હવે ટીમ પાટીલ પર નજર : જિલ્લા અને મહાનગરોમાં નવા સુકાનીઓ વિલંબમાં પડી શકે

28 September 2020 06:30 PM
Ahmedabad Gujarat
  • હવે ટીમ પાટીલ પર નજર : જિલ્લા અને મહાનગરોમાં નવા સુકાનીઓ વિલંબમાં પડી શકે

ચાર ઝોનલ મહામંત્રીઓની નિયુક્તિ થશે : યુવા મોરચાનો ભાર સૌરાષ્ટ્ર ભણી આવે તેવા સંકેત

ભાજપની રાષ્ટ્રીય ટીમ જાહેર થઇ ગયા બાદ હવે ગુજરાતમાં પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ પોતાની ટીમ ક્યારે જાહેર કરે છે તેના પર સૌની નજર છે અને સુત્રોના જણાવ્યા મુજબ શ્રી પાટીલ પ્રદેશ ઉપપ્રમુખ ઉપરાંત ચાર ઝોનલ મહામંત્રીઓ નિયુક્ત કરશે અને તે રીતે ગુજરાતના તમામ ચાર ઝોન માટે સશક્ત વ્યક્તિ મુકીને આગામી સમયમાં ચૂંટણીની વ્યવસ્થામાં આગળ વધશે. ઉપરાંત ગુજરાત ભાજપમાં મોરચાઓની પણ પુન: રચના થશે જેમાં યુવા મોરચામાં હાલના પ્રદેશ પ્રમુખ ઋત્વીક પટેલના સ્થાને સૌરાષ્ટ્રમાંથી કોઇ યુવાને નેતૃત્વ આપી શકાય છે. અને તેમાં હાલના મહામંત્રી નેહલ શુક્લનું નામ પણ ચર્ચામાં છે જ્યારે મહિલા મોરચા માટે ભાજપ કોઇ યુવા ચહેરો શોધી રહી છે. સુત્રોના જણાવ્યા મુજબ પાટીલ પોતાની ટીમ બનાવી લેશે પરંતુ જિલ્લા અને મહાનગર કક્ષામાં હાલની ટીમ યથાવત રાખે તેવા સંકેત છે. ખાસ કરીને પંચાયત તથા મહાપાલિકા ચૂંટણી આવી રહી છે અને તે જોતા હાલનું સંગઠન માળખુ જો બદલાઈ તો ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાઈ શકાતી આ ચૂંટણીઓમાં પક્ષના નેતાઓ પોતાના ક્ષેત્રની નવી જવાબદારીને ઝડપથી વહન કરી શકે કે કેમ તે પણ પ્રશ્ર્ન છે અને તેથી મહાપાલિકા અને પંચાયત ચૂંટણીઓ પૂરી થયા બાદ જિલ્લા અને મહાનગરના નવા સંગઠનની રચના જાહેર કરાશે તેવું ભાજપના સુત્રોએ જણાવ્યું હતું.


Related News

Loading...
Advertisement