મંદિરો ખોલવા પર પ્રતિબંધ નથી: પ્રસાદ બંધ પેકેટમાં આપી શકાશે

14 October 2020 04:09 PM
Ahmedabad Dharmik Gujarat Top News
  • મંદિરો ખોલવા પર પ્રતિબંધ નથી: પ્રસાદ બંધ પેકેટમાં આપી શકાશે

નવરાત્રીના તહેવારો પૂર્વે જ ધર્મપ્રેમી જનતા માટે રાજય સરકારનો નિર્ણય: ગૃહ રાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજાની જાહેરાત: મંદિરો કે ધર્મસ્થાન ખોલવા અંગે જે તે ટ્રસ્ટીઓ-સંચાલકો જ નિર્ણય લેશે: સરકારે છૂટ આપી જ છે

ગાંધીનગર તા.14
આવી રહેલી નવરાત્રી દરમિયાન મંદિર સહિત અનેક ધાર્મિક સ્થળો ઉપર દર્શનાર્થીઓ અને શ્રદ્ધાળુઓને પ્રસાદ પેકેટમાં આપવાની છૂટ આપતો નિર્ણય સરકારે કર્યો છે, જોકે અગાઉ પ્રસાદ નહીં આપતો નિર્ણય પણ સરકારે જ કર્યો હતો. પરંતુ આ મુદ્દાને લઇ વિરોધ થતાં રાજ્ય સરકારે તાત્કાલિક પોતાની ગાઇડલાઇન બદલીને પેકેટમાં પ્રસાદ આપવાની છૂટ આપતો નિર્ણય આજની કેબિનેટમાં કરવામાં આવ્યો છે . આ ઉપરાંત રાજ્ય સરકારે કોઈપણ મંદિરો બંધ કરવાનો નિર્ણય કર્યો નહીં હોવાનો ખુલાસો સરકાર તરફથી કરવામાં આવ્યો છે.

પ્રધાનમંડળની બેઠકમાં પ્રસાદ અને મંદિરો અંગે સ્પષ્ટતા કરતા ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે કોરોના ના કપરા કાળ દરમિયાન અનલોક 1 ની 7 જૂન 2020ની નિશ્ચિત ગાઈડલાઈન મઉજબ રાજ્યમાં મંદિરો ખોલવાની છૂટછાટ આપી હતી. એટલુંંજ નહી રાજ્યમાં કોઈપણ મંદિરો બંધ રાખવાનો નિર્ણય સરકારે નથી કર્યો આ નિર્ણય જે તે મંદિરના ટ્રસ્ટીઓએ સ્વતંત્ર રીતે કર્યો હોવાની સ્પષ્ટતા પ્રદીપસિંહ જાડેજાએ કરી હતી.

આ અંગે વધુ માહિતી આપતાં તેમણે જણાવ્યું હતું કે રાજ્યના કેટલાક મંદિરો અને ધર્મસ્થાનો પહાડની ટોચ ઉપર આવેલા છે . એટલું જ નહીં કેટલાક મંદિરોની અંદર પૂરતી જગ્યાનો અભાવ પણ છે. ત્યારે આવી રહેલા નવરાત્રીના પર્વ દરમિયાન આવા સ્થળો ઉપર લાખો લોકોની મેદની દર્શન કરવા માટે એકત્રિત થાય તો કોરોના નું સંક્રમણ વધવાની શક્યતાઓ પણ રહેલી છે . અને એટલે જ જે તે મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા આ અંગેનો જરૂરી નિર્ણય કર્યો હોવાની સ્પષ્ટતા પ્રદીપસિંહ જાડેજાએ કરી હતી.

આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે નવરાત્રીના પર્વ દરમિયાન ધાર્મિક સ્થાનો ઉપર પૂજા આરતી અને હવન રાબેતા મુજબ ચાલુ રહેશે. એટલું જ નહીં જે તે મંદિર અને તેના ટ્રસ્ટીઓ મંદિર સુધીના માર્ગો ઉપર ઓછી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહે તે અંગેનો નિર્ણય કરી શકશે અને શક્ય હશે તો એલઇડી જેવા આ માધ્યમોથી દર્શનાર્થી દર્શન કરી શકે તેવી વ્યવસ્થા ટ્રસ્ટ દ્વારા ઉભી કરવી જોઇએ તેવી અપીલ કરી હતી.

તો બીજી તરફ પ્રસાદ અંગે સરકારે કરેલા નિર્ણયની વિગતો આપતા પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે નવરાત્રી દરમિયાન તમામ ધર્મસ્થાનો અને મંદિરો ઉપર કોરોના વધે નહીં તે માટે ધાર્મિક સ્થળો ઉપર મળતો પ્રસાદ બંધ પેકેટ ની અંદર આપવાનો નિર્ણય સરકારે કર્યો છે જેના કારણે પ્રસાદ આપનાર અને પ્રસાદ લેનાર વ્યક્તિ એકબીજાના સંપર્કમાં આવેલ નહીં અને સંક્રમણ થાય નહીં તે માટે રાજ્ય સરકારે આજની કેબિનેટમાં આ નિર્ણય કર્યો હોવાની સ્પષ્ટતા કરી હતી એટલે કે સરકારના આ નિર્ણય પછી હવે પ્રત્યેક ધાર્મિક સ્થળો અને મંદિરો ધાર્મિક આસ્થા સચવાય તે હેતુથી બંધ પેકેટમાં પ્રસાદ આપી શકશે.

તો બીજી તરફ કચ્છના આશાપુરા માતાજીનું મંદિર અને પાવાગઢ નો મહાકાળી મંદિર બંધ રાખવા અંગે પૂછાયેલા પ્રશ્નના ઉત્તરમાં તેમણે સ્પષ્ટતા કરી હતી કે આ મંદિર સ્થાનો ઉપર નવરાત્રિમાં લાખો લોકો દર્શન માટે આવતા હોય છે ત્યારે આવા સ્થળો ઉપર ભીડ એકત્રિત થાય નહીં અને વ્યવસ્થા જળવાય તે હેતુથી સ્થાનિક રસ્તો દ્વારા આ વ્યક્તિગત નિર્ણય કર્યો હોવાની કબૂલાત પ્રદિપસિંહ જાડેજાએ કરી છે.


Related News

Loading...
Advertisement