વોર્ડ નં.1માં વિકાસ કામોના પ્રચાર મામલે ભાજપ નગરસેવકોમાં ડખ્ખા!

17 October 2020 07:13 PM
Rajkot
  • વોર્ડ નં.1માં વિકાસ કામોના પ્રચાર મામલે ભાજપ નગરસેવકોમાં ડખ્ખા!

અખબારી યાદીનાં નામોમાં કાપાકાપી : મેયર વચ્ચે પડયા

રાજકોટ, તા. 17
મહાપાલિકાની વર્તમાન બોડીની પાંચ વર્ષની મુદ્દત પુરી થવા આવી છે ત્યારે કેટલાક વોર્ડમાં ભાજપના કોર્પોરેટરો વચ્ચે ચાલતુ શીતયુદ્ધ ઠંડુ પડવાનું નામ લેતુ નથી અને આમ કરતા કરતા પાંચ વર્ષ પુરા થવા આવ્યા છે. વેસ્ટ ઝોનના વોર્ડ નં.1માં વિકાસ કામો હોય કે વિવાદ, ભાજપના ચારેય કોર્પોરેટર વચ્ચે એક સાથે સંકલન ન રહેતું હોવાનું ઘણીવાર દેખાય છે. કોર્પોરેટરો પોત પોતાના નામ સાથે પ્રેસનોટ મોકલતા રહે છે. ચારેય કોર્પોરેટરના નામવાળી શિસ્ત આ વોર્ડમાં બહુ ઓછી વખત દેખાઇ છે. દરમ્યાન ગઇકાલે સ્ટે.કમીટીમાં મંજૂર થયેલા કામોની અખબારી યાદીમાં છેક સુધી નામોમાં કાપાકાપી બાદ અંતે મેયરે મામલો શાંત પાડયાનું જાણવા મળ્યું હતું.
વોર્ડના કોર્પોરેટર બાબુભાઇ આહિરના નામ સિવાયની અખબારી યાદી આજે મનપાએ મોકલી છે. સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન આશીષ વાગડીયા, મા.શિક્ષણ સમિતિના ચેરમેન અંજનાબેન મોરજરીયા, કોર્પોરેટર દુર્ગાબા જાડેજા દ્વારા રૂા.1.94 કરોડના પેવીંગ બ્લોકના કામ વોર્ડમાં મંજૂર કરાયાનું જણાવાયું છે. તેમાં એક વખત બાબુભાઇનું નામ મુકાય તો અન્ય એક બે નામ નીકળી જાય, જો અન્ય નામ આવે તો બાબુભાઇ પોતાનું નામ કાઢી નાંખે તેવી રકઝક થઇ હતી અને મામલો મેયર સુધી પહોંચ્યો હતો. અંતે આજે ચારને બદલે ત્રણ કોર્પોરેટરના નામ સાથે અખબારી યાદી રીલીઝ થતા ચર્ચા જાગી હતી.


Related News

Loading...
Advertisement