હાશ..શનિવારથી ખાડા બુરાવા લાગશે; પૂરા શહેરમાં પેચવર્ક શરૂ કરશે કોર્પોરેશન

30 September 2020 05:17 PM
Rajkot Saurashtra
  • હાશ..શનિવારથી ખાડા બુરાવા લાગશે;  પૂરા શહેરમાં પેચવર્ક શરૂ કરશે કોર્પોરેશન

દરેક વોર્ડમાં 10 થી 15 લાખના પેચવર્કના કામ : બાકી એકશન પ્લાન પણ પૂરો થશે : કમિશ્નર

રાજકોટ, તા. 30
ચાલુ વર્ષે લંબાયેલા ચોમાસા, હજુ ભેજયુકત વાતાવરણના કારણે રાજકોટમાં પેચવર્ક કે ડામર કામ શરૂ થઇ શકયા નથી ત્યારે પુરા નગરમાં શનિવારથી ખાડા બુરવાના પેચવર્ક કામ શરૂ થઇ જશે તેમ આજે કમિશ્નર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું.

રાજકોટમાં આ વર્ષે 48 ઇંચ જેવો સંતોષકારક વરસાદ પડી ગયો છે. આ વર્ષે સપ્ટેમ્બરના મઘ્ય સુધી સતત વરસાદ ચાલુ રહેતા મંજુર થયેલા એકશન પ્લાનના બાકી કામ કે પેચવર્કના કામ શરૂ થઇ શકયા ન હતા. અવારનવાર પડતા વરસાદ વચ્ચે વિપક્ષે પણ શાસકો પર રાજકીય હુમલો કરવાની તક ઝડપી હતી.

દરમ્યાન હવે વાતાવરણ સ્વચ્છ થયું હોય અને મોટાભાગે વરસાદની શકયતા ન હોય, કયાંક કયાંક શરૂ થયેલા છુટક કામ વચ્ચે શનિવારથી તમામ વોર્ડમાં ડામર કામ શરૂ કરવા ઇજનેરોએ તૈયારી કરી છે.

દરેક વોર્ડમાં 4 થી 5 વિસ્તારમાં એકશન પ્લાનના મેઇન રોડના કામ લેવામાં આવનાર છે. ત્રણે ઝોનમાં આઠ આઠ કરોડના એકશન પ્લાનના કામ મંજુર કરવામાં આવ્યા છે જો તેમાંથી મોટાભાગના કામો પૂરા થયા છે છતાં બાકી કામ પણ શરૂ કરીને દિવાળી પહેલા પુરા કરવા તંત્રની ગણતરી છે. આ વર્ષે નવરાત્રીના આયોજન ન હોય, ગરીબ ચોકના કામ શરૂ કરતા પૂર્વે તંત્રએ વરસાદની સ્થિતિ ઘ્યાને રાખીને ધીરજ રાખી છે. તમામ વોર્ડમાં સરેરાશ 10 થી 15 લાખના પેચવર્કના કામ કરવા તંત્રની ગણતરી છે.

આ રીતે શહેરના જુદા જુદા રોડ અને શેરીઓમાં પડેલા ખાડાઓ બુરવાનું કામ દરેક વિસ્તારમાં શનિવારથી શરૂ થઇ જશે. પ્લાનમાં હજુ કપચી ભીની હોય બે ત્રણ દિવસમાં ડામર કામ શરૂ થઇ શકશે તેવું ઇજનેરી વર્તુળોએ પણ જણાવ્યું હતું.


Related News

Loading...
Advertisement