ગોંડલ પાસે વહેલી સવારના અકસ્માતમાં મોટી પાનેલીના પિતા-પુત્રના મોત

17 October 2020 02:28 PM
Gondal
  • ગોંડલ પાસે વહેલી સવારના અકસ્માતમાં મોટી પાનેલીના પિતા-પુત્રના મોત
  • ગોંડલ પાસે વહેલી સવારના અકસ્માતમાં મોટી પાનેલીના પિતા-પુત્રના મોત

ગુંદાળા ગામ નજીક અજાણ્યા વાહને કારને ઉડાવતા કરૂણાંતિકા : દેવસ્થાને પૂજન વિધી કરવા જતા ઘટના : પોલીસ તપાસ

ગોંડલ તા.17
ગોંડલના ગુંદાળા ગામ પાસે આજે વહેલી સવારના સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ઉપલેટાના મોટી પાનેલી ગામના વિપ્ર પરિવારના પિતા-પુત્રના મોત થયેલ છે. નવરાત્રીના પ્રથમ દિવસે જ આ કરૂણાંતિકા સર્જાતા આ વિસ્તારમાં ભારે અરેરાટી પ્રસરી જવા પામેલ છે.
અકસ્માતના આ બનાવમાં ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ગામના રાજભાઇ કાંતિભાઇ ઠાકર (ઉ.વ.પપ) અને તેમના પુત્ર કશ્યપ રાજભાઇ ઠાકર (ઉ.વ.28)ના મોત નિપજેલ છે. કારને અજાણ્યા વાહને ઉઠાવતા આ બનાવ બનેલ હોવાનું જાણવા મળ્યું છે.
આ બનાવની જાણ થતા જ પોલીસ કાફલાએ ઘટના સ્થળે દોડી જઇ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
આ બનાવ અંગે મળતી સીલસીલાબંધ વિગતો એવા પ્રકારની છે કે રાજકોટ-જૂનાગઢ હાઇવે પર ગોંડલના ગુંદાળા ગામ નજીક કારને અજાણ્યા વાહન ચાલકે ઉડાવતા આ હાઇવે રકતરંજીત બનવા પામેલ છે. આ અકસ્માતમાં ઉપલેટાના મોટી પાનેલી ગામના બ્રાહ્મણ પરિવારના રાજભાઇ કાંતિભાઇ ઠાકર (ઉ.વ.પપ) અને તેમના પુત્ર કશ્યપ ઠાકર (ઉ.વ.28)નું ગંભીર ઇજા થવાથી મોત નિપજેલ છે.
આ અકસ્માતમાં કારમાંથી ફૂલહાર સહિત પૂજાની સામગ્રી મળી આવેલ છે. જેથી મરનાર પિતા-પુત્ર કોઇ દેવ સ્થાને પૂજન વિધી કરવા માટે જતા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ કાફલાએ ઘટના સ્થળે પંચનામાની કાર્યવાહી કર્યા બાદ મૃતકોની લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવી હતી.
આ ઘટનામાં અજાણ્યો વાહન અકસ્માત સર્જી નાસી છુટયો હતો. આ બનાવ અંગે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવેલ છે.


Loading...
Advertisement