ઈન્કમટેકસનો ફેસલેસ યુગ! રાજકોટમાં અપીલની ઓનલાઈન સુનાવણી શરૂ

28 September 2020 06:35 PM
Rajkot
  • ઈન્કમટેકસનો ફેસલેસ યુગ! રાજકોટમાં અપીલની ઓનલાઈન સુનાવણી શરૂ

6000 જેટલા પેન્ડીંગ કેસોનો વહેલી તકે નિકાલ કરવાનું લક્ષ્ય

રાજકોટ તા.28
ભારતમાં આવકવેરા એસેસમેન્ટ ફેસલેબ બનાવવામાં આવ્યું છે ત્યારે રાજકોટમાં પણ તેને આનુસાંગીક પ્રક્રિયા શરૂ થઈ ગઈ હોય તેમ અપીલના કેસો ઓનલાઈન શરૂ થયા છે.
આવકવેરા ખાતાનાં સુત્રોએ કહ્યું કે કોરોના લોકડાઉનને કારણે આવકવેરા કાર્યવાહી પરનાં નિયંત્રણો ઉઠાવી લેવામાં આવ્યા બાદ જુદી જુદી પ્રક્રિયા શરૂ કરવાની દિશામાં ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.મુંબઈ જેવા શહેરોમાં નોટીસો ઈસ્યુ થવા લાગી છે. રાજકોટ-ગુજરાતમાં પણ 1લી ઓકટોબર પછી આ પ્રકારની કાર્યવાહીની સંભાવના છે તે પૂર્વે અપીલની ઓનલાઈન સુનાવણી શરૂ કરી દેવામાં આવી છે.ગત શુક્રવારે અપીલના કેસ હાથમા લેવામાં આવ્યા હતા અને નિયમીતરીતે ઓનલાઈન સુનાવણી થવાની શકયતા છે. આ ઓનલાઈન સિસ્ટમને કારણે અત્યાર સુધીનાં તમામ પડતર કેસોનો ઉકેલ પણ ઘણો વહેલો આવી જવાની અટકળો વ્યકત થઈ રહી છે.
એક અંદાજ પ્રમાણે રાજકોટ ઈન્કમટેકસ હેઠળ આવતા સૌરાષ્ટ્રનાં જીલ્લાઓનાં આવકવેરા અપીલના 6000 જેટલા કેસો પેન્ડીંગ છે. નવી સીસ્ટમ હેઠળ કોઈપણ શહેરોમાંથી ઓનલાઈન કેસ ચાલશે.
આવકવેરા વિભાગનો મહત્વાકાંક્ષી ફેસલેસ પ્રોજેકટ લાગુ થઈ જ ગયો છે જે અંતર્ગત કરદાતાને નોટીસ, હીયરીંગ, દસ્તાવેજોનું વેરીફીકેશન વગેરે ઓનલાઈન જ થવાનું છે ફેસલેસ પ્રોજેકટ અંતર્ગત એસેસમેન્ટ, વેરીફીકેશન તથા અપીલ એમ કામગીરીનું ત્રણ ભાગોમાં વિભાજન થયુ છે.તમામ વિભાગોમાં અધિકારીઓનું સેટઅપ ગોઠવવામાં આવ્યું છે.
સુત્રોના કહેવા પ્રમાણે રાજકોટમાં અપીલના પ્રથમ કેસ હાથ પર લેવામાં આવ્યા હતા. તેમાં સામાન્ય થોડી ટેકનીકલ સમસ્યા સિવાય કામગીરી સરળ જ બની રહી હતી.


Related News

Loading...
Advertisement