કેન્સર-ઇએસઆઇ હોસ્પિટલમાં એકપણ દર્દી નહી : 1300થી વધુ પથારીઓ ખાલી

30 September 2020 05:38 PM
Rajkot Saurashtra
  • કેન્સર-ઇએસઆઇ હોસ્પિટલમાં એકપણ દર્દી નહી : 1300થી વધુ પથારીઓ ખાલી

કલેકટરના કંટ્રોલ રૂમમાં બેડની વિગતો મેળવવાના પણ માત્ર 11 ફોન કોલ્સ આવ્યા :કેન્સરમાં કોરોના પોઝીટીવ દર્દીઓને દાખલ નહી કરાય : હળવા લક્ષણોવાળા પેશન્ટો રખાશે

રાજકોટ તા.30
રાજકોટમાં કોરોનાનો ગ્રાફ નીચે આવતો જાય છે. કોરોના પોઝીટીવ દર્દીઓ પણ ઝડપભેર સ્વસ્થ થઇ રહ્યા છે ત્યારે શહેરની કોરોના પોઝીટીવ દર્દીઓની સારવાર માટે તૈયાર કરાયેલ કેન્સર અને ઇએસઆઇ હોસ્પિટલમાં આજની સ્થિતિએ એક પણ દર્દી સારવારમાં નથી જયારે સરકારી-ખાનગી સહિત જિલ્લાની 2672 પથારી સામે 1346 જેટલી બેડની સંખ્યા ખાલી હોવાનું અધિક નિવાસી કલેકટર પરિમલ પંડયાએ એક વાતચીત દરમ્યાન જણાવ્યું હતું.

રાજકોટ શહેરમાં કોરોના દર્દીઓની સારવાર માટે કાર્યરત સિવિલમાં 227 બેડ, સમરસમાં 501, ઇએસઆઇ 41, કેન્સર હોસ્પિટલમાં તમામ 192 પથારી તથા શહેરની 24 ખાનગી હોસ્પિટલોમાં 1176 બેડમાંથી 298 પથારી ખાલી હોવાનું જણાવ્યું છે. આ ઉપરાંત જિલ્લાની ગોંડલમાં 39, જસદણમાં 13, ધોરાજીમાં 15 બેડ ઉપલબ્ધ છે.

રાજકોટની કેન્સર હોસ્પિટલમાં હવે કોરોના પોઝીટીવ દર્દીઓને દાખલ કરવામાં આવશે નહી. હળવા કોરોના લક્ષણો ધરાવતા પેશન્ટોને જ કેન્સરમાં દાખલ કરવાનો નિર્ણય કરાયો છે જે સંદર્ભે કેન્સરમાંથી ગઇકાલે 30 કોરોના પોઝીટીવ દર્દીઓને સમરસ હોસ્ટેલ ખાતે શીફટ કરી દેવામાં આવ્યા છે. શહેરની સિવિલમાં હાલ 363, સમરસમાં 59, ગોંડલમાં 15, જસદણમાં 11, ધોરાજીમાં 20 તથા શહેરની 24 ખાનગી હોસ્પિટલોમાં 878 સહિત જિલ્લામાં 1346 દર્દીઓ કોરોનાની સારવાર લઇ રહ્યા છે.

દરમ્યાન રાજકોટ શહેર અને જિલ્લામાં કોરોના બેડની સ્થિતિ સતત સુધરતી જાય છે. લોકોને વધુને વધુ ટેસ્ટીંગ કરાવવા, કોરોનાથી ડરવાની નહી અને સાવચેતીની જરૂરત માટે જાગૃત કરી માસ્ક ધારણ કરવુ, સોશ્યલ ડિસ્ટન્સ જાળવી રાખવાની અપીલ અધિક નિવાસી કલેકટરે અંતમાં કરી છે.


Related News

Loading...
Advertisement