ઐસા ભી હોતા હૈ! બ્રેકઅપ થતા પ્રેમિકા પાછળ ખર્ચ કરેલા 50,000 પ્રેમીએ પાછા માંગ્યા

17 October 2020 04:44 PM
Gujarat
  • ઐસા ભી હોતા હૈ! બ્રેકઅપ થતા પ્રેમિકા પાછળ ખર્ચ કરેલા 50,000 પ્રેમીએ પાછા માંગ્યા

હાઇકોર્ટમાં દાવો કર્યો: પ્રેમિકા પોલીસના શરણે પહોંચી: રસપ્રદ કેસ

અમદાવાદ, તા.17
આજના સમયમાં મફતમાં કંઇ ન મળે, આ વાતને સાર્થક કરતો એક કિસ્સો સુરતમાં નોંધાયો છે, જેમાં બે વર્ષ સુધી ચાલેલા પ્રેમ પ્રકરણનો અંત આવતા યુવકે પોતાની ભૂતપૂર્વ પ્રેમિકા પાસે તેમની ડેટીંગ પાછળ થયેલા ખર્ચ બદલ 50 હજાર રૂપિયાની માંગણી કરી હતી, આ ખર્ચની રકમ મેળવવા માટે હવે યુવકે ગુજરાત હાઇકોર્ટના દ્વારા ખટખટાવ્યા છે.
પૂર્વ પ્રેમીએ ‘ડેટ’નાં પૈસા માંગતા યુવતીએ તેના વિરુધ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, હવે બંને પૂર્વ પ્રેમી પંખીડા આ એફઆઇઆરને લઇને ગુજરાત હાઇકોર્ટ પહોંચ્યા છે.
આ ઘટના સુરતમાં રહેતાં યુવક-યુવતીની છે, 27 વર્ષનો યુવક 21 વર્ષની યુવતીને સોશિયલ મીડિયા મારફતે મળ્યો હતો, બંને મૂળ મહેસાણાના એક જ સમાજના હતા અને બંને સુરત સ્થળાંતર થયા હતાં.
એપ્રિલ-2018માં બંનેના પ્રેમ પ્રકરણનો આરંભ થયો હતો, જેનો ફેબ્રુઆરી-2020માં ધી એન્ડ થયો હતો, પરિક્ષાને લીધે યુવતી સતત તેના પ્રેમીને મળવાનો ઇન્કાર કરતા આખરે તે ગિન્નાયો હતો, પ્રેમ પ્રકરણમાં ખટાશ ઉમેરાતા યુવતી કતાર ગામ પોલીસ મથકે પહોંચી હતી અને યુવક વિરુધ્ધ એફઆઇઆર નોંધાવી હતી, તેણે આક્ષેપ કર્યો કે બ્રેકઅપ પછી તેનો પૂર્વ પ્રેમી તેમના હરવા-ફરવા માટે થયેલા ખર્ચ પેટે 50 હજાર રુપિયાની માંગ કરતો હતો, પરંતુ પોતે હજુ વિદ્યાર્થીની હોય અને આવકનું કોઇ માધ્યમ ન હોવાથી પૈસા ચૂકવવાનો ઇન્કાર કરી દીધો હતો, તેણે ઇન્કાર કરતાં પૂર્વ પ્રેમીએ તેને ફોન પર અપશબ્દો કહી ધમકાવવાનું શરુ કર્યું હતું, તેથી કંટાળીને તેણે તેના કોલ બ્લોક કરી દીધા હતાં.
થોડા દિવસ પછી યુવતીને તેના પૂર્વ પ્રેમીનો મેસેજ આવ્યો કે જો તે તેણે કરેલા ખર્ચાની રકમ નહીં આપે તો તેના ફોટા કે સોશિયલ મીડિયા પર મુકી દેશે, જેને લીધે તેણે થોડા દિવસ માટે ફોન બંધ કરી દીધો હતો, પૂર્વ પ્રેમીએ ફરીથી તેનો સંપર્ક કર્યો અને ખર્ચની રકમ પેટે 60 હજાર રુપિયાની માંગ કરી.
યુવક હવે એડવોકેટ અન્વેશ વ્યાસ દ્વારા હાઇકોર્ટ પહોંચ્યો છે અને તમામ આક્ષેપો નકારી એફઆઇઆર રદ કરવાની માંગ કરી છે.


Related News

Loading...
Advertisement