‘આસાન’ જીતને ‘અઘરી’ બનાવતું પંજાબ: છેલ્લા બોલે બન્યું વિજેતા

16 October 2020 12:25 PM
Sports
  • ‘આસાન’ જીતને ‘અઘરી’ બનાવતું પંજાબ: છેલ્લા બોલે બન્યું વિજેતા
  • ‘આસાન’ જીતને ‘અઘરી’ બનાવતું પંજાબ: છેલ્લા બોલે બન્યું વિજેતા

બેંગ્લોરે આપેલા 172 રનના લક્ષ્યાંકને હાંસલ કરતાં કરતાં પંજાબના પગે પાણી આવી ગયા: ગેઈલ-રાહુલની તોફાની બેટિંગ: પુરને છેલ્લા બોલે છગ્ગો ફટકારી જીત અપાવી

શારજાહ, તા.16
શારજાહના ગ્રાઉન્ડ ઉપર કિંગ્સ ઈલેવન પંજાબ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાયેલી આઈપીએલ-13ની 31મી મેચમાં અત્યંત ‘આસાન’ જીતને પંજાબે ‘અઘરી’ બનાવી દઈ છેલ્લા બોલે વિજય હાંસલ કર્યો હતો. બેંગ્લોરે આપેલા 172 રનના લક્ષ્યાંકને હાંસલ કરતાં કરતાં પંજાબના પગે પાણી આવી ગયા હતા. આશ્ર્ચર્યની વાત એ છે કે આઠ વિકેટ હાથમાં હોવા ઉપરાંત ક્રિઝ પર ગેઈલ અને રાહુલ સેટ થઈ ગયા હોવા છતાં મેચ છેલ્લા બોલ સુધી ખેંચાઈ હતી. જો કે છેલ્લા બોલે જ્યારે એક રનની જરૂર હતી ત્યારે ક્રિઝ પર આવેલા નિકોલસ પૂરને છગ્ગો લગાવી ટીમને જીત અપાવી હતી. આ સાથે જ પંજાબે ટૂર્નામેન્ટમાં બીજી જીત હાંસલ કરી લઈ પોતાની પ્લે ઓફની આશાને જીવંત રાખી છે.
આ મેચમાં બેંગ્લોરે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઓપનરો એરોન ફિન્ચ (18 બોલમાં 20 રન) અને દેવદત્ત પડ્ડીકલે (12 બોલમાં 18 રન) 4.1 ઓવરમાં 38 રન સાથે સારી શરૂઆત કરાવી હતી. કેપ્ટન વિરાટ કોહલીએ ફોર્મ જાળવી રાખતાં 39 બોલમાં 3 ચોગ્ગા અને 48 રન બનાવ્યા હતા. જ્યારે શિવમ દુબેના 19 બોલમાં બે સિક્સર સાથે 23 રન અને છેલ્લે 8 બોલમાં 1 ચોગ્ગો તથા 3 છગ્ગા સાથે અણનમ 25 રન સાથે વિરાટને મળેલા સપોર્ટને લીધે બેંગ્લોરે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 171 રન બનાવ્યા હતા.
બેંગ્લોરે આપેલા 172 રનના લક્ષ્યાંક સામે મયંક અગ્રવાલે 25 બોલમાં 3 છગ્ગા અને ચાર ચોગ્ગા સાથે 45 રનની ઈનિંગ્સ સાથે ટીમને મજબૂત શરૂઆત કરાવી આપી હતી. કેપ્ટન લોકેશ રાહુલ 49 બોલમાં પાંચ સિક્સર અને એક ફોર સાથે અણનમ 61 રન તેમજ સીઝનમાં પહેલી વખત મેદાને ઉતરેલા ક્રિસ ગેઈલે ધીમી શરૂઆત બાદ 45 બોલમાં પાંચ છગ્ગા અને એક ચોગ્ગા સાથે 53 રન બનાવતાં પંજાબ 18 કે 19મી ઓવરમાં જીતી જશે એવું લાગતું હતું પણ પહેલાં દિલ્હી અને ત્યારબાદ કલકત્તા સામે છેલ્લી ઓવરની ઢીલાશ ફરી જોવા મળી હતી અને છેલ્લી ઓવરમાં બે રન બનાવતાં દમ નીકળી ગયો હતો. ગેઈલ પાંચમા બોલે વિનિંગ રન લેવાના ચક્કરમાં રનઆઉટ થતાં છેલ્લા બોલમાં જીતવા માટે એક રનની જરૂર હતી. સુપરઓવરની પણ ચર્ચા થવા લાગી હતી. જો કે નિકોલસ પુરને છેલ્લા બોલમાં સિક્સર ફટકારીને પંજાબને બે પોઈન્ટ અપાવી દીધા હતા.


Related News

Loading...
Advertisement