મુંબઈ વિજયકૂચ યથાવત રાખવા, કલકત્તા જીતના પાટા પર ચડવા ઉતરશે મેદાને

16 October 2020 12:36 PM
Sports
  • મુંબઈ વિજયકૂચ યથાવત રાખવા, કલકત્તા જીતના પાટા પર ચડવા ઉતરશે મેદાને

સાંજે 7:30 વાગ્યાથી અબુધાબીમાં મુકાબલો: મુંબઈનો આત્મવિશ્ર્વાસ સાતમા આસમાને, કલકત્તાનો ડગુંમગું

અબુધાબુ, તા.16
આજે આઈપીએલ-13ની બે બળુકી ટીમ મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકત્તા નાઈટ રાઈડર્સ વચ્ચે સાંતે 7:30 વાગ્યાથી અબુધાબીના ગ્રાઉન્ડ ઉપર મુકાબલો જામશે. આ મેચમાં મુંબઈ પોતાની વિજયકૂચને યથાવત રાખવા તો કોલકત્તા ફરી જીતના પાટા ઉપર ચડવા માટે મેદાને ઉતરશે. એકબાજુ આત્મવિશ્ર્વાસથી ભરપૂર મુંબઈની પલટન છે તો સામે બાજુ ડગુંમગું થઈ રહેલી કોલકત્તા તેનો અસલ મિજાજ બજાવી શકી નથી.
આ ટૂર્નામેન્ટમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ સૌથી સંતુલિત અને મજબૂત છે. એકબાજુ મુંબઈ વિજયના મોજા પર સવાર એક પછી એક શિખર સર કરી રહી છે ત્યારે સામી બાજુ કોલકત્તાની ટીમ ઉતાર-ચડાવમાંથી પસાર થઈ રહી છે. દિનેશ કાર્તિકની આગેવાનીમાં કોલકત્તાને દરેક મેચ પછી એક પડકાર જોવા મળી રહ્યો છે. તેના મહત્ત્વના સ્પીન બોલર અને ઓપનિંગમાં તડાફડી કરતાં સુનિલ નરૈન ફરી શંકાસ્પદ બોલિંગ એક્શનમાં ફસાયો છે ત્યારે આજની મેચમાં પણ તેને પડતો જ મુકવામાં આવે તેવી સંભાવના છે. નરૈન ટીમમાં ન હોવાથી કલકત્તાનું બેલેન્સ બગડી રહ્યું છે અને તેના કારણ જ તેણે બેંગ્લોર સામે કારમો પરાજય જોવો પડ્યો હતો.
ટૂર્નામેન્ટની બીજી મજબૂત ટીમ દિલ્હીને હરાવીને મુંબઈનો આત્મવિશ્ર્વાસ સાતમા આસમાને છે અને છેલ્લા પાંચ મુકાબલામાં મુંબઈએ કલકત્તાને હરાવ્યું છે. કલકત્તાએ પહેલાં તબક્કાની સાત મેચમાં દર વખતે ટીમમાં અથવા બેટિંગ ઓર્ડરમાં ફેરફાર કર્યો છે. રાહુલ ત્રિપાઠીએ ઓપનિંગમાં આવીને મેચ જીતાડયા પછી બીજી મેચમાં પંજાબ સામે ફ્લોપ જતાં તેને સાતમા સ્થાને મોકલી દેવાયો હતો. કેપ્ટન કાર્તિકે અત્યાર સુધીમાં જુદા જુદા સ્થાનેથી બેટિંગ કરી છે જ્યારે આન્દ્રે રસેલ પણ ત્રણ જુદા જુદા નંબરે બેટિંગ કરી ચૂક્યો છે. મુંબઈના ખેલાડીઓને પોતપોતાના રોલની ખબર છે.


Related News

Loading...
Advertisement