પ્રિયંકા ચોપરાની ‘બૂરી નજર’!

17 October 2020 10:27 AM
Entertainment
  • પ્રિયંકા ચોપરાની ‘બૂરી નજર’!

આપણે ત્યાં ‘નજર લાગી જશે’નો કોન્સેપ્ટ બહુ જ પ્રખ્યાત છે. અંગ્રેજીમાં તેને ‘ઇવિલ આઇ’નું નામ આપવામાં આવ્યું છે. 31 ઑક્ટોબર નજીક છે અને પશ્ર્ચિમી દેશો માટે આ હેલોવિન મહિનો છે. સદીઓ પહેલાં કેલ્ટિક પ્રજાએ પોતાના પૂર્વજોની આત્માના શાંતિ માટે શરૂ કરેલાં રીતિ-રિવાજોને પશ્ર્ચિમી સંસ્કૃતિ આજે ‘હેલોવિન’ની ઉજવણી સુધી લઈ આવી છે. એમેઝોન પ્રાઇમ વીડિયોએ ઑક્ટોબર મહિનાને રસપ્રદ બનાવવા તેમજ હેલોવોન ઉજવવા માટે ચાર હોરર ફિલ્મો રીલિઝ કરવાનો પ્લાન બનાવ્યો છે, જેમાંથી બે રીલિઝ થઈ ચૂકી છે અને બાકીની બે આગામી અઠવાડિયામાં થવા જઈ રહી છે. ‘ઇવિલ આઇ’ એમાંની એક!
ખ્યાતનામ હોલિવૂડ પ્રોડ્યુસર જેસન બ્લુમના ‘બ્લુમ હાઉસ પ્રોડકશન્સ’ અને ‘ક્વોન્ટિકો ક્વિન’ પ્રિયંકા ચોપરા જોનસના ‘પર્પલ પેબલ પિક્ચર્સ’એ સંયુક્ત રીતે મળીને આ ફિલ્મ પ્રોડ્યુસ કરી છે. મૂળ વાર્તા માધુરી શેખરના ‘ઑડિબલ ઓરિજિનલ’ ઑડિયો પ્લે ’ઇવિલ આઇ’ પરથી અડોપ્ટ કરવામાં આવી છે.
અમેરિકાના ન્યુ ઓરલેન્સ અને ભારતના દિલ્હી વચ્ચે આખી ઘટના આકાર લે છે. ન્યુ ઓરલેન્સમાં રહેતી પલ્લવી (સુનિતા મણિ)ની ઉંમર 30 વર્ષ થવા આવી હોવાથી દિલ્હીમાં રહેતી તેની ટિપિકલ ભારતીય મા ઉષા (સરિતા ચૌધરી) હવે પોતાની દીકરીને જલ્દીથી પરણાવીને ઠરીઠામ કરી દેવા માંગે છે. પરંતુ એક દિવસ પલ્લવીના જીવનમાં સંદીપ પટેલ (ઓમર મસ્કાતી) નામનો ગુજરાતી અમીર છોકરો આવે છે, જેની સાથે તે લગ્ન કરવા માંગે છે. પલ્લવીના આ નિર્ણયથી ઉષા ખુશ નથી. સંદીપ પટેલના રહસ્યમય વ્યક્તિત્વની સામે તે સવાલો ઉઠાવે છે, પલ્લવીને ચેતવે છે. ઉષાનો ભૂતકાળ અને પલ્લવીનો વર્તમાન એક ખૌફનાક ભૂતાવળ સાથે સંકળાયેલો છે, જે એમના જીવનને ધમરોળી નાંખે છે.
ફિલ્મનો સ્ક્રીનપ્લે પણ માધુરી શેખરે જ લખ્યો છે. પુનર્જન્મનો કોન્સેપ્ટ આપણે ત્યાં ખાસ નવો નથી. ભારતની સંસ્કૃતિ સદીઓથી પુનર્જન્મમાં વિશ્ર્વાસ કરતી આવી છે. પુષ્કળ બોલિવૂડ ફિલ્મો અને સીરિયલો આ વિષયવસ્તુને કેન્દ્રમાં રાખીને દાયકાઓથી આપણે દેશમાં રીલિઝ થતી આવી છે. પરંતુ અમેરિકાની જનતા માટે પુનર્જન્મ ઓછો ખેડાયેલો વિષય છે. ખાસ કરીને ભારતીય પરિપ્રેક્ષ્યમાં તો એ વિશે ત્યાં લગભગ નહીવત કૃતિ બની હશે! ‘ઇવિલ આઇ’ ભારતીય પ્રેક્ષકોને આકર્ષી શકે એટલા જબરદસ્ત ટવીટસ ધરાવતી નથી. અમેરિકન અથવા અન્ય વિદેશીઓ, જેમના માટે પુનર્જન્મ વણખેડાયેલો વિષય છે તેઓને કદાચ આ ફિલ્મ ગમી શકે એવી સંભાવના છે. મા-દીકરી એટલે કે ઉષા અને પલ્લવી તરફથી સરસ પર્ફોમન્સ અપાયું છે. પરંતુ સંદીપ પટેલને ગુજરાતી દર્શાવાયો હોવા છતાં તેના પાત્રાલેખનમાં ગુજરાતીપણાની છાંટ નથી ઉમેરાઈ, એ આંખમાં કણાની જેમ ખટકે છે. હું બોલી, ભાષા કે પહેરવેશના દ્રષ્ટિકોણથી નહીં પરંતુ સમગ્ર વ્યક્તિત્વમાં દેખાઈ આવતાં ગુજરાતીપણાના અભાવની વાત કરી રહ્યો છું. હિન્દી ડબિંગ પણ ઉપલબ્ધ છે, આમ છતાં તેની ગુણવત્તા નબળી હોવાને લીધે અંગ્રેજીમાં ફિલ્મ જોવાની વધારે મજા આવે તેવી પરિસ્થિતિ છે. પ્રિયંકા બહેનની મહેનત છે, એટલે જેવી તેવી તો હોય નહીં! પણ ભૂતિયા ફિલ્મનું નામ આપીને એમણે ઑડિયન્સને ઉલ્લું બનાવ્યા એ વાત પચી નથી. ટી-શર્ટ ખરીદવા ગયા હો અને ટ્રેક-પેન્ટ લઈને પરત ફરો એવો અનુભવ થાય તો નવાઈ નહીં. ખેર, મારી જેમ હોરર જોન્રે જેને અતિશય પ્રિય છે એવા પ્રેક્ષકો માટે વન-ટાઇમ વોચ ગણી શકાય તેવી ફિલ્મ.
bhattparakh@yahoo.com


Related News

Loading...
Advertisement