ડિઝિટલ ન્યુઝ વેબસાઈટસની બલ્લે બલ્લે: સરકારી જાહેરાત મેળવી શકશે

17 October 2020 04:25 PM
India Technology
  • ડિઝિટલ ન્યુઝ વેબસાઈટસની બલ્લે બલ્લે: સરકારી જાહેરાત મેળવી શકશે

કેન્દ્ર સરકારે ડિઝિટલ મીડિયાને આપી માન્યતા: સ્વ-નિયમન સંસ્થા બનાવવાની પણ પરવાનગી

નવીદિલ્હી, તા.17
કેન્દ્ર સરકારે ડિઝિટલ મીડિયાને માન્યતા આપતાં તેના નિયમનના રસ્તા ખોલી નાખતાં હવે ન્યુઝ વેબસાઈટ પણ સરકારી જાહેરાત લઈ શકશે. સરકારે પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાની તર્જ પર ડિઝિટલ ન્યુઝ પ્લેટફોર્મને સમાચારોમાં અનુશાસન જળવાઈ રહે તે માટે સ્વ-નિયમન સંસ્થા બનાવવાની પરવાનગી આપી દીધી છે. સાથે જ ડિઝિટલ ન્યુઝ મીડિયામાં 26 ટકા પ્રત્યક્ષ વિદેશી રોકાણ (એફડીઆઈ)નો નિયમ પણ સ્પષ્ટ કરી દીધો છે.
કેન્દ્રીય સુચના અનેપ્રસારણ મંત્રાલયે કહ્યું કે 18 સપ્ટેમ્બર-2019માં કેન્દ્ર દ્વારા ડિઝિટલ ન્યુઝ મીડિયાને 26 ટકા વિદેશી રોકાણની પરવાનગી આપવામાં આવી હતી જેને ધ્યાનમાં રાખીને ડિઝિટલ પ્લેટફોર્મને પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાને મળનારી સુવિધાનો આપવાનો નિર્ણય થયો છે. આ હેઠળ ડિઝિટલ ન્યુઝ પ્લેટફોર્મ પણ સરકારી જાહેરાત લઈ શકશે. તેના કર્મચારીઓને પણ પ્રેસ ઈન્ફોર્મેશન બ્યુરો (પીઆઈબી)ની માન્યતા મળશે. ન્યુઝ વેબસાઈટના કર્મચારી પણ પ્રિન્ટ-ઈલેક્ટ્રોનિક મીડિયાના કર્મચારીઓને મળતી સુવિધાઓનો લાભ લઈ શકશે. મંત્રાલયે કહ્યું કે પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાની જેમ જ ડિઝિટલ મીડિયા પણ સ્વ-નિયમન સંસ્થા રચી શકશે જેથી ભવિષ્યમાં સરકાર સામે તેનો સત્તાવાર પક્ષ રજૂ કરી શકાય. કેન્દ્ર સરકારે ડિઝિટલ ન્યુઝ મીડિયામાં એફડીઆઈની પોતાની નીતિને પણ સ્પષ્ટ કરી દીધી છે. કેન્દ્રીય ઉદ્યોગ અને આંતરિક વ્યાપાર વિકાસ વિભાગના ડાયરેક્ટર નિખિલ કુમાર કનોડિયાએ કહ્યું કે કોઈ પણ ડિઝિટલ ન્યુઝ પ્લેટફોર્મને મહત્તમ 26 ટકા વિદેશી રોકાણ લેવાની પરવાનગી મળશે અને આ પ્લેટફોર્મની કંપનીઓ ભારતમાં જ રજિસ્ટર્ડ હોવી જરૂરી છે.


Related News

Loading...
Advertisement