આમાં બીએસએનએલ ડૂબે જ ને? 9 ટકા ઉંચા ભાવે કરોડોનું ટેન્ડર આપ્યુ: અધિકારી યુનિયન મેદાને

17 October 2020 07:08 PM
Rajkot
  • આમાં બીએસએનએલ ડૂબે જ ને? 9 ટકા ઉંચા ભાવે કરોડોનું ટેન્ડર આપ્યુ: અધિકારી યુનિયન મેદાને

કર્મચારીઓના પગાર માટે નાણા નથી, મળતીયાઓને ખટાવવાનો ખેલ જારી : ઓપ્ટીકલ ફાયબર પર કનેકશન આપવામાં વપરાતી સ્વીચના ટેન્ડરમાં ગેરરીતિની બદબુ: કોન્ટ્રાકટ રદ કરવા ઉઠેલી માંગ

રાજકોટ તા.17
ખોટના ખાડામાં ગરકાવ બનેલી સરકારી ટેલીકોમ કંપની બી.એસ.એન.એલ.ની આર્થિક હાલત છેલ્લા લાંબા સમયથી ડામાડોળ થવા પામી છે. જેના પગલે કર્મચારીઓને પગારના ચૂકવણામાં ડીંડવાણા થઈ રહ્યા છે તેમજ મેઈન્ટેનન્સ પણ આ સરકારી કંપની યોગ્ય રીતે કરી શકતી નથી. જેમાં હવે ઓપ્ટીકલ ફાયબર પર કનેકશન આપવામાં વપરાતી સ્વીચના અપાયેલા ટેન્ડરમાં ગેરરીતિની બદબૂ આવતા તેની બી.એસ.એન.એલ.ના એકઝીકયુટીવ એસો એ મેદાને પડી આ કોન્ટ્રાકટ રદ કરવા માટે માંગણી ઉઠાવી છે.

ઓપ્ટીકલ ફાયબર પર કનેકશન આપવા માટે વપરાતી સ્વીચ કે જે રૂા.1 લાખથી 1.50 લાખ સુધીની કિંમતમાં ત્રણ-ત્રણ વર્ષની વોરંટી સાથે બજારમાં મળે છે. પરંતુ બી.એસ.એન.એલ. એ 1 લાખથી 1.50 લાખ સુધીમાં આ સ્વિચ ત્રણ-ત્રણ વર્ષની વોરંટી સાથે ખરીદવાના બદલે નવ ટકા ઉંચા ભાવે 1.75 લાખમાં એક વર્ષની વોરંટી સાથેનું ટેન્ડર મંજુર કરી દેતા તેની સામે સંચાર નિગમ એકઝીકયુટીવ એસોએ વિરોધ નોંધાવી આ મામલે દિલ્હી સ્થિત બી.એસ.એન.એલ. મેનેજમેન્ટને રજૂઆત કરી છે.

સંચાર નિગમ એકઝીકયુટીવ એસો.ના હોદેદારોએ જણાવેલ છે કે બજાર કિંમત કરતા નવ ટકા ઉંચા ભાવે આ ટેન્ડર મંજુર કરવામાં મતલબ શું? બી.એસ.એન.એલ.ની સ્થિતિ સારી ન હતી. આ ટેન્ડરમાં ઉંચા ભાવ અપાતા આ વિષય બી.એસ.એન.એલ.ના અધિકારીઓ-કર્મચારીઓમાં ચર્ચાનો વિષય બનેલ છે. ઓપ્ટીકલ ફાયબર પર કનેકશન આપવા માટે વપરાતી આ એક સ્વીચમાં 10 કનેકશન આપી શકાય. જેથી આ ટેન્ડરમાં મોટો વહીવટ થયાની ફરિયાદો ઉઠી છે. આ મામલે સંચાર નિગમ એકઝીકયુટીવ એસો. ચીફ વીજીલન્સ કમિશ્ર્નરને પણ રજુઆત કરી તપાસની માંગણી કરનાર છે.


Related News

Loading...
Advertisement