સિવિલમાં જૂનાગઢ, કેશોદ, સુરેન્દ્રનગર, અમરેલી, મોરબીના 17 તબીબો મુકાયા

17 October 2020 05:06 PM
Rajkot Saurashtra
  • સિવિલમાં જૂનાગઢ, કેશોદ, સુરેન્દ્રનગર, અમરેલી, મોરબીના 17 તબીબો મુકાયા

અમદાવાદ-બરોડા-સુરતના 40 તબીબોનું રોટેશન પૂર્ણ થતું હોવાથી તેઓ મુળ જગ્યાએ પરત ફર્યા, 15 હજુ કાર્યરત: સમરસમાં 55 તબીબો ઘટાડાયા

રાજકોટ, તા.17
રાજકોટમાં ઓગસ્ટ અને સપ્ટેમ્બર માસ દરમિયાન હદ બહાર ચાલ્યા ગયેલા કોરોનાને કાબૂમાં કરવા માટે સરકાર દ્વારા અમદાવાદ, બરોડા અને સુરત સહિતના શહેરોમાંથી ડોક્ટરોને તૈનાત કરવામાં આવ્યા હતા. રોટેશન પ્રણાલી મુજબ આ તબીબોને રાજકોટ મુકાયા હોવાથી તેમનું રોટેશન પૂર્ણ થતાં જ 40 જેટલા ડોક્ટરો તેમની મુળ જગ્યાએ પરત ફર્યા છે. બીજી બાજુ સિવિલમાં આજથી જૂનાગઢ, કેશોદ, સુરેન્દ્રનગર, અમરેલી અને મોરબી સહિતના 17 તબીબોને કોવિડ હોસ્પિટલમાં ફરજ સોંપવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ અંગે અધિક કલેક્ટર પરિમલ પંડ્યાએ જણાવ્યું હતું કે કોવિડ હોસ્પિટલમાં અમદાવાદ, વડોદરા અને સુરત સહિતના શહેરોના કુલ 55 ડોક્ટરોને મુકવામાં આવ્યા હતા જે પૈકી 40 ડોક્ટરોનું રોટેશન પૂર્ણ થતાં તેમને મુળ જગ્યાએ રવાના કરી દેવામાં આવ્યા છે જ્યારે હજુ 15 ડોક્ટરો કોવિડ હોસ્પિટલમાં કાર્યરત છે. બીજી બાજુ ડોક્ટરોની ઘટ ઉભી ન થાય તે માટે તંત્ર દ્વારા તાત્કાલિક સૌરાષ્ટ્રના શહેરોમાંથી 17 તબીબોને કોવિડ હોસ્પિટલમાં ફરજ સોંપવાનો હુકમ કરવામાં આવતાં તેઓ હાજર થઈ ગયા છે. આ 17 ડોક્ટરોમાં 6 મહિલા ડોક્ટર હોવાનું જાણવા મળ્યું છે.

તેમણે જણાવ્યું હતું કે અમદાવાદ, વડોદરા અને સુરતના ડોક્ટરોને રોકાણ માટે સરકાર દ્વારા એલાઉન્સ આપવામાં આવ્યું હતું પરંતુ સૌરાષ્ટ્રના ડોક્ટરોને પથીકાશ્રમ અથવા સિટી ગેસ્ટ હાઉસમાં ઉતારો આપવામાં આવી શકે છે. જ્યારે 6 મહિલા ડોક્ટરોને અન્ય ગેસ્ટ હાઉસમાં રોકાણની વ્યવસ્થા કરવામાં આવે તેવી સંભાવના વ્યક્ત કરાઈ છે. જ્યારે હજુ અમદાવાદના 15 ડોક્ટરો કોવિડ હોસ્પિટલમાં કાર્યરત છે તેમનું રોટેશન મહિનાના અંતમાં પૂર્ણ થઈ રહ્યું હોવાથી તેઓ 1 નવેમ્બરથી પોતાની મુળ જગ્યાએ પરત ફરી જશે.

અત્યારે સિવિલ હોસ્પિટલના કુલ 590 બેડમાંથી 390 બેડ ખાલી હોવાનું જાણવા મળે છે જ્યારે 200 દર્દીઓની હાલ સારવાર ચાલી રહી છે. કોવિડ હોસ્પિટલમાં અત્યારે 201 વેન્ટીલેટર હોવાનું જાહેરાત કરવામાં આવ્યું છે. આવી જ રીતે સમરસ હોસ્ટેલમાં 517 બેડ ખાલી છે જ્યારે 43 બેડ ઉપર દર્દીની સારવાર ચાલી રહી છે. જ્યારે ઈએસઆઈ હોસ્પિટલમાં 41, કેન્સર હોસ્પિટલમાં 183 બેડ ખાલી હોવાનું તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.

તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલા કોવિડ હેલ્થ બુલેટીન અનુસાર છેલ્લા 24 કલાકમાં ગ્રામ્યમાં કુલ 1572 લોકોના એન્ટીજન ટેસ્ટ કરવામાં આવ્યા છે જ્યારે શહેરમાં એક પણ ટેસ્ટીંગ કરાયું નથી. આવી જ રીતે 24 કલાક દરમિયાન 847 ઘરનો સર્વે કરવામાં આવ્યો છે અને ગ્રામ્યમાં 346 ઘરને સર્વે અંતર્ગત આવરી લેવાયા છે. રાજકોટ શહેરમાં 1031 ઉપરાંત જિલ્લાના મળી કુલ 1800 બેડ ખાલી હોવાનું જાણવા મળી રહ્યું છે.


Related News

Loading...
Advertisement