વેરાવળ બંદરે તંત્ર સાથે ચિટીંગ કરી બહારના રાજયોની ત્રણ ફિશીંગ બોટો આવતા ભારે ઉહાપોહ

17 October 2020 12:46 PM
Veraval
  • વેરાવળ બંદરે તંત્ર સાથે ચિટીંગ કરી બહારના રાજયોની ત્રણ ફિશીંગ બોટો આવતા ભારે ઉહાપોહ

સ્થાનિક માછીમારોના હિતમાં ત્રણ બોટ સામે કાર્યવાહી કરવાની માંગ

વેરાવળ તા.17
વેરાવળ બંદરમાં અન્ય રાજયોની ત્રણ બોટો આવેલ હોય જે બાબતે સાગરપુત્ર ફાઉન્ડેશન ખારવા સંયુકત માચ્છીમાર બોટ એસો. દ્વારા મત્સ્યોધોગ મંત્રી સહીતનાને લેખીત રજૂઆત કરી કાયદાકીય કાર્યવાહી હાથ ધરવાની માંગ કરેલ છે.
આ અંગે વેરાવળ સાગરપુત્ર ફાઉન્ડેશન ખારવા સંયુકત માચ્છીમાર બોટ એસો.ના પ્રમુખ તુલસીભાઇ ગોહેલ દ્વારા મત્સ્યોધોગ મંત્રી સહીતનાને કરાયેલ રજૂઆતમાં જણાવેલ કે, અન્ય રાજયોની બોટો વેરાવળ બંદરે ગેરકાયદેસર પ્રવેશ કરી ફીશરીઝ એકટીવીટી કરતા સ્થાનિક માચ્છીમારોના આર્થીક હીતોને નુકશાન થઇ રહેલ છે. આ બાબતે અવિરત રજૂઆતના અંતે સરકાર દ્વારા ગુજરાતની દરીયાઇ સીમમાં અન્ય રાજયોની બોટોને પ્રવેશવા પર પ્રતિબંધ મુકતો કાયદો વિધાનસભામાં પ્રસાર કરવામાં આવેલ છે ત્યારે આ કાયદાનું ચુસ્ત પણે પાલન થાય તેમ જણાવેલ છે. સરકાર દ્વારા આ કાયદો લાવ્યાના હજુ ગણતરીના દિવસો જ વિત્યા છે ત્યારે વેરાવળ બંદરે સ્થાનીક અસામાજીક તત્વોના સહકાર તેમજ પ્રોટેકશનથી અન્ય રાજયની ત્રણ બોટો આવેલ હોવાનો આક્ષેપ કરી તંત્ર અને સ્થાનીક માચ્છીમારોની આંખમાં ધુળ નાખવા માટે આ ત્રણ બોટ ઉપર ગુજરાતની ફીશીંગ બોટના રજીસ્ટેશન નંબરનું સ્ટીકર લગાડેલ હોવાનું જણાવેલ છે.
ઉપરોકત બાબતે લાગતા વળગતા વિભાગમાં રૂબરૂ જાણ કરવા છતાં નરોવા કુજોવા જેવો ગોળ ગોળ જવાબ આપી આંખ આડા કાન કરવામાં આવતું હોવાથી સ્થાનીક તંત્ર ગુંડા તત્વોની સામે પગલા લેવાના બદલે ગેરકાયદેસર કામો માટે આડકડતરી રીતે પ્રોત્સાહન આપતા હોવાનો પ્રશ્ર્ન સાથે આક્ષેપ કરેલ છે અને અસામાજીક તત્વો આ રીતે દુરઉપયોગ કરતા રહેશે તેને શરૂઆતથી જ અટકાવવામાં નહિં આવે તો સ્થાનીક માચ્છીમારોના વિશાળ હિતને જાળવવાનો હેતુ તથા કાયદાનું કોઇ મહત્વ રહેશે નહિં અને કાયદાનો છડેચોક ભંગ કરી નિયમો ફકત કાગળ ઉપર જ રહી જશે તે માટે હાલમાં વેરાવળ બંદરમાં પ્રવેશેલ ત્રણ બોટો કસ્ટડીમાં લઇ કાયદેસરના પગલા ભરવાની માંગ કરેલ છે. આ બાબતની જાણ રાજયના મુખ્યમંત્રી સહીત લાગતા વળગતા વિભાગોને કરેલ હોવાનું એક યાદીમાં જણાવેલ છે.


Loading...
Advertisement