પીએમ મોદીના આગમનને પગલે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર "નો ડ્રોન ઝોન" જાહેર

17 October 2020 02:08 PM
Gujarat
  • પીએમ મોદીના આગમનને પગલે સ્ટેચ્યુ ઓફ  યુનિટી વિસ્તાર "નો ડ્રોન ઝોન" જાહેર

નર્મદા જિલ્લાના અધિક કલેકટર એચ.કે.વ્યાસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું

રાજકોટ,તા.17
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વડાપ્રધાન મોદીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવશે. પીએમની સુરક્ષાને લઈને હાલ 4 જિલ્લાનું વહીવટી તંત્ર કામે લાગ્યું છે. અને તમામ પાસાઓ ચકાસી રહ્યું છે. પ્રધાનમંત્રી કાર્યાલયના અધિકારીઓ સાથે સંકલન કરી કાર્યક્રમ આસપાસના વિસ્તારમાં સુરક્ષા બાબતે થયેલા તમામ સરવે રિપોર્ટ પણ કેન્દ્રીય કક્ષાએ પહોંચી છે. ત્યારે નર્મદા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સુરક્ષાને ધ્યાને લઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર "નો ડ્રોન ઝોન" જાહેર કરવામાં આવ્યો છે.
નર્મદા જિલ્લાના અધિક કલેકટર એચ.કે.વ્યાસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જેમાં જણાવાયું છે કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરના આસપાસના વિસ્તાર, નર્મદા નદીના ડાબા કાંઠે સરદાર સરોવર ડેમથી એકતા નર્સરી (ગોરા) સુધી અને નર્મદા નદીના જમણા કાંઠે સરદાર સરોવર ડેમથી શ્રેષ્ઠ ભારત ભવન, કેવડીયા સુધીના વિસ્તારને તા.16 ઓક્ટોબરથી તા.14 ઓક્ટોબર સુધી નો ડ્રોન ઝોન જાહેર કરાયેલ છે. આ વિસ્તારમાં રીમોટ કંન્ટ્રોલથી ચલાવવામાં આવતાં ડ્રોન ચલાવવાની, ઓપરેટ કરવાની મનાઈ ફરમાવી છે.
અપવાદરૂપ કિસ્સામાં પોલીસ વિભાગ, સુરક્ષાબળો અને પોલીસ વિભાગ તરફથી મળેલ પરવાનગીના સંશાધનોને આ જાહેરનામામાંથી મુક્તિ આપવામાં આવી છે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામાનો ભંગ કરનાર શખ્સો વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરવા માટે નર્મદા જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષકથી પીએસઆઈ સુધીનો હોદ્દો ધરાવનાર પોલીસ અધિકારીઓને અધિકૃત કરવામાં આવ્યા છે.


Related News

Loading...
Advertisement