં તેના સુધી કોઈ પહોંચી શકતું નથી જે અત્યંત હાસ્યાસ્પદ વાત છે.

શનિ-રવિના મેચની ટીપ મફતમાં, અન્ય મેચમાં વસૂલાય છે પૈસા
ટીપર્સ દ્વારા ટીપ્સ આપવા માટે પણ એક સિસ્ટમ ગોઠવવામાં આવી છે જે અનુસાર દર શનિ-રવિ રમાનારી મેચની ટીપ તે દરેક પંટરને મફતમાં આપે છે જ્યારે સોમથી શુક્રવાર સુધીના મેચમાં તે 1000થી 1 લાખ સુધીની ટીપ વસૂલી રહ્યા છે. બીજી બાજુ પંટરો પણ હસતાં મોઢે આ ફી ચૂકવી રહ્યા છે કેમ કે તેમને મામૂલી ફી ચૂકવીને તગડી રકમની ટીપ મળી રહી છે !

ટેલિગ્રામ મેસેજિંગ એપ તરીકે ઓછી, ફિલ્મ-વેબસિરીઝ ડાઉનલોડ માટે વધુ ઉપયોગ થાય છે
અત્યારે આઈપીએલ ચાલી રહ્યો છે એટલા માટે ટેલિગ્રામ ઉપર ક્રિકેટસટ્ટાને લગતાં મેસેજ જ આવી રહ્યા છે. જો કે આઈપીએલ પહેલાં આ એપ્લીકેશનનો ઉપયોગ ફિલ્મો અને વેબસિરીઝ ડાઉનલોડ કરવા માટે જ થઈ રહ્યો હતો. અત્યારે પણ અહીં ફિલ્મો અને વેબસિરીઝ આવી રહી છે પરંતુ લોકોને તેના કરતાં ક્રિકેટ સટ્ટા માટેના મેસેજમાં વધુ રસ હોય તેવું લાગી રહ્યું છે.

‘ફિક્સ રિપોર્ટ’ કેટલો સાચો ?
ટેલિગ્રામ ઉપર મેચ પહેલાં ટીપર્સ દ્વારા એક ‘ફિક્સ રિપોર્ટ’ નામનો એક પત્ર અપલોડ કરવામાં આવે છે જેમાં કઈ ટીમ જીતવાની છે, 20 ઓવરમાં કેટલા રન બનવાના છે તે સહિતની વિગતો સુઘડ અક્ષરોમાં લખેલી હોય છે. આ રિપોર્ટ મેચની એકાદ-બે કલાક પહેલાં જ પંટરોને મળી જાય છે અને તેના આધારે પંટર મેચની શરૂઆતથી જ દાવ લગાવવાનું શરૂ કરી દે છે. અત્યાર સુધી જોવામાં આવ્યા મુજબ રિપોર્ટના આધારે અપાયેલી મોટાભાગની ટીપ સાચી પડી છે ત્યારે આ રિપોર્ટની વાસ્તવિકતા કેટલી તે પણ સો મણનો સવાલ છે ?


Related News

Loading...
Advertisement