મુંબઈની ગાડી ‘ટોપગીયર’માં, કોલકત્તા હજુ પણ નથી થઈ ‘રિપેર’

17 October 2020 12:41 PM
Sports
  • મુંબઈની ગાડી ‘ટોપગીયર’માં, કોલકત્તા હજુ પણ નથી થઈ ‘રિપેર’

કોલકત્તાને 8 વિકેટે હરાવતું મુંબઈ: ડીકોકે 44 બોલમાં અણનમ 78 રન ફટકાર્યા: મુંબઈએ 16.5 ઓવરમાં જ મેચ જીતી લીધો

અબુધાબી, તા.17
આઈપીએલ-13માં ડિફેન્ડીંગ ચેમ્પિયન તરીકે મેદાને ઉતરેલી મુંબઈ ઈન્ડિયન્સે ગત વર્ષ કરતાં પણ દમદાર પ્રદર્શન કરીને પોતાની તાકાતનો પરચો બતાવી દીધો છે. અબુધાબીમાં કોલકત્તા સામે રમાયેલી મેચને 8 વિકેટે જીતી લઈ મુંબઈ ફરી પોઈન્ટ ટેબલમાં નંબર વન બની ગયું છે. એકંદરે મુંબઈની ગાડી અત્યારે ‘ટોપગીયર’માં ચાલી રહી છે તો સામી બાજુ કોલકત્તાની ટીમ કેપ્ટન બદલાયા બાદ હજુ પણ ‘રિપેર’ ન થઈ હોય તેવી રીતે સંઘર્ષનો સામનો કરી રહી છે. આ મેચમાં ક્વિન્ટન ડીકોકે 44 બોલમાં અણનમ 78 રન ફટકારી દઈ મુંબઈની જીતને અત્યંત સરળ બનાવી દેતાં ટીમે 16.5 ઓવરમાં જ આ મેચ પોતાના ગજવામાં કરી લીધો હતો.
કોલકત્તાએ ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. કોલકત્તા 10.4 ઓવરમાં 61 રનમાં પાંચ વિકેટ ગુમાવીને દયનીય સ્થિતિમાં પહોંચી ગયું હતું. ત્યારબાદ નવા કેપ્ટન ઓઈન મોર્ગન અને ટીમના સૌથી મોંઘા ખેલાડી પેટ કમીન્સે બાજી સંભાળી લીધી હતી અને છઠ્ઠી વિકેટ માટે અણનમ 87 રનની ભાગીદારી સાથે ટીમને 20 ઓવરના અંતે પાંચ વિકેટે 148 રનના સન્માનજનક સ્કોર સુધી લઈ ગયા હતા. કમીન્સ 36 બોલમાં બે સિક્સર અને પાંચ ફોર સાથે અણનમ 53 રનની કારકીર્દિની પ્રથમ અર્ધસદી સાથે કમાલની ઈનીંગ્સ રમ્યો હતો.
કોલકત્તાએ આપેલા 149 રનના લક્ષ્યાંક સામે મુંબઈએ 10.3 ઓવરમાં જ 94 રન બનાવીને કલકત્તાને પુનરાગમન કરવા દીધું નહોતું. કેપ્ટન રોહિત શર્મા 36 બોલમાં એક છગ્ગો અને પાંચ ચોગ્ગા સાથે 35 રન બનાવીને આઉટ થયા બાદ વનડાઉન સૂર્યકુમાર યાદવ પણ 10 બોલમાં 10 રન બનાવી શક્યો હતો. જો કે વિકેટકિપર-બેટસમેન ક્વિન્ટન ડિકોકે તેના અસલ અંદાજમાં રમતાં 44 બોલમાં 3 છગ્ગા અને 9 ચોગ્ગા સાથે અણનમ 78 રન ફટકાર્યા હતા.


Related News

Loading...
Advertisement