અર્વાચીન રાસોત્સવને મંજુરી નહી: શેરી-ગરબા અંગે અનલોક-5 ગાઈડલાઈન મુજબ નિર્ણય

30 September 2020 05:07 PM
Ahmedabad Gujarat
  • અર્વાચીન રાસોત્સવને મંજુરી નહી: શેરી-ગરબા અંગે અનલોક-5 ગાઈડલાઈન મુજબ નિર્ણય

નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલની સ્પષ્ટ જાહેરાત: તબીબોનો મત પણ નવરાત્રી આયોજન વિરુદ્ધ: ડિસ્કો દાંડીયાના ચાહકોને નિરાશા

ગાંધીનગર: ગુજરાતમાં આ વર્ષે વ્યાવસાયિક ધોરણે યોજાતા અર્વાચીન દાંડીયારાસને મંજુરી નહી અપાય. નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે આજે પત્રકારો સાથેની વાતચીતમાં આ માહિતી આપતા જણાવ્યું હતું કે મોટાપાયે અર્વાચીન દાંડીયારાસમાં જે રીતે હજારો લોકો એક મેદાનમાં એકત્ર થઈને નવરાત્રી ઉજવણીનો આનંદ માણે છે તેમાં માસ્કના નિયમનો ભંગ થઈ શકે છે.

સોશ્યલ ડીસ્ટન્સ પણ જળવાશે નહી તેથી નિષ્ણાંત તબીબોનો પણ અભિપ્રાય એ છે કે આ પરિસ્થિતિમાં કોરોનાનું સંક્રમણ ફેલાવાનો ખતરો વધી જાય છે અને તેથી નવરાત્રી આયોજનને મંજુરી આપવી જોઈએ નહી. પટેલે જણાવ્યું કે વ્યાવસાયિક ધોરણે દાંડીયારાસને મંજુરી મળવાની કોઈ શકયતા નથી. જો કે શેરી-ગરબીઓ જે યોજાય છે તેના પર હજું નિર્ણય લેવાયો નથી.

પટેલે જણાવ્યું કે અનલોક-5ની કેન્દ્રની માર્ગરેખા આવશે તેના પરથી શેરી ગરબા અંગે નિર્ણય લેવાશે. પટેલની આ જાહેરાત સૂચક છે અને હવે અર્વાચીન રાસોત્સવ નહી યોજાય તે નિશ્ચિત થયુ છે જયારે કેન્દ્રની અનલોકની માર્ગરેખા આજે જાહેર થવાની ધારણા છે તેના પર સૌની નજર છે.

પટેલે જણાવ્યું કે સરકારે પણ દર વર્ષે જે યુનિ. મેદાનમાં મહોત્સવ યોજે છે તે પણ રદ કર્યા છે. આથી સરકારનું વલણ સ્પષ્ટ છે. હવે શેરી ગરબા અંગે હવે નિર્ણય લેશું.


Related News

Loading...
Advertisement