નવરાત્રી પૂર્વે હાઇવે પર પદયાત્રિકોના બદલે એમ્બ્યુલન્સની દોડધામ

14 October 2020 12:32 PM
kutch Gujarat
  • નવરાત્રી પૂર્વે હાઇવે પર પદયાત્રિકોના બદલે એમ્બ્યુલન્સની દોડધામ
  • નવરાત્રી પૂર્વે હાઇવે પર પદયાત્રિકોના બદલે એમ્બ્યુલન્સની દોડધામ

કચ્છમાં આશાપુરા માતાજીના સ્થાનકો સુમસામ : પૂજાની સામગ્રીનું વેચાણ ઠપ્પ : પ્રતિબંધોથી ભકતો નિરાશ

(ઉત્સવ ટી. વૈદ્ય) ભૂજ તા.14
કોવીડ-19ના કહેરથી કંટાળેલી જનતા ઘેરા આઘાતમાં છે,આસો નવરાત્રીના નવલા દિવસો આવી ચુક્યા છે,પણ આ વખતે માનવજાતના ઇતિહાસમાં કદાચ પ્રથમ વખત જ નવરાત્રી પર સરકારી પ્રતિબંધ ફરમાવાયો છે.કચ્છમાં ઠેર ઠેર આવેલા અંબાજી,આશાપુરા કે નવદુર્ગાના અનેક સ્થાનકો જાણે સૂના પડ્યાં છે.ભાવિકો ડરતાં-ડરતાં દર્શન કરે છે.ભુજના આશાપુરા મંદિર અને તેની આસપાસના પૂજાપો,પ્રસાદ,માતાજીની ચૂંદડી જેવી ચીજવસ્તુઓ વહેંચતા વેપારીઓએ ભૂતકાળમાં ક્યારેય પણ આવા કપરા સમયનો સામનો કર્યો નથી.નિજમંદિરમાં સાકર-નાળિયેર તેમજ માતાજીની ચૂંદડી,પેંડા,પતાસા જેવો પ્રસાદ પધરાવવા પર પ્રતિબંધ છે,એટલે કોઈ પૂજાપાની આવી વસ્તુઓ ખરીદતા નથી.

ભુજના આશાપુરા મંદિરની સામે આવેલી દેવી પ્રસાદ ત્રિવેદીની દુકાનમાં ખાસ ઘરાકી નથી.આ સમયમાં માતાના મઢ તરફ જતા પદયાત્રીઓ સેંકડોની સંખ્યામાં ભુજના આશાપુરા મંદિરે પણ દર્શન કરવા પ્રણાલીગત રીતે આવતા હોય છે.આ વર્ષે હજુ સુધી એકલ-દોકલ પદયાત્રી સંઘ આવ્યો હતો.વેપાર ધંધા એટલા મંદ પડી ગયા છે કે ઘર ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે.તેવી જ પરિસ્થિતિ વાજિંત્રોનું સમારકામ કરવા વાળા,મંડપ-સાઉન્ડ સિસ્ટમના ઠેકેદારો અને લોક કલાકારોને થવા પામી છે.

લાંબા સમયથી સંતવાણી,મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ જેવા સમારંભો યોજાતા નથી જેને લઈને આ વર્ગના લોકોને ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે. કચ્છ અને સમગ્ર ગુજરાતમાં નવરાત્રી પર્વ ટાંકણે વાસણોની લ્હાણી કરવાની પરંપરા છે,પણ આ વર્ષે વાસણ બજાર પણ ઘેરી મંદીમાં સપડાયું છે.લ્હાણીના વાસણોમાં કોઈ ઈન્કવાયરી ન હોવાથી વેપારીઓ નવી ખરીદીના ઓર્ડર આપતા ગભરાતા હોવાનું એક વેપારી ગિરધર ભાઈ સોનીએ જણાવ્યું હતું.

નવરાત્રિથી જ ઇલેક્ટ્રિક માલ-સામાનની દુકાનોમાં ઝાકઝમાળ જોવા મળે છે,પણ આ વર્ષે વેપાર જ ન હોવાનું રોબીન સોનીએ જણાવ્યું હતું.ભુજના જાજરમાન હાટકેશ્વર મંદિરમાં દરવર્ષે પ્રાંગણમાં સ્થપાતી ગરબીને પ્રણાલીગત રીતે ગોઠવાઈ છે.’કેસરિયા’ રંગના આ માતાજીનું સ્થાપન જાણે નવરાત્રીની ઉજવણીના રંગમાં પડેલા ભંગની ચાડી ખાતું હોય તેવું ભાસતું હોવાનું પૂજારી કનૈયાલાલ વ્યાસે જણાવ્યું હતું.

આ સમયે કચ્છના તમામ ધોરીમાર્ગો કચ્છના લખપત તાલુકાના માતાના મઢ ખાતેના આશાપુરા મંદિરના સ્થાનકે જતા પદયાત્રીઓથી ગાજતા હોય છે.ઠેર ઠેર પદયાત્રી સેવા કેમ્પ 24 કલાક ધમધમતા હોય છે.માતાજીની છબી અને કેસરિયા રંગના ધ્વજવાળા વાહનોની કતારો જોવા મળે છે,અને સમગ્ર કચ્છના વાતાવરણ પર આશાપુરી ધૂપની મહેક પકડ જમાવતી હોય છે પણ આ વર્ષે જાણે સોંપો ફેલાયેલો છે.એમ્બ્યુલન્સ અને શબવાહિનીઓની દોડાદોડ લોકોના મનમાં ભયનો ઓથાર ફેલાવી રહી છે.


Related News

Loading...
Advertisement