નવરાત્રીનાં તહેવારો શરૂ થતા ઓટો માર્કેટમાં રોનક દેખાવા લાગી: ટુ વ્હીલર વાહનોની ખરીદીના બુકીંગ વધ્યા

17 October 2020 07:15 PM
Rajkot
  • નવરાત્રીનાં તહેવારો શરૂ થતા ઓટો માર્કેટમાં રોનક દેખાવા લાગી: ટુ વ્હીલર વાહનોની ખરીદીના બુકીંગ વધ્યા
  • નવરાત્રીનાં તહેવારો શરૂ થતા ઓટો માર્કેટમાં રોનક દેખાવા લાગી: ટુ વ્હીલર વાહનોની ખરીદીના બુકીંગ વધ્યા

વહેલી સવારથી વિવિધ કંપનીઓના શો રૂમો ગ્રાહકોની ભીડથી ધમધમી ઉઠયા; નવી ગાડીઓ કુમકુમ તિલક, ફુલહારના શણગારથી ઓન રોડ દોડતી થઈ: પ્રથમ નોરતે બાઈકની ખરીદી નીકળતા ડીલરોના ચહેરા મલકાયા

રાજકોટ તા.17
વૈશ્ર્વિક કોરોના વાઈરસની મામારીનાં માહોલમાં લોકડાઉન બાદ અનલોકમાં વાહન વ્યવહાર ધંધા રોજગાર શરૂ કરતા ધીમે-ધીમે વેપાર રોજગારની પરિસ્થિતિ થાળે પડી રહી છે. અધિક માસમાં વેપાર-ધંધામાં થોડી મંદી રહ્યા બાદ આજે આસો માસનાં પ્રથમ નોરતામાં લોકો અનેકવિધ ચીજવસ્તુઓ સાથે નવા વાહનની શુકનવંતી ખરીદી કરતા ઓટો મોબાઈલ્સ માર્કેટમાં આજે ઘણા મહીનાઓ બાદ રોનક જોવા મળી છે.

નવરાત્રીના પ્રથમ નોરતામાં આજે લોકોએ નવા દ્વિચક્રી વાહનોની ખરીદી કરી હતી. રાજકોટ શહેરના ટુ વ્હીલર શો રૂમોમાં આજે વહેલી સવારથી શુભ મુર્હુતમાં અગાઉ બુકીંગ કરાવેલા લોકો નવા વાહનો લેવા આવી પહોંચ્યા હતા. નવી ખરીદેલ ગાડીને કુમકુમ તીલકનો ચાંદલો, ફુલહાર કરી બાઈક ઓન રોડ દોડતી કરી હતી. લોકડાઉન બાદ રાજકોટ સહીત સૌરાષ્ટ્રભરમાં આર્થિક મંદી પ્રવર્તી રહી છે તો બીજી તરફ આજે દરેક વ્યક્તિઓને રોજી-રોટી રોજગાર મેળવવા સાથે ટુ વ્હીલરની પણ જરૂરિયાત રહેતી હોવાથી નવા-જુના ટુ વ્હીલરની ખરીદી આજે નવરાત્રીનાં પ્રથમ નોરતે જોવા મળી હતી. ઓટો માર્કેટમાં આજે નવી ટુવ્હીલરની સારી એવી ખરીદી રહી હતી.

ટુ વ્હીલર એન્જીન બીએસ-4 સરકારે બંધ કરતા નવા બીએસ-6 એન્જીનવાળા ટુ વ્હીલર માર્કેટમાં આવતા થોડો ભાવવધારો જરૂર થયો છે તેમ છતાં આજે ઓટો માર્કેટમાં નવરાત્રીના પ્રથમ નોરતે વિવિધ કંપનીઓના શો રૂમોમાં લોકો નવી ગાડીઓની શુન્ય મુર્હુતમાં ખરીદી કરી હતી. ગત વર્ષની સરખામણીએ આ વર્ષની નવરાત્રીમાં નવી ગાડીઓની ખરીદીમાં થોડો ફેરફાર જોવા મળ્યો છે. અગાઉ બુકીંગ કરાવેલા ગ્રાહકો આજે વહેલી સવારે શો રૂમો પર પહોંચ્યા હતા. ઘણા મહીનાઓ બાદ આજે ઓટો માર્કેટના શો રૂમોમાં ગ્રાહકોની ભીડ જમા થયેલી જોવા મળી હતી. દર વર્ષની જેમ આ વર્ષે પહેલા નોરતે ગાડીઓનાં સારા એવા બુકીંગ થતા ડીલરોનાં ચહેરા મલકાયા હતા.


Related News

Loading...
Advertisement