એક પણ અખતરો કર્યા વગર રાજસ્થાન સામે ટકરાશે બેંગ્લોર

17 October 2020 12:37 PM
Sports
  • એક પણ અખતરો કર્યા વગર રાજસ્થાન સામે ટકરાશે બેંગ્લોર

રાજસ્થાન માટે ‘કરો યા મરો’ સમાન મુકાબલો, બેંગ્લોર પણ બે પોઈન્ટ માટે લગાવી દેશે એડીચોટીનું જોર

દુબઈ, તા.17
ક્રિકેટરસિકો માટે આજનો શનિવાર ‘પૈસાવસૂલ’ બની રહેવાનો છે કેમ કે આજે ચાર બળુકી ટીમ વચ્ચે બે મુકાબલા રમાવાના છે. બપોરે 3:30 વાગ્યાથી દુબઈના ગ્રાઉન્ડ ઉપર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે કાંટે કી ટક્કર થવાની છે. બેંગ્લોર આ મેચમાં એક પણ અખતરો કર્યા વગર મેદાને ઉતરવાની છે કેમ કે પંજાબ સામે તેણે કરેલા ફેરફાર ભારે પડી જવા પામ્યા હતા. બીજી બાજુ રાજસ્થાન માટે આ મુકાબલો કરો યા મરો સમાન બની ગયો હોવાથી તે જીત માટે એડીચોટીનું જોર લગાવી દેશે.
બન્ને ટીમ વચ્ચેની આ સીઝનની પહેલી ટક્કરબાં બેંગ્લોરે વિરાટ કોહલી અને દેવદત્ત પડ્ડીકલની મદદથી 8 વિકેટે શાનદાર વિજય મેળવ્યો હતો. પંજાબ સામે તેના સ્ટાર અને છેલ્લી મેચમાં ધમાકેદાર ઈનિંગ્સ રમનાર એબી ડિવિલિયર્સને બેટિંગમાં મોડો મોકલીને તેમજ ઈન ફોર્મ વોશિંગ્ટન સુંદરને ક્રિસ ગેઈલ માટે બચાવી રાખવાનો અખતરો બેંગ્લોરને ભારે પડી ગયો હતો. છેલ્લે ડિવિલિયર્સ ફક્ત બે જ રન બનાવી શક્યો હતો જ્યારે સુંદરની ગેઈલે ચાર-ચાર સિક્સર ફટકારીને ખબર લઈ નાખી હતી.
બેંગ્લોરે આ વખતે ટોપ ઓર્ડર બેટસમેનો દેવદત્ત પડ્ડીકલ, એરોન ફિન્ચ, વિરાટ કોહલી અને એબી ડિવિલિયર્સના શાનદાર ફોર્મના જોરે પાંચ-પાંચ જીત મેળવી છે જ્યારે રાજસ્થાને ખાસ કરીને ટોપ ઓર્ડરના ધબકડાને લીધે પાંચ-પાંચ હાર જોવી પડી છે. બીજી બાજુ રાજસ્થાનની બેટિંગ અત્યંત સ્ટ્રોંગ લાગી રહી છે પરંતુ કેપ્ટન સ્ટીવ સ્મિથ અને સંજુ સેમસન પહેલી બે મેચમાં ધમાકા કર્યા બાદ સાવ જ ફ્લોપ જતાં ટીમની શરૂઆત ખૂબ જ નબળી થઈ રહી છે. જોશ બટલર પણ સારી શરૂઆત બાદ વિકેટ ફેંકી રહ્યો છે અને સાત મેચમાં એક જ હાફ સેન્ચુરી ફટકારી શક્યો છે. મોડે મોડે આવેલો બેસ્ટ ઓલરાઉન્ડર સ્ટોક્સ પહેલી મેચમાં ખાસ કંઈ ન કર્યા બાદ બીજી મેચમાં 41 રન બનાવી શક્યો હતો.


Related News

Loading...
Advertisement