સુરત : તબીબોએ સાઇન લેન્ગવેજમાં સમજણ આપી મૂકબધીર યુવાનની કોરોના સારવાર કરી

03 October 2020 10:21 AM
Surat Gujarat
  • સુરત : તબીબોએ સાઇન લેન્ગવેજમાં સમજણ આપી મૂકબધીર યુવાનની કોરોના સારવાર કરી

તબીબોની મહેનતથી ગંભીર સ્થિતિમાં આવેલા દર્દી 14 દિવસમાં જ કોરોના મુક્ત થયા

સુરત, તા. 3
કોરોના કાળમાં તબીબોની સેવાએ લોકોના દિલ જીતી લીધા છે ત્યારે સુરતના તબીબોએ પ્રશંસા પાત્ર કાર્ય કર્યું છે. શહેરની સ્મીમેર હોસ્પિટલના ડોક્ટરોએ જન્મજાત દિવ્યાંગ યુવાનને સાઇન લેન્ગવેજમાં કોરોનાની તમામ સમજણ આપી કોરોનાની સારવાર કરી હતી.

સાંભળી કે બોલી શકતું ન હોય તેવા વ્યક્તિની સારવાર કરવામાં છતાં સ્મીમેરના તબીબોએ કોરોના સંક્રમિત મૂક બધીર લિંબાયતના સાગર સત્યનારાયણને પ્રશંસા કરી શકાય તેવી સારવાર આપી નવો દાખલો બેસાડ્યો છે. આ અંગે મેડિસિન વિભાગના રેસિડેન્ટ ડો.મીતી દેસાઇ અને રેસિડન્ટ ડો.હસ્તિની કોઠારીએ જણાવ્યું હતું કે, 9 સપ્ટેમ્બરે ગંભીર હાલતમાં 26 વર્ષીય સાગરને આઇસીયુમાં દાખલ કરાયા હતા. તેમનું ઓક્સિજન લેવલ ખૂબ ઓછું હોવાથી વેન્ટિલેટર પર રખાયા, દર્દીની સારવાર કરતા હતા ત્યારે અમને જાણ થઇ કે, તે મૂક બધીર છે. જેથી સાઇન ભાષામાં, ઇશારાથી વાતો કરીને સમયસર જમવાનું, દવા તથા અન્ય સારવાર કરી હતી.

શરૂઆતમાં સાગરની હાલત ગંભીર હતી. તબીબોને ખ્યાલ આવી ગયો હતો કે, દર્દી માનસિક રીતે પડી ભાંગ્યા છે. જેથી ડોકટરોએ સાઇન ભાષામાં વાતો કરવાનું શરૂ કર્યું અને કોરોનાને તે હરાવી દેશે તેવી હિંમત આપી હતી. આશ્ચર્યજનક રીતે સાગરે 14 દિવસની સારવારમાં જ કોરોનાને મ્હાત આપી હતી. જેમાં 8 દિવસ સાગરની સારવાર વેન્ટિલેટર પર થઈ હતી. 22 મી એ તેમનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ રજા અપાઈ હતી.

સાજા થયેલા દર્દીના પરિવાર કરતા તબીબો વધુ ખુશ થયા
સાગરના ભાઇ સોમેષે જણાવ્યું કે, અમારા પરિવારને ટેન્શન હતું કે, સાગર બોલી કે સાંભળી શકતો નથી તો સારવારમાં અવરોધ રહેશે. પરંતુ સ્મિમેર હોસ્પિટલના તબીબો એમની સાથે સાઇન ભાષામાં વાત કરી એમનું ધ્યાન રાખ્યું. તબીબી ટીમનો જેટલો અમે આભાર માનીએ એટલો ઓછો છે. તબીબોની મહેનતના કારણે જ સાગરને નવી જીંદગી મળી છે, બીજી તરફ ડો.મીતી દેસાઇએ જણાવ્યું કે દર્દી સાજા થયા એમાં એમના પરિવાર કરતાં વઘુ ખુશી અમને થઇ છે. દર્દી સાજા થાય ત્યારે કામ કરવાની વઘુ હિંમત મળતી હોવાનું તબીબોએ સ્વીકાર્યું હતું.


Related News

Loading...
Advertisement