રાજકોટમાં સર્વિસ ટેકસની ધડાધડ સેંકડો નોટીસો: સર્વિસ પ્રોવાઈડરોમાં દેકારો

17 October 2020 07:05 PM
Rajkot
  • રાજકોટમાં સર્વિસ ટેકસની ધડાધડ સેંકડો નોટીસો: સર્વિસ પ્રોવાઈડરોમાં દેકારો

ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ’ કયાં ગયું? છ વર્ષ પુર્વેના કેસો ઉખળ્યા : ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, કંપની સેક્રેટરી, કમીશન એજન્ટો, આર્કિટેકટ, કોન્ટ્રાકટરો, સોફટવેર પ્રોવાઈડર વગેરે ઝપટે: રીટર્ન-ટેકસ ભરેલા હોવા છતાં નોટીસોથી ઉહાપોહ: તહેવારો ટાણે જ આવી કાર્યવાહી સામે તર્ક વિતર્કો

રાજકોટ તા.17
છેલ્લા કેટલાક મહિનાઓથી કોરોનાનો કપરો કાળ ચાલી રહ્યો છે અને આ કોરોનાના કપરા કાળ સામે વેપાર જગત સહિત દરેક લોકો વ્યાપક મંદીનો સામનો કરી રહ્યા છે અને બજારમાં ટકી રહેવા માટે ઝઝૂમી રહ્યા છે. બરોબર ત્યારે જ હવે જયારે નવરાત્રી અને દિવાળીના તહેવારો આવી ગયા છે અને વેપાર-ધંધામાં સારા દિવસો આવે તેવી આશા વેપાર જગત રાખી રહ્યું છે. જો કે હજુ બજારમાં અગાઉ જેવી મંદી દેખાઈ રહી છે બરોબર ત્યારે જ રાજકોટમાં તંત્રએ સર્વિસ ટેકસની ધડાધડ નોટીસો કાઢતા સર્વિસ પ્રોવાઈડરોમાં ભારે દેકારો મચી ગયો હોવાનું બહાર આવે છે.

આ અંગેની પ્રાપ્ત થતી વધુ વિગતો મુજબ તંત્ર દ્વારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કંપની સેક્રેટરી, કમિશન એજન્ટો, આર્કીટેકટ, કોન્ટ્રાકટરો, સોફટવેર પ્રોવાઈડરો વગેરેને ઝપટે લીધા છે અને ઢગલાબંધ નોટીસો પાઠવી છે. આ ઢગલાબંધ નોટીસોના પગલે સર્વિસ પ્રોવાઈડરોમાં ભારે કચવાટ સાથે ઉહાપો પણ ફેલાઈ ગયો છે. આ અંગેની મળતી વધુ વિગતો મુજબ રાજકોટ શહેરમાં સીએ, કંપની સેક્રેટરી, કમિશન એજન્ટો, આર્કીટેકટ, કોન્ટ્રાકટરો અને સોફટવેર સર્વિસ પ્રોવાઈડરો પણ કોરોના ઈફેકટ અંતર્ગત મંદીનો સામનો કરી રહ્યા છે બરોબર ત્યારે જ સર્વિસ ટેકસની આ ઢગલાબંધ નોટીસોના પગલે ભારે દેકારો મચી ગયો છે.

આશ્ર્ચર્યજનક બાબત એ છે કે આ નોટીસો વર્ષ 2014-15ની ફટકારવામાં આવી છે. એટલે કે 6 વર્ષ બાદ ચાલુ વર્ષમાં આ જુના વર્ષની નોટીસો કાઢવામાં આવી છે. જે તે વખતે સર્વિસ પ્રોવાઈડરોએ ટેકસ અને રિટર્ન ભરી દીધા છે. આમ છતાં આ જુના વર્ષની નોટીસો કાઢવાનો અર્થ શું, આમાં ‘ઈઝ ઓફ ડુઈંગ બીઝનેસ’ કયાં ગયું? તેવો સવાલ સર્વિસ પ્રોવાઈડરોએ ઉઠાવ્યો છે. તેવી પણ વિગતો સાંપડે છે કે દરેક સર્વિસ પ્રોવાઈડરો પાસે જીએસટીના રજીસ્ટ્રેશન નંબરો પણ છે અને જે તે સમયે ટેકસ અને રિટર્ન પણ ભરી દીધા છે.

આમ છતાં આ નોટીસો કાઢવાનો અર્થ શું? ખાસ કરીને એવું પણ ચર્ચાય છે કે તહેવારો ટાણે જ તંત્ર દ્વારા આવી કાર્યવાહી થતા ભારે કચવાટની લાગણી ફેલાઈ છે અને હવે ધંધાના સમયમાં સર્વિસ પ્રોવાઈડરોને જીએસટીના કચેરીના તળીયા ઘસવાનો વારો આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે કે જુલાઈ 2017થી જીએસટી કાયદો અમલી બન્યો છે, આથી તે પહેલાના વર્ષની નોટીસો પણ હજુ નીકળે તેવી શકયતા દેખાઈ રહી છે. જો હજુ નોટીસો નીકળશે તો સર્વિસ પ્રોવાઈડરોનો રોષ ભભુકી ઉઠે તેવી પણ સંભાવના દર્શાવાઈ રહી છે.


Related News

Loading...
Advertisement