કોહલી બાદ હવે અય્યરને 12 લાખનો દંડ

30 September 2020 05:46 PM
India Sports
  • કોહલી બાદ હવે અય્યરને 12 લાખનો દંડ

સ્લો ઓવર રેટ બદલ દિલ્હીનો કેપ્ટન દંડાયો: ક્વોટાની 20 ઓવર પૂર્ણ કરવામાં 23 મિનિટનો સમય વધુ લઈ લીધો

અબુધાબી, તા.30
ઈન્ડિયન પ્રિમીયર લીગ (આઈપીએલ)ની 13મી સીઝનમાં દિલ્હી કેપિટલ્સ માટે 29 સપ્ટેમ્બરની તારીખ સારી રહી નહોતી. ટીમને પહેલાં તો સનરાઈઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ 15 રનથી પરાજયનો સામનો કરવો પડ્યો છે અને પછી કેપ્ટન શ્રેયસ અય્યર પર સ્લો ઓવર રેટને પગલે 12 લાખનો દંડ પણ થયો છે.

આ સીઝનમાં અય્યર બીજો એવો કેપ્ટન છે જેણે સ્લો ઓવર રેટનો દંડ ભરવો પડ્યો છે. આ પહેલાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન વિરાટ કોહલીને કિંગ્સ ઈલેવન પંજાબ વિરુદ્ધના મેચમાં દંડ સહન કરવો પડ્યો હતો.

અય્યરે ટોસ જીત્યો અને હૈદરાબાદને પહેલાં બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. હૈદરાબાદે નિર્ધારિત 20 ઓવરમાં ચાર વિકેટે 164 રન બનાવ્યા હતા. જોની બેરિસ્ટોએ 53, ડેવિડ વોર્નરે 45 અને વિલિયમસને 41 રનની ઈનિંગ રમી હતી. જવાબમાં દિલ્હીની ટીમ 20 ઓવરમાં સાત વિકેટે 147 રન જ બનાવી શકી હતી. અય્યર આ મેચમાં 21 બોલમાં 17 રન જ બનાવી શક્યો હતો. દિલ્હીએ પોતાના ક્વોટાની 20 ઓવર પૂર્ણ કરવામાં નિર્ધારિત સમયથી 23 મિનિટનો સમય વધુ લીધો હતો.

દિલ્હી કેપિટલ્સ માટે સ્લો ઓવર રેટનો આ પહેલો મામલો હતો. ટીમને પોઈન્ટ ટેબલમાં પણ પોતાનું ટોચનું સ્થાન ગુમાવવું પડ્યું છે. આ પરાજય બાદ દિલ્હી કેપિટલ્સ બીજા સ્થાને પહોંચી ગયું છે અને રાજસ્થાન અત્યારે પ્રથમ ક્રમે બિરાજમાન છે. દિલ્હીનો હવેનો મુકાબલો શારજાહમાં કોલકત્તા વિરુદ્ધ 3 ઓક્ટોબરે થશે. આઈપીએલ કોડ ઓફ કંડક્ટ હેઠળ દિલ્હી ઉપર પહેલી વખત સ્લો ઓવરરેટ મુદ્દે દંડ થયો છે. આ દંડ અય્યરે ચૂકવવાનો રહેશે.


Related News

Loading...
Advertisement