શારજાહમાં આજે ધોનીસેનાની ટક્કર અય્યર એન્ડ કાું સામે

17 October 2020 12:33 PM
Sports
  • શારજાહમાં આજે ધોનીસેનાની ટક્કર અય્યર એન્ડ કાું સામે

હૈદરાબાદ સામે જીત મેળવીને ચેન્નાઈ પાટા પર આવી રહી છે તો દિલ્હીનો જોશ પણ હાઈ

શારજાહ, તા.17
શારજાહમાં આજે સાંજે 7:30 વાગ્યાથી આઈપીએલની બે બળુકી ટીમ ચેન્નાઈ સુપરકિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે જોરદાર મુકાબલો થવાનો છે. બન્ને ટીમે પોતાની છેલ્લી મેચમાં જીત મેળવી હોવાથી તે જીતનો સિલસિલો યથાવત રાખવા માટે મહેનત કરશે. સતત હાર જોઈ રહેલી હૈદરાબાદ સામે જીત મેળવીને ચેન્નાઈ પાટા પર આવી રહી છે તો દિલ્હીએ પણ રાજસ્થશનને 13 રને હરાવી દેતાં તેનો જોશ પણ હાઈ દેખાઈ રહ્યો છે.
મહેન્દ્રસિંહ ધોનીની સ્માર્ટ કેપ્ટન્સીને લીધે ચેન્નાઈ ફરી ચાર્જ થઈ રહી છે પણ આજે દમદાર દિલ્હીને રોકવાનો તેની સામે મોટો પડકાર છે. છેલ્લી મેચમાં હૈદરાબાદ સામે ધોનીના સેમ કરેનને ઓપનિંગ કરાવવાથી લઈને દીપક ચાહરને ચારેય ઓવર શરૂઆતમાં જ કરાવી લેવાની રણનીતિ સફળ થઈ હતી. છેલ્લી મેચમાં ધોનીએ ત્રણ સ્પીનરો પિયુષ ચાવલા, કર્ણ શર્મા અને રવીન્દ્ર જાડેજાને મેદાનમાં ઉતાર્યા હતા. આજે શારજાહની પીચ જે હવે ધીમે ધીમે સ્લો થઈ રહી છે તેમજ છેલ્લી મેચમાં બેંગ્લોર અને પંજાબની જીતમાં સ્પિનરોની નિર્ણાયક ભૂમિકાને લીધે ત્રણેય સ્પિનર સાથે ઉતરે તેવી સંભાવના છે.
ટૂર્નામેન્ટનો બીજો તબક્કો શરૂ થઈ ગયો છે અને હવે દરેક હાર-જીત ખૂબ જ મહત્ત્વની બની રહેવાની હોવાથી ચેન્નાઈ આજે હૈદરાબાદ સામેની જીતથી મળેલા જોશ વડે દિલ્હીને નાથવા કોઈ કસર બાકી નહીં રાખે. જો કે ચેન્નાઈ માટે જીત મેળવવી એટલી આસાન નહીં હોય. દિલ્હીનો બોલિંગ એટેક બધી જ ટીમમાં સૌથી શ્રેષ્ઠ છે. સાઉથ આફ્રિકન જોડી કેગિસો રબાડા અને એનરિચ નોર્ખિયા બોલિંગ એટેકના પ્રાણ બની ગયા છે. આ ુપરાંત તુષાર દેશપાંડેએ પણ તેની રાજસ્થાન સામેની પહેલી જ મેચમાં બે વિકેટ સાથે યાદગાર ડેબ્યુ કર્યું હતું. જો કે દિલ્હીને ઈજાગ્રસ્ત ખેલાડીઓની સમસ્યા ભારે સતાવી રહી છે. અમિત મિશ્રા અને ઈશાંત શર્મા તો ઈજાગ્રસ્ત થઈને ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા છે અને વિકેટકિપર-બેટસમેન ઋષભ પંત એક સપ્તાહ માટે રમી શકે તેમ નથી. જ્યારે હવે રાજસ્થાન સામે કેપ્ટન શ્રેયસ અય્યર પણ ઈજાગ્રસ્ત થતાં તેની ચિંતામાં વધારો થયો છે. બીજી બાજુ આજની મેચમાં પૃથ્વી શોનું ફોર્મ અત્યંત મહત્ત્વનું બની રહેશે.


Related News

Loading...
Advertisement