નવરાત્રીના નવ નોરતા : નવદુર્ગાની યાદગાર

17 October 2020 02:19 PM
Dharmik
  • નવરાત્રીના નવ નોરતા :
નવદુર્ગાની યાદગાર

પ્રથમ નોરતુ : માઁ જગદંબાની મહાનતાની યાદગાર છે. માઁ જગદંબા હૃદયની વિશાળતા અને અતૂટ પ્રેમ ભાવનાનું પ્રતીક છે. સમસ્ત વિશ્ર્વ એક પરિવાર છે, દરેક મનુષ્યાત્માઓ પ્રભુપિતાના સંતાન છે. તો આપણે દરેક પ્રતિ સ્નેહ હોવો જોઇએ. દેહના ધર્મ, જાતિ, ભાષા, પ્રાંત, આયુના ભેદભાવથી ઉપર ઉઠી આત્મભાવ અપનાવવાથી વિશ્ર્વને એક પરિવાર બનાવી શકીએ. આજે દરેક નર-નારીઓએ જગતપિતા, જગતમાતાનો વ્યવહાર અપનાવવાની જરૂર છે ત્યારે જ આપણે સંકુચિતતાથી મુકત બની સર્વની સાથે ચાલી શકીશું.


બીજું નોરતુ : માઁ દુર્ગા-દ્રઢ મનોબળ તથા દુર્ગમ સંસારને પાર કરવા આવશ્યક અચલ આત્મસ્થિતિના પ્રતિક સમાન છે. વર્તમાન માનવની જીવન પદ્ધતિ મુશ્કેલ બની ગઇ છે. સુખ સુવિધાના અનેક સાધનોની વૃદ્ધિ થવા છતાં આપણા સંબંધોમાં જટીલતા જોવા મળે છે. ઘણી વખત પરિસ્થિતિઓના નકારાત્મક પ્રભાવ નૈતિક હિંમતને હલાવી દે છે. પરિણામે આજે જરૂરી છે મજબુત આત્મસ્થિતિની જે વિષમ વાતાવરણ તથા પ્રતિકુલ પરિસ્થિતિમાં પણ દિલશિકસ્ત ના થવા દે. હંમેશા ઉમંગ ઉત્સાહ જળવાઇ રહે અને આપણે સકારાત્મક વિચારધારાને સાકાર કરી શકીએ.


ત્રીજું નોરતુ : માઁ મહાકાલી - આસુરી વૃતિઓને ખત્મ કરનાર, વિકરાલ સ્વરૂપ શકિતશાળી સ્થિતિનું પ્રતિક છે. આજના તમોપ્રધાન વિશ્ર્વમાં કદમ કદમ પર જીવનના ઉંચા લક્ષ્યથી વિચલીત કરનાર, કર્મેન્દ્રીયોના આકર્ષણો તરફ આકર્ષિત કરનાર અને પરિસ્થિતિઓ સામે આવે છે. આપણે આ આસુરી વૃતિ-પ્રવૃતિના શિકાર ન બનીએ પરંતુ એક શિવપિતાની યાદથી દૈહિક ભાવવાળી વ્યકિતને પણ અંતર્મુખી બનાવી દઇએ, તેનો પણ ઉદ્ધાર અને સુધાર કરીએ.


ચોથુ નોરતુ : માઁ ઉમા ભવાની - અનન્ય સમર્પણભાવ તથા પરમાત્મા સાથે એકાત્મતાની યાદગાર છે. આજે આપણુ ધ્યાન અનેક વ્યકિત, વસ્તુ, પદાર્થોમાં વિભાજિત થઇ ગયું છે. પરિણામે મન ભટકે છે. પરમાત્મા પ્રતિ સમર્પણભાવ જીવનને ખુશહાલ બનાવી દે છે.


પાંચમુ નોરતુ : માઁ સરસ્વતી-વિદ્યા તથા બુદ્ધિનું પ્રતિક છે. જીવનમાં સાચુ જ્ઞાન જ સાચ્ચી સમજ આપે છે. જીવન અને જગતના અવિનાશી અસ્તિત્વ તથા બધા જ સનાતન સત્યોનું જ્ઞાન જ વિદ્યા છે. સાચુ જ્ઞાન સદ્બુદ્ધિ-સદ્વિવેક પ્રદાન કરે ેછ. સદ્બુદ્ધિથી જ આપણે ધનનો સાચ્ચો ઉપયોગ કરી શકીએ છીએ. શ્ર્વેત વસ્ત્રધારી, હંસવાહિની માઁ સરસ્વતી સદ્જ્ઞાન-સદ્બુદ્ધિનું પ્રતિક છે. આપણે પણ જીવનમાં વ્યર્થથી મુકત બની સમર્થ બનવાનું વ્રત લઇ મન-બુદ્ધિથી શુદ્ધ બનીએ.


છઠ્ઠું નોરતુ : માઁ મહાલક્ષ્મી-પ્રાપ્તિઓના દાતા બની અનેકોને દાન આપવાના પ્રતીક સમાન છે. ધન જીવન નિર્વાહનું એક સાધન છે. પરિણામે કમાણી જરૂરી છે પરંતુ લોભવૃતિ ન હોવી જોઇએ. કહેવામાં આવે છે કે પહેલા વ્યકિત ધન પાછળ દોડે છે. એટલે કે ભૌતિકતા તેના ચરણ ચૂમે છે. શ્રી લક્ષ્મીને ધનની દેવી કહેવામાં આવે છે. હંમેશા કમળ આસનધારીનો અર્થ છે કે જેમ કમળ કાદવથી અલિપ્ત રહે છે તેમ શ્રીલક્ષ્મી વૈભવોથી મુકત હતા. આજે આપણે જરૂર છે. વૈભવોની પ્રાપ્તિની સાથે નિર્મોહી બનવાની આપણી પ્રાપ્તિ-સિદ્ધિ બધાને આપીએ-તેમાં જ આનંદની અનુભૂતિ સમાયેલ છે.


સાતમું નોરતુ : માઁ વૈષ્ણવ દેવી-આહાર વિહાર તથા આચાર-વિચારની શુદ્ધિનું પ્રતીક છે. આયોગ્ય આહાર-વિહારથી શારીરિક સ્વાસ્થ્ય આજે ચારે બાજુ વિષય વિકારની બોલબાલા છે. પરિણામે જરૂર છે અશુદ્ધ આહાર, અશુદ્ધ સંગ, અશ્ર્લીલ સાહિત્યની પરહેજ કરવાની. કોઇપણ પ્રકારની અશુદ્ધિ જ અપ્રાપ્તિનું કરણ છે. અને અપ્રાપ્તિ જ અસંતુષ્ટતાનું કારણ છે. પરિણામે કોઇપણ પ્રકારની અશુદ્ધિ-અવિપત્રતા આપણી દ્રષ્ટિ, વૃતિ, વિચાર, વાણી, વ્યવહારને પ્રભાવિત ન કરે તે વ્રત આપણે પાકકુ કરવાનું છે.


આઠમુ નોરતુ : માઁ સંતોષી - જીવનમાં આંતરીક સંતુષ્ટતા અને પ્રસન્નતાનું પ્રતીક છે. આપણી પાસે જે કંઇ પણ છે તે ઓછુ છે હજુ પણ જોઇએ છે - તે રોગ આજે હર મનુષ્યને લાગેલ છે. જીવનમાં જ્યાં છીએ ત્યાંથી આગળ પણ વધીએ સાથે સંતુષ્ટ પણ રહીએ. કહેવામાં આવે છે ‘સંતોષી નર સદા સુખી’. સંતુષ્ટતાના અભાવથી આજે માનવના ચહેરા પર પ્રસન્નતા-ખુશી પણ જોવા મળતી નથી. સાદગી, સંતુષ્ટતા અને સાત્વીકતા જ સફળ જીવનના આધાર સ્તંભ છે.


નવમું નોરતુ : માઁ શીતલાદેવી-શીતળતા અને સરળતાનું પ્રતીક છે. વર્તમાન માનવના અંગ અંગમાં વિષયાગ્નિ છે. કર્મેન્દ્રિયો કોઇ ન કોઇ આકર્ષણના વશ છે. પરિણામે ઇચ્છાઓનો અંત નથી. ઇર્ષ્યા, ક્રોધ, લોભ વગેરેની અગ્નિના પરિણામ સ્વરૂપ માનવ મન અશાંત છે. ત્યારે જરૂર છે. શીતળતા, ધૈર્યતા અને મધુરતા અપનાવવાની. જો મન સરળચિત હશે તો વ્યવહારમાં પણ સરળતા આવશે.
ઉપરોકત નવ ધારણાઓ અપનાવી નવરાત્રીને અનોખા રૂપથી મનાવીએ. નવ દેવીઓના દર્શનની સાથે નવ ગુણો, નવ શકિતઓને જીવનમાં અપનાવીએ. તો આપણે પણ સાધારણ મનુષ્યમાંથી દૈવીગુણ સંપન્ન બની ભારતભૂમિને સ્વર્ગભૂમિ બનાવી શકીશું. આગળ વાંચીશુ નવરાત્રીના નવ વ્રત.


Related News

Loading...
Advertisement