દેવદિવાળીની લીલી પરીક્રમા અને ભવનાથનો મેળો પણ રદ થવાની શકયતા

17 October 2020 05:59 PM
Gujarat
  • દેવદિવાળીની લીલી પરીક્રમા અને ભવનાથનો મેળો પણ રદ થવાની શકયતા

રાજય સરકારે દિપાવલી પછીના સમયની કોરોના- ગાઈડલાઈન પર વિચારણા શરૂ કરી :દેવદિવાળીના સમયે લાખો શ્રદ્ધાળુઓને આવરી લેતી લીલી પરિક્રમામાં રાજયભરના લોકો ઉમટે છે :સોમનાથનો કાર્તિક પૂર્ણિમા મેળાથી છેક મહાશિવરાત્રીના ભવનાથના મેળાના આયોજનો પણ રદ કરવા જણાવાશે

ગાંધીનગર તા.17
સમગ્ર વિશ્વમાં કોરોના નો આતંક યથાવત રહ્યો છે તો બીજી તરફ ગુજરાત સરકાર દિન પ્રતિદિન વધતા જતા સંક્રમિત કોરોનાને રોકવા ગુજરાત સરકાર ભાતીગળ મેળા, મેળાવડા, પદયાત્રાઓ ( પુનમિયા સંઘ) ઉપર બ્રેક મારી ચુકી છે. ત્યારે સરકાર હવે જૂનાગઢ ગીરનારની પ્રસિદ્ધ લીલી પરિક્રમા અને તળેટી પર ભરાતો લોક મેળો પણ રદ કરવાની દિશામાં વિચારી રહી હોવાના અહેવાલ સૂત્રો દ્વારા મળ્યા છે. જોકે આ અંગે રાજ્ય સરકાર કોઈ નિર્ણય કર્યો નથી. પરંતુ આવનાર દિવસોમાં જૂનાગઢ વહીવટી તંત્ર પાસેથી અહેવાલ મેળવીને સમીક્ષાના અંતે લીલી પરિક્રમા અને તળેટી નો મેળો રદ કરવાની સત્તાવાર જાહેરાત કરે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગતો મુજબ સમગ્ર દેશ સહિત ગુજરાતમાં સંક્રમિત કોરોના કેસ હજુ ઘટવાનું નામ લેતા નથી. ત્યારે નવરાત્રી અને દિવાળી પર્વ ની સાથે સાથે આવી રહેલી જૂનાગઢના પ્રસિદ્ધ યાત્રાધામ ગરવા ગિરનાર ખાતેની લીલી પરિક્રમા અને મેળા નું પણ અનોખું આકર્ષણ હોય છે. જોકે આ બાબત એક શ્રદ્ધા સાથે પણ જોડાયેલી છે . ત્યારે આ પરિક્રમા આયોજીત નહિ કરવાની દિશામાં વિચારણા શરૂ કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે દિવાળી પછી દશમ ની રાત્રે 12ના ટકોરે ગીરનારની લીલી પરિક્રમાની શરૂઆત થતી હોય છે. જે પૂનમ સુધી ચાલતી હોય છે .
નોંધનીય છે કે પ્રતિવર્ષ જુનાગઢ ની લીલી પરિક્રમા કરવા માટે અંદાજિત પાંચ થી સાત લાખ શ્રદ્ધાળુઓ નું માનવ મહેરામણ દિવસ રાત પરિક્રમા કરવા ઉમટી પડે છે. ત્યારે આવી સ્થિતિમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવું પણ કપરૂં બનશે. સાથે સાથે તળેટી ના મેળા થી પણ સંક્રમણ વધવાની શક્યતાઓ વહીવટીતંત્ર દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે . અને એટલે જ સરકાર ગિરનારની લીલી પરિક્રમા અને મેળા ઉપર રોક લાવે તેવી પ્રબળ શક્યતાઓ સૂત્રો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે જુનાગઢ ની લીલી પરિક્રમા કરવા માટે લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે સાથે સાથે આજ દિવસોમાં સોમનાથ મંદિરમાં પણ ભક્તોનો ઘસારો જોવા મળતો હોય છે .કારણકે જૂનાગઢના ગિરનાર ની લીલી પરિક્રમા પૂરી કર્યા પછી સોમનાથ મહાદેવ દાદાના દર્શન કરવા પડે તેવી લોકવાયકા પણ સમાયેલી છે . અને એટલે જો સરકાર લીલી પરિક્રમા રદ કરશે તો સોમનાથ મંદિરમાં પણ ભક્તોનો ઘસારો આપોઆપ ઓછો થઈ જશે તેમ મનાઈ રહ્યું છે.
જો કે રાજ્ય સરકાર દ્વારા હજુ સુધી લીલી પરિક્રમા રદ કરવા અંગે મહત્વનો કોઈ નિર્ણય કર્યો નથી. પરંતુ દિવાળી પછીના તહેવાર ની આસપાસ રાજ્ય સરકાર આ મામલે ચોક્કસ મહત્વનો નિર્ણય કરશે અને તેની સત્તાવાર જાહેરાત પણ કરે તેવી શક્યતાઓ છે.
નોંધનીય છે કે રાજ્ય સરકારે અગાઉ સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના પુનમિયા સંઘની પદ યાત્રા (પગપાળા સંઘ) અને ભાદરવી પૂનમના મેળો નહીં યોજવાનો નિર્ણય જાહેર કર્યો હતો. ત્યારબાદ જન્માષ્ટમી દરમિયાન સૌરાષ્ટ્રના રાજકોટ સહિત અન્ય ધાર્મિક સ્થળો ઉપર આયોજિત થતા લોક મેળાઓ પણ રદ્દ કર્યા હતા ત્યારે હવે કોરોનાવાયરસની સંક્રમિત દહેશત વચ્ચે જૂનાગઢના ગરવા ગિરનારની પ્રસિદ્ધ આસ્થાનું કેન્દ્ર બનેલ લીલી પરિક્રમા અને તેનો મેળો સરકાર રદ કરી તેવી પૂરી શક્યતાઓ સૂત્રો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.


Related News

Loading...
Advertisement